'દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો', ભરૂચમાં વર્ચસ્વનો જંગ

Loksabha Election 2024: AAP અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ભરૂચ બેઠક પરથી AAPના ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવા મેદાને છે. ચૈતર વસાવાએ એક સભા દરમિયાન મનસુખ વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને કહ્યું કે મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો.

'દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો', ભરૂચમાં વર્ચસ્વનો જંગ

Loksabha Election 2024: ભરૂચ લોકસભા બેઠક પર AAP અને ભાજપ વચ્ચે જંગ જામવાનો છે. AAP અને કોંગ્રેસનું ગઠબંધન હોવાથી ભરૂચ બેઠક પરથી AAPના ચૈતર વસાવા અને ભાજપમાંથી મનસુખ વસાવા મેદાને છે. ચૈતર વસાવાએ એક સભા દરમિયાન મનસુખ વસાવા પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને કહ્યું કે મનસુખ દાદાને આ વખતે આપણે રિટાયર્ડ કરીને આરામ આપવાનો છે. દાદાની તબિયત હવે સારી નથી રહેતી જેથી તેમને રિટાર્યડ કરી દેજો. 

જો કે ચૈતર વસાવાના આ પ્રહારનો મનસુખ વસાવાએ જવાબ આપ્યો અને કહ્યું ચૈતર વસાવાને જે ભસવું હોય તે ભસે, હું પાછળ ફરીને નથી જોવાનો. ભરૂચમાં 2 વસાવા વચ્ચે વર્ચસ્વનો જંગ થવાનો છે. ભાજપે પોતાના જૂના જોગીને મેદાને ઉતારી આ સીટ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. મનસુખ વસાવાએ ટિકિટ તો મેળવી લીધી છે પણ સ્થાનિકમાંથી સપોર્ટ કેટલો મળે છે એ સૌથી મહત્વનું છે. વસાવા આખા બોલા હોવાથી ભાજપના નેતાઓ પણ નારાજ હતા પણ હાઈકમાન્ડે એમને ફરી રિપિટ કરતાં તમામે ચૂપકીદી સાધી લીધી છે. 

'ચૈતર મૂર્ખ છે, નવો નિશાળિયો છે'
લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના એક નિવેદનનો જવાબ આપતાં મનસુખ વસાવએ કહ્યું હતું કે, 'ચૈતર મૂર્ખ છે, નવો નિશાળિયો છે.' તો આજે ચૈતર વસાવાએ મનસુખ વસાવાનું નામ લીધા વગર જણાવ્યું છે કે, 'હવે દાદાને રિટાયર્ડ કરવાના છે, એમની તબિયત નાદુરસ્ત છે' આમ આ સીટ પર લોકસભાની ચૂંટણીમાં ભારે રસાકસી રહે તો નવાઈ નહીં. ચૈતરે પત્રકારો સાથે વાત કરીને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, હું ભરૂચનો ઉમેદવાર છું અને મને ભરૂચના લોકો પર સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકસભામાં લોકોના આશીર્વાદ અને દુવાઓ મળશે. આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું તેવી અમને આશા પણ છે.

ભરૂચ બેઠકમાં 17 લાખથી વધુ મતદારો
ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા દ્વારા સ્વાભિમાન યાત્રા યોજવામાં આવી રહી છે, આ યાત્રા ભરૂચ મતવિસ્તારમાં આવતા વિવિધ ગામોમાં યોજીને સભા કરવામાં આવી રહી છે. ભરૂચ બેઠકના સમીકરણો પર એક નજર કરીએ તો, ભરૂચ બેઠકમાં 17 લાખથી વધુ મતદારો છે. જેમાં 5,49,959 આદિવાસી મતદારો છે. જ્યારે બીજા નંબર પર મુસ્લિમ મતદારો છે. 2,98,938 મુસ્લિમ મતદારો છે. જ્યારે ત્રીજા નંબર પર 1,70,056 કોળી પટેલ મતદારો છે. ત્યારે આ બેઠક પર ભાજપે 6 ટર્મથી વિજેતા થતા મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જેની સામે પણ આ વખતે આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.

મનસુખ વસાવાની રાજકીય સફર
જોકે મનસુખ વસાવા એક પ્રબળ ઉમેદવાર તરીકે ભરૂચ લોકસભા બેઠક પર છે. કારણ એ છે કે 1998 થી ભરૂચ લોકસભા ભાજપના ફાળે જ છે. મનસુખ વસાવાએ ગુજરાત વિદ્યાપીઠમાંથી એમ એસ ડબ્લ્યુનો અભ્યાસ કર્યો છે. 1983 થી મનસુખ વસાવાએ રાજકારણમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પ્રથમવાર 1995 માં નાંદોદ વિધાનસભા પરથી મનસુખ વસાવા ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને મંત્રી પણ બન્યા હતા. જોકે તે સમયે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર હતી. જોકે ત્યારના હજુરીયા ખજૂરીયા સમયે મનસુખ વસાવા નરેન્દ્ર મોદી સાથે રહ્યા હતા. જેથી હાલમાં તેમને ઇનામ મળ્યું હોઈ તેમ લાગી રહ્યું છે.

7 વાર મનસુખ વસાવાએ ભરૂચમાં કમળ ખીલવ્યું
ભાજપ 7મી ટર્મ ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવી રહ્યા છે. 1998 માં સ્વ.ચંદુભાઈ દેશમુખનું મૃત્યુ થયા બાદ મનસુખ વસાવાને ટિકિટ આપી હતી. એ પેટાચૂંટણીમાં મનસુખ વસાવાનો ભરૂચ લોકસભા બેઠક પર સાંસદ તરીકે પ્રથમવાર વિજય થયો હતો. ત્યારબાદ 1999, 2004, 2009, 2014 અને 2019 સુધી મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પરથી કમળ ખીલવ્યું છે. જો મનસુખ વસાવા 7મી ટર્મમાં એટલે કે 2024 માં લોકસભાની ચૂંટણીમાં વિજેતા થાય છે તો એક રોકર્ડ બનાવી દેશે. મનસુખ વસાવા સામે કપરા ચઢાણો તો છે, પણ ઝઘડિયાના બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની અટકળોથી ભાજપને ફાયદો તો થવાનો છે. પણ ભાજપની સામે ચૈતર વસાવા યુવા નેતા છે. તેમને કેવી રીતે મનસુખ વસાવા હરાવશે તે તો લોકસભા ચૂંટણીનું પરિણામ જ બતાવશે. જોકે મનસુખ વસાવાનો દાવો છે કે તેઓ 5 લાખ કરતા વધુ મતોથી વિજેતા બનશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news