ઘેરૈયા નૃત્ય હજી પણ વિસરાયું નથી, આદિવાસી યુવકોએ અર્ધનારેશ્વર બનીને નૃત્ય કર્યું

Aadivasi Dance : વિસરાતા જતા અર્ધનારેશ્વર રૂપ ધારણ કરી રમાતા ઘેરૈયા નૃત્યને જીવંત રાખવા યોજાઈ 27 મી ઘેરૈયા નૃત્ય સ્પર્ધા 

ઘેરૈયા નૃત્ય હજી પણ વિસરાયું નથી, આદિવાસી યુવકોએ અર્ધનારેશ્વર બનીને નૃત્ય કર્યું

નવસારી :આદિવાસી સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજન તેમજ ગીત, સંગીત સાથે વિવિધ નૃત્યોનું મહત્વ છે. આદિવાસીઓ જન્મથી લઈ મૃત્યુ સુધી પારંપરિક વાદ્યોના તાલે ગીત ગાતા ગાતા નૃત્ય કરે છે અને દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા આરાધના કરતા હોય છે. ત્યારે આધુનિકતાની દોડમાં આદિવાસીઓનું ઘેરૈયા નૃત્ય વિસરાતું જતું હોવાથી બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા ઘેરૈયા નૃત્યને જીવિત રાખવા છેલ્લા 29 વર્ષોથી લાભ પાંચમના પર્વ પર ઘેરૈયા નૃત્ય આયોજિત કરાયુ હતું. વિસરાતા જતા ઘેરૈયા નૃત્યને નવજીવન બક્ષવાનું કામ કરી રહ્યા છે. 

આદિવાસી સંસ્કૃતિમાં નૃત્ય જીવનના દરેક સ્તરે વણાયેલુ છે. જન્મથી લઈ મૃત્યુ સુધી આદિવાસીઓ વિવિધ ગીતો સાથે નૃત્ય કરતા કરતા જીવનને માણે છે. જેમાનું એક ઘેરૈયા નૃત્ય સેંકડો વર્ષોથી દેવ-દેવીની એક સાથે થતી આરાધનાનું પ્રતિક છે. ઘેરૈયા પ્રથમ નોરતે પોતાના આરાધ્ય દેવી અને દેવતાની પૂજા કરી, ઘેર રમવાનું આરંભે છે. જેમાં યુવાનો પરંપરા અનુસાર બ્લાઉઝ સાથે રંગબેરંગી સાડીને કાછડા સ્ટાઇલમાં પહેરે છે. માથે આદિવાસી મોભેદાર પાઘડી પહેરે છે. કોઈ સ્ત્રી જે રીતે શૃંગારીત થાય એ રીતે ચહેરા પર મેકઅપ તેમજ ઘરેણાં, સૌભાગ્યનું પ્રતીક ચુંદડી, માતાજીને પ્રિય ગલગોટાના પુષ્પોની માળાઓ, પગમાં ઘૂંઘરૂં પહેરી તૈયાર થાય છે. જ્યારે એક હાથમાં મોરપીંછ અને બીજા હાથમાં દાંડીયો ધારણ કરી, શિવ-શક્તિના અર્ધનારેશ્વર રૂપ સમા રૂમઝૂમ કરતા નિકળી પડે છે. ઘેરૈયા ટોળકીનો નાયક ‘કવિયો’ કહેવાય છે. જે વિવિધ ભાતીગળ ગીતો ગાય છે અને બાકીના સભ્યો ગીતને ઝીલીને ગરબે ઘૂમે છે. સાથે લોકોના મનોરંજન માટે જોકર પણ હોય છે. જેઓ પ્રથમ ગામના આરાધ્ય દેવના મંદિરે અને ત્યારબાદ ગામડાઓ અને શહેરોના શેરી-મોહલ્લાઓમાં જઈને ઘેર રમે છે. આદિવાસીઓ ઘેરૈયાને સાક્ષાત દેવ-દેવીના અવતાર સમાન પવિત્ર માને છે. જેથી જન્મથી લઈ મરણ સુધીના દરેક પ્રસંગમાં ઘેરૈયા રમાય છે અને એના ગીતો પણ છે. 

નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં આદિવસીઓની હળપતિ અને ધોડિયા જાતિમાં દેવ અને દેવી બંનેની આરાધનાનું પ્રતિક ઘેરૈયા નૃત્ય આધુનિકતાની દોડમાં વિસરાવા માંડ્યુ હતું. કારણ શિક્ષણ મેળવતા આદિવાસી યુવાનો પરંપરાગત સ્ત્રી વેષ ધારણ કરી નૃત્ય રમવાથી દૂર ભાગવા માંડ્યા હતા. જેથી પાવાગઢના મહાકાળી માતાના અવતરણ સમય સાથે જોડાયેલા સેંકડો વર્ષોના આ પરંપરાગત નૃત્યને જાળવવા અને એને પ્રોત્સાહન આપવાનો સૂર ઉઠતા, નવસારીના પ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષો અગાઉ આદિવાસી બોલીમાં ગવાતા ગીતો સાથેના ઘેરૈયા નૃત્યને નવજીવન આપવા લાભ પાંચમના દિવસે ઘેરૈયા સ્પર્ધાનું આયોજન આરંભાયું હતુ. આજે 29 વર્ષો વીત્યા છે, જેમાં ગત બે વર્ષો કોરોનાને કારણે સ્પર્ધાનું આયોજન થઈ શક્યું ન હતું. પરંતુ આ વર્ષે ટ્રસ્ટ દ્વારા 27 મી ઘેરૈયા સ્પર્ધા આયોજિત કરી, જેમાં 9 ઘેરૈયા ટુકડીએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. 

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો પ્રયાસ આજે રંગ લાવ્યો છે અને નાના બાળકો, તરૂણો અને યુવાનો ઉત્સાહ અને ઉમંગ સાથે ઘેરૈયા બને છે, સાથે જ પોતાના ભાતીગળ ગીતો ઉપર માતાની આરાધના પણ કરે છે. દક્ષિણ ગુજરાતમાં ઘેરૈયાની 20 ટુકડીઓ તૈયાર થઈ છે, જે ગામડાઓ અને શહેરોમાં તેમજ વિવિધ કાર્યક્રમોમાં પણ ઘેરૈયા નૃત્ય કરી સંસ્કૃતિનું જતન કરી આવનારી પેઢીને પ્રેરણા આપી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news