કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને AAP ની ઓફર, કહ્યું-અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ 

AAP offer Hardik Patel : આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે, અમે લોકો માટે લડીએ અને આવાજ ઉઠાવીએ છીએ. હાર્દિક પણ લોકો માટે અવાજ ઉઠાવે છે, હાર્દિક જેવા લડવૈયાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવવું જોઈએ

કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને AAP ની ઓફર, કહ્યું-અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ 

અતુલ તિવારી/અમદાવાદ :હાર્દિક પટેલે પોતાના જ પક્ષ સામે બાંયો ચઢાવી છે. જેને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અને હાર્દિક પટેલ સામસામે આવી ગયા છે. હાર્દિક પટેલની ફરિયાદને ગંભીરતાથી ન લેતા તે પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા છે. સાથેસાથે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે. આ ચર્ચા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલનું સ્વાગત કરવા આમ આદમી પાર્ટી તૈયાર છે. 

આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે, અમે લોકો માટે લડીએ અને આવાજ ઉઠાવીએ છીએ. હાર્દિક પણ લોકો માટે અવાજ ઉઠાવે છે, હાર્દિક જેવા લડવૈયાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવવું જોઈએ. હાર્દિક સાથે સામાજિક રીતે જોડાયેલા છીએ, હાર્દિક મારો મિત્ર છે એટલે સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક પ્રકારની વાતચીત મારી અને હાર્દિક વચ્ચે થતી રહેતી હોય છે. 

તો નરેશ પટેલ અંગે જવાબ આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતની જનતા માટે જે પણ લડવા માગે છે એમનું સ્વાગત કરીએ છીએ. ભાજપના અહંકારને ઉતારવા માટે સૌ કોઈ આમ આદમી પાર્ટી સાથે જોડાય. તો ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા AIMIM ના અધ્યક્ષ પણ અમદાવાદ આવ્યા એ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ વખતે લડાઈ માત્ર બે પક્ષ વચ્ચે છે. ભાજપનો અહંકાર અને ગુજરાતની જનતા વચ્ચે ચૂંટણીમાં લડાઈ થશે, ગુજરાતની જનતા જીતશે. અમને હાર્દિક પટેલ સહિત સૌ કોઈ માટે લાગણી છે અને સૌ અમારી સાથે જોડાય એવી અપીલ છે. રાજ્યમાં બે પક્ષની મોનોપોલી ચાલી રહી છે, ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટતાની મોનોપોલી તોડવાની છે. આ ભ્રષ્ટાચારની મોનોપોલી તૂટશે તો જનતાને લાભ મળશે.

હાર્દિક પક્ષપલટો કરે તો સમર્થકો કે મતદારોનો વિશ્વાસ તૂટે, ભૂતકાળમાં જે કોંગ્રેસથી ભાજપમાં જોડાયા એમની પર ખુદ હાર્દિક અલગ અલગ આક્ષેપો કરતા રહ્યા છે તો શું હવે એવા આક્ષેપો હાર્દિક ઉપર પણ લાગશે જો આપમાં જોડાય છે તો તેના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે અત્યારે હાર્દિકે પાર્ટીના સંગઠનમાં છે, જનતાએ એમને ચૂંટ્યા નથી, આ બે વાતમાં ફરક છે. હાર્દિક જનતાના મતથી ધારાસભ્ય કે સંસદ નથી બન્યા. હાર્દિક પક્ષના પદ પર છે એટલે એ અમારી સાથે જોડાય તો દ્રોહ ના કહી શકાય. એ જનતાના મતથી જીત્યો હોય અને પક્ષ બદલે તો અલગ વાત હોય શકે. 

શું હાર્દિક પટેલ કોંગ્રેસ છોડશે
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ટ્વિટર પર કોંગ્રેસ હાઈકમાન્ડ સામે બળવો કર્યો છે. ટ્વીટ કરીને હાર્દિક પટેલે કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યો છે. હાર્દિકે કહ્યું, હું પદનો મોહતાજ નથી, કામનો ભૂખ્યો છું. સાથે જ હાર્દિક પટેલે મોટી વાત કરી કે, મને એટલો હેરાન કરવામાં આવે છે કે મને તેના વિશે ખરાબ લાગે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. મને વધુ દુઃખ થયું છે કારણ કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ જણાવી છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આમ, નરેશ પટેલના મુદ્દે નિવેદન આપવુ હાર્દિક પટેલને ભારે પડ્યુ છે, તેણે પાર્ટી હાઈકમાન્ડ સામે નારાજગી વહોરી લીધી છે. હાર્દિક પટેલ પાર્ટીથી નારાજ હોવાનો અને રાહુલ ગાંધી સુધી પોતાની ફરિયાદ કર્યાનું જણાવ્યું છે. જોકે તેની ફરિયાદને ગંભીરતાથી ન લેતા પાર્ટી છોડે તેવા સંકેત આપ્યા છે. સાથેસાથે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ ચર્ચાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news