રિક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ રાખતા મુસાફરો અટવાયા, તોફાની તત્વોએ સીટી બસના કાચ તોડ્યા
Trending Photos
સંજય ટાંક/ અમદાવાદ: ટ્રાફિકના નિયમોના કડક અમલને કારણે હેરાન થયેલા રિક્ષાચાલકોએ સોમવારે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. જો કે રિક્ષાચાલકોની આ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરંતુ હડતાળના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ કેટલાક તોફાની તત્વોએ સીટી બસમાં તોડફોડ કરી હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે.
અમદાવાદમાં રીક્ષા ચાલકોની હડતાલના લીધે બહારગામથી સારવાર માટે આવેલા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખંભાતથી સારવાર માટે આવેલો એક પરિવાર અમદાવાદમાં રીક્ષાચાલકોની લીધે મુશ્કેલીમાં મુકાયો હતો. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની સોમવારની એપોઈમેન્ટ હોઈ પરિવાર અમદાવાદ આવ્યું તો ખરા પરંતુ ઓટો રિક્ષાની હડતાળથી અજાણ પરિવાર અટવાઈ પડ્યો હતો. તેઓને ઓટો રિક્ષા ન મળતાં તેઓએ પેડલ રીક્ષાનો સહારો લેવો પડ્યો હતો. આવી જ રીતે કેટલાક કચ્છથી આવેલા દર્દીઓ અને તેમના સગાઓએ પણ રિક્ષા નહિ મળતાં ટેમ્પો રિક્ષામાં બેસીને સિવિલ હોસ્પિટલ સુધી જવાની ફરજ પડી હતી.
તો બીજી તરફ સવારથી જ પોતાની હડતાળ સફળ બને તે માટેના પ્રયાસો રિક્ષાચાલકોએ કરી દીધા હતા. અને તેથી જ પ્રાઈવેટ ટેક્સીઓને રોકીને મુસાફરોને ઉતારી તે ખાલી કરાવતા હોવાના દ્વશ્યો પણ સામે આવ્યા હતા. હડતાળના પડઘા અહીં જ શાંત પડ્યા ન હતા. કેટલાક તોફાની તત્વોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં સિટી બસને નિશાને બનાવી હતી. સિટીબસના કાચ તોડી પાડી બંધ કરાવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો પોલીસે પણ આ તોફાની તત્વો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
રિક્ષા ચાલકોની આ હડતાળ આમ તો પ્રતિક હતી. પરંતુ તેઓએ પોતાની માંગણીઓ નહિ સંતોષાય અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ બંધ નહિ થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે