અમદાવાદની SVP હોસ્પિટલમાં બેડ માટે તડપે છે કોરોના દર્દીઓ, મહિલાનો સણસણતો આરોપ

અમદાવાદની SVP હોસ્પિટલમાં બેડ માટે તડપે છે કોરોના દર્દીઓ, મહિલાનો સણસણતો આરોપ
  • SVP હોસ્પિટલથી ત્રસ્ત પાલડીની મહિલાએ વીડિયો વાયરલ કર્યો છે અને તેની આપવીતી જણાવી
  • વૃદ્ધને સાંજના 7 વાગ્યા સુધી અનેક ઓળખાણો લગાવ્યા છતાં પણ બેડ ના મળ્યો હોવાનું આ મહિલા જણાવી રહી છે

અતુલ તિવારી/અમદાવાદ :કોરોના ભલે વકર્યો હોય પરંતુ સરકારી હોસ્પિટલોની અને આરોગ્ય વિભાગની પૂરી તૈયારી છે, પરંતુ અમદાવાદની એક મહિલાનો એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પોતાના સસરાની સારવાર માટે દર દર ભટકી રહી છે. અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલ કહેવા માટે તો 1200 બેડની છે, પરંતુ એક કોરોના પેશન્ટને સારવાર માટે વલખાં મારવાં પડી રહ્યાં છે. SVP હોસ્પિટલથી ત્રસ્ત પાલડીની મહિલાએ વીડિયો વાયરલ કર્યો છે અને તેની આપવીતી જણાવી છે. 

અમદાવાદની SVP હૉસ્પિટલમાં પોતાના સસરાને સારવાર માટે કોર્પોરેટરો સહિત અનેક લોકોની મદદ માંગી છે. પરંતુ SVP માં બેડ ના મળ્યો હોવાનું તે જણાવી રહી છે. આ મહિલાનો પુત્ર સેરેબ્રલ પાલ્સીનો દર્દી છે અને જે કોરોના પોઝિટિવ દર્દી છે તે મહિલાના સસરા છે અને તે 81 વર્ષના હોવા ઉપરાંત બી.પી.  અને ડાયાબિટીસના પેશન્ટ છે. તેમને અનેક તકલીફો હોવા છતાં એક પથારી માટે દર દર ભડકવું પડતું હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. SVP હોસ્પિટલમાં સારવાર લેવા સવારથી હેરાન થતા વૃદ્ધને સાંજના 7 વાગ્યા સુધી અનેક ઓળખાણો લગાવ્યા છતાં પણ બેડ ના મળ્યો હોવાનું આ મહિલા જણાવી રહી છે. SVPના સત્તાધીશો એડમિટ કરવાની સતત પાડી ના પાડી રહ્યા છે. 

બેડ ખાલી ન હોવાનું કહી વૃદ્ધને દાખલ નથી કરવામાં આવ્યા. 1200 બેડ ધરાવતી SVP હોસ્પિટલમા ખૂબ ઓછા બેડ કોવિડ દર્દીઓ માટે રખાયા હોવાથી શહેરીજનોને સમયાંતરે સમસ્યા થઈ હોવાના આરોપો લાગતા રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓની ભલામણથી જ SVPમાં કોવિડ બેડ અપાતા હોવાની ફરિયાદો સતત મળતી રહી છે. ત્યારે SVPમાં જો બેડ ખાલી ન હોય તો કેમ સિવિલ હોસ્પિટલની જેમ બેડ વધારવામાં નથી આવતા તે મોટો સવાલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news