કર્ણ હોસ્પિટલના કબાટમાં મળેલી લાશોનો ભેદ ખૂલ્યો, કમ્પાઉન્ડરે માત્ર 5 હજાર રૂપિયામાં મોત વેચ્યું
Ahmedabad Double Murder Mystery : અમદાવાદની ડબલ મર્ડર મિસ્ટ્રી ભલભલાને ગોથે ચઢાવી દે તેવી છે. ડોક્ટર બનીને દર્દીઓને સારવાર કરવા કમ્પાઉન્ડર રોજ એક કલાક હોસ્પિટલના સીસીટીવી બંધ કરી દેતો
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : ગઈકાલે અમદાવાદના મણિનગરની કર્ણ હોસ્પિટલમાં માતા પુત્રીની લાશ મળી આવી હતી. ત્યારે આ હત્યાઓ પાછળ કોનો હાથ છે તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 15 વર્ષથી હોસ્પિટલમાં કામ કરતો કમ્પાઉન્ડર હત્યારો નીકળ્યો છે. કમ્પાન્ડરે 30 હજારને બદલે માત્ર 5 હજારમાં ઓપરેશન કરી આપવાની લાલચ આપી હતી. જેમાં હોસ્પિટલ શરૂ થવાના કલાક પહેલાં હોસ્પિટલમાં ઓપરેશન માટે બોલાવીને એનેસ્થેસિયાના ઓવરડોઝ આપતાં યુવતીનું તરફડીને મોત થયુ હતુ. દીકરીને આવી રીતે જોઈને માતા પણ બેભાઈ થઈ હતી, પરંતું પોતાનું કૌભાંડ ખૂલશે એ બીકે કમ્પાઉન્ડરે માતાનુ ગળુ દબાવીને તેમને મારી નાંખ્યા હતા. ત્યારે આ મર્ડર મિસ્ટ્રી ભલભલાને ગોથે ચઢાવી દે તેવી છે. ડોક્ટર બનીને દર્દીઓને સારવાર કરવા કમ્પાઉન્ડર રોજ એક કલાક હોસ્પિટલના સીસીટીવી બંધ કરી દેતો હતો.
અમદાવાદના મણિનગર વિસ્તારના ભૂલાભાઈ ચાર રસ્તા પાસે કર્ણ હોસ્પિટલ આવી છે. ગત રોજ આ હોસ્પિટલમાંથી બે મહિલાની લાશ મળી હતી. એક યુવતીની લાશ ગેસ મૂકવાના કબાટમાંથી મળી હતી. તો વૃદ્ધ મહિલાની લાશ ક્લિનિકની અંદર કન્સલટિંગ બેડની નીચેથી મળી હતી. ત્યારે પોલીસને સમગ્ર મામલે હોસ્પિટલના કમ્પાઉન્ડર પર શંકા હોવાથી મનસુખની અટકાયત કરી હતી. હોસ્પિટલમાંથી જે લાશ મળી તેમાં એક ભારતી નામની યુવતી હતી અને બીજી તેના માતા ચંપાબેન હતા. જેમાં તેની પૂછપરછમાં તેણે બંનેની હત્યા કેવી રીતે કરી તે ખુલાસો થયો હતો.
મનસુખ સસ્તામાં ઓપરેશન કરી આપવાની લાલચ આપતો
ડોક્ટર જે ઓપરેશનના 30 હજાર ચાર્જ કરતા તેને મનસુખ 5 હજારમાં જ કરી દેતો. આ સાંભળીને પણ આઘાત લાગે. પરંતું કમ્પાઉન્ડર મનસુખ એટલો દેવાદાર થઈ ગયો હતો કે, તેણે લાલચમાં આવીને બે લોકોની હત્યા કરી હતી. મનસુખ દેવાદાર હતો. અને તેને રૂપિયાની જરૂર હતી. તેથી તે હોસ્પિટલમાં આવતા દર્દીઓને ઓછા રૂપિયામાં ઓપરેશન કરાવી આપવાની લાલચ આપતો, અને જાતે જ ઓપરેશન કરતો હોવાનો ખુલાસો થયો છે. આ માટે તે રોજ હોસ્પિટલના સીસીટીવી ચોક્કસ સમયે બંધ કરતો હતો. મનસુખ દરરોજ ક્લિનિકમાં 9.30થી 10:30 સુધી સીસીટીવી કેમેરા બંધ કરી દેતો. આ સમયે તે દર્દીઓને સસ્તામાં ઓપરેશન કરી આપવાની લાલચ આપતો. તેમાંથી જ રૂપિયા મળે તે પોતાના ખિસ્સામાં નાંખતો.
યુવતી અને માતા કેવી રીતે તેની જાળમાં ફસાઈ
મનસુખ દેવાદાર હતો. તેને રૂપિયાની જરૂર હતી. તેથી તે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હોવા છતા ડોક્ટર બનીને ઓપરેશન કરતો, અને રૂપિયા મેળવતો. ભારતી નામની મહિલા પોતાના પતિથી અલગ રહેતી હતી અને તે તેની માતા ચંપાબેન સાથે ખૂબ નજીક હતી. ભારતીના કાનમાં તકલીફ હતી, તેથી તે ઈએનટી સ્પેશિયલ કર્ણ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. તેને કાનના પડદાનું ઓપરેશન કરાવવાનું હતું. તેથી ડોક્ટર સાથે વાત ચાલતી હતી, પરંતુ ઓપરેશનના રૂપિયા ભારતી માટે મોટી રકમ હતી, તેથી તે કમ્પાઉન્ડર મનસુખના જાળમાં ફસાઈ હતી.
ભારતીની લાચારી જોઈ કમ્પાઉન્ડર મનસુખે પોતાનો દાવ ખેલ્યો હતો. તેણે ચંપાબેનને કહ્યુ હતું કે, મારી દીકરીનું ઓપરેશન હું કરી આપીશ. ડોક્ટર ભલે ગમે તેટલી રકમ કહે. હું તમને ખૂબ ઓછી રકમમાં તમારી દીકરીની સારવાર કરી આપીશ, એટલે ચંપાબેન અને ભારતી તૈયાર થઈ ગયાં હતાં. પોતે દેવાદાર હોવાથી તેણે બંને પાસેથી 3000 રૂપિયા ઉછીના લીધા હતા, અને ઓપરેશન કરવાનો સમય આપ્યો હતો. વધુ રૂપિયાની જરૂર હોઈ મનસુખે ભારતી અને ચંપાબેનને બુધવારે સવારે 9.30 કલાકનો સમય આપ્યો હતો.
ભારતીબેન અને ચંપાબેન હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યારે મનસુખ ત્યા હાજર હતો. આ બાદ તે ભારતીબેનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો. ચંપાબેન પણ ત્યાં હાજર હતા. મનસુખે જાતે એનેસ્થેસિયાનું ઈન્જેક્શન ભર્યુ હતું. ઇન્જેક્શન આપ્યા બાદ ભારતીબેનને બહુ અસર થઈ નહીં, એટલે મનસુખે એનેસ્થેસિયાનો બીજો ડોઝ ભારતીબેનને આપ્યો હતો. આ ડોઝ એટલો ભારે હતો કે, ભારતીબેન બેભાન થવાને બદલે તરફડિયા મારવા લાગ્યા હતા. આ બધુ ચંપાબેનની નજર સામે થઈ રહ્યુ હતું. જોતજોતામાં ભારતીબેન તરફડિયા ખાતા મોતને ભેટ્યા. દીકરીને નજર સામે મરતી જોઈ ચંપાબેન બેહોશ થઈ ગયા હતા. આ બાદ મનસુખ ગભરાઈ ગયો હતો. ભાંડો ફૂટશે એ વિચારમાં તેણે ચંપાબેનનુ ગળુ દબાવ્યું, અને તેઓ ત્યાં જ મોતને ભેટ્યાહ તા.
બંનેના મોત બાદ મનસુખ ચિંતામાં મૂકાયો હતો. કારણ કે, બીજી તરફ હોસ્પિટલમાં દર્દી અને ડોક્ટર આવવા લાગ્યા હતા. તેથી તેણે ભારતીબેનની લાશ ઓપરેશન થિયેટરમાં આવેલા એક ખાનામાં એટલે કે નાના કબાટમાં મૂકી દીધી હતી. જ્યાં કબાટમાં ગેસનો બાટલો હતો, તે બહાર કાઢી મૂક્યો હતો. જ્યારે કન્સલ્ટિંગ ટેબલની નીચે ચંપાબેનની લાશને સંતાડી હતી. આ બાદ સીસીટીવી ચાલુ કર્યા હતા. પરંતું ડોક્ટર ત્યાં આવે ત્યારે તેમણે ગેસનો બાટલો તેમજ ખાનાની બહાર ચપ્પલ જોયાં હતાં. એટલે તેમણે ખાનું ખોલતાં ભારતીની લાશ પડી હતી. એ જોઈને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસને મનસુખ પર શંકા હતી, તેથી પોલીસે હોસ્પિટલના સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં સીસીટીવી બંધ થતા પહેલા ભારતીબેન, ચંપાબેન અને મનસુખ સાથે જોવા મળ્યા હતા. આમ, પોલીસે મનસુખની વધુ તપાસ હાથ ધરી છે. તેણે રૂપિયાની લાલચમાં બીજા કેટલા લોકોની હત્યા કરી છે અને ઓપરેશન કર્યાં છે તે દિશામાં ઘોડા દોડાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે