બોરસદના અલારસા ગામે પાટીદાર યુવકની કરપીણ હત્યા, અનૈતિક-સજાતીય સંબંધ કારણભૂત

બોરસદ તાલુકાના અલારસા ગામે રહેતા 32 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ અલારસા નીસરાયા માર્ગ ઉપર ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.

 બોરસદના અલારસા ગામે પાટીદાર યુવકની કરપીણ હત્યા, અનૈતિક-સજાતીય સંબંધ કારણભૂત

બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં બોરસદનાં અલારસા ગામની સીમમાં યુવક પર તીક્ષ્ણ હથીયારથી ધા ઝીંકી કરવામાં આવેલી હત્યાનો ભેદ બોરસદ ટાઉન પોલીસે ગણતરીનાં કલાકોમાં ઉકેલી નાખી હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરી હતી. પત્ની સાથેનાં અનૈતિક સંબધ અને પૈસાનાં મામલે યુવકની હત્યા થઈ હોવાનો ભેદ ખુલ્યો છે. પોલીસે બન્ને આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અલારસા ગામની ટાવરવાળી ખડકીમાં રહેતા 32 વર્ષીય સંદીપભાઈ ઉર્ફે સ્વામી ગત 31મી જુલાઈના રોજ પોતાનાં ધરે ગામમાં જઈને આવું છું તેમ કહીને નીકળ્યા બાદ સવાર સુધી ધરે પરત નહી આવતા સંદીપનાં મોટાભાઈ અંકિત એ સવારે ગામમાં તપાસ કરતા અલારસા બોરસદ માર્ગ ઉપર આવેલ એક ખેતરમાં લાશ પડી હોવાનું જાણીને અંકિતભાઈએ ધટના સ્થળે દોડી જઈ લાશ જોતા તે પોતાનાં ભાઈ સંદીપની હોવાનું જણાઈ આવ્યું હતું.

જેથી આ બાબતે બોરસદ ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને તપાસ કરતા સંદીપને માથાના ભાગે ફટકા મારી તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડા પ્રવીણકુમાર મીણા,પેટલાદ ડીવાયએસપી પી.કે.દિયોરા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો જ્યાં એલસીબી,એસઓજી સહિતની પાંચ ટીમો બનાવીને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. 

પોલીસે તપાસ કરતા ઘટના સ્થળ પરથી મરણ જનાર સંદીપ પટેલનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો તેમજ થોડે દૂર એક બિનવારસી મોટરસાયકલ મળી આવી હતી પોલીસે આ બન્ને દિશામાં તપાસ કરતા સંદીપના મોબાઇલમાં છેલ્લા કોલ અને મેસેજ અને મળી આવેલ મોટરસાયકલના તાર પેટલાદ તાલુકાના આસી ગામે રહેતા નવીનભાઈ ઉર્ફે ટીપું ઉર્ફે પિન્ટુ રમણભાઈ પરમાર સાથે જોડાયા હતા. જેને લઈ પોલીસે નવીનને રાઉન્ડ અપ કર્યો હતો અને તેની આગવી ઢબે પુછપરછ કરતા નવીને સંદીપની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આ દરમિયાન તેની સાથે આશી ગામનો કૌશિકભાઈ કનુભાઈ ડાભી પણ હાજર હતો તેવી કબુલાતના આધારે બન્ને આરોપીઓની પોલીસે અટકાયત કરી પુછપરછ કરતા સમગ્ર હત્યાનાં બનાવનો ભેદ ઉકેલાઈ ગયો હતો. 

મૃતક સંદીપ પટેલે વિદેશ જવા માટે એક એજન્ટને સાત લાખ રૂપિયા આપ્યા હતા જે પૈસા એજન્ટ પરત આપતો ન હોઈ સંદીપે પૈસા કઢાવવા માટે નવીનનો સંપર્ક કર્યો હતો અને બન્ને વચ્ચે આ બાબતે ટેલિફોનિક અને રૂબરૂ મુલાકાત દરમિયાન વાત થઈ હતી. ત્યારે ઘટનાની રાત્રે નવીને સંદીપને ફોન કરી બોરસદ માર્ગ ઉપર આવેલ ખેતરમાં મળવા માટે બોલાવ્યો હતો જ્યાં બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી એ દરમિયાન નવીને ઉશ્કેરાઈ જઈ સંદીપનાં માથામાં લોખંડની એંગલના ઉપરા છાપરી ત્રણ ફટકા મારી દેતા સંદીપને માથામાં ગંભીર ઈજાઓ થતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.

સંદીપ પટેલે ત્રણેક વર્ષ અગાઉ બોરીયા ગામની રાધિકા સાથે પરિવારની મરજી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા હતા.જયારે મુખ્ય આરોપી નવીન વર્ષો અગાઉ રાધિકાના બોરીયા ખાતેના ઘરે ડ્રાઇવિંગ કરતો હતો તે સમયથી બન્નેની આંખો મળી હતી અને રાધિકાના લગ્ન બાદ તે અલારસા ગામે પણ આવતો હતો.નવીને પરિવાર સાથે ઘરોબો બનાવી લીધો હતો. સંદીપની વિદેશમાં રહેતી બહેનો જ્યારે ભારત આવતી ત્યારે તેઓની ગાડી નવીન જ ચલાવતો હતો અને અલારસા ગામમાં સંદીપના ઘરે અવરજવર પણ કરતો હતો રાધિકાને પામવા માટે નવીને નડતરરૂપ સંદીપને હટાવવા આ હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાની પણ શક્યતા છે જેને લઈ પોલીસ હાલ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. 

મહત્વની વાત તો એ છે કે 1મી જુલાઈની રાત્રે 10:30 કલાકે ઘરેથી નીકળેલ સંદીપ બીજા દિવસે સવાર સુધી ઘરે પરત ફર્યો ન હતો જેને લઈ રાધિકાએ સંદીપના મોબાઇલ પર કોલ કર્યા હતા પરંતુ સંદિપે રિસીવ કર્યા ન હતા આ બાબતે રાધિકાએ સંદીપના કોઈ મિત્ર કે સંદીપના મોટા ભાઈને વાત કરી ન અને સવારે 7:30 કલાકે રાધિકાએ સંદીપ ઘરે આવ્યા નથી તેમ સંદીપના મોટા ભાઈ અંકિતને કહ્યું હતું ત્યારે આખી રાત બહાર રહેવા છતાં અને મોબાઇલ રિસીવ ન કરતા હોવા છતાં આ બાબતે રાધિકાએ કોઈને કેમ જાણ ન કરી તેવા સવાલો ઉઠી રહ્યા છે.

મુખ્ય આરોપી નવીન પરમાર અને મદદગારી કરનાર કૌશિક ડાભી સંદીપની હત્યા કર્યા બાદ ઘરે જતા રહ્યા હતા અને સવારે નવીન નાહી ધોઈને ઘટનાસ્થળે આવી ગયો હતો અને પોલીસની સાથે ને સાથે જ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કર્યું હતું જેની અંદર જિલ્લા પોલીસ વડા પ્રવીણકુમાર મીણા,ડીવાયએસપી પી.કે.દિયોરા,એલસીબી અને એસઓજીના અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા હતા અને પંચક્યાસ કરી રહ્યા હતા ત્યારે આરોપી નવીન કોર્ડન કરેલ જગ્યામાં પોલીસ અધિકારીઓની પાસે જ હાજર હતો અને પોલીસ કઈ દિશામાં તપાસ ચલાવી રહી છે તેની માહિતી મેળવી રહ્યો હતો.

પોલીસે જરૂરી કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે રવાના કરવાની કાર્યવાહી કરતા નવીને લાશને ઊંચકવામાં મદદ કરી હતી અને એમ્બ્યુલન્સમાં બેસીને સરકારી દવાખાને પણ ગયો હતો,પરંતું સંદિપનાં મોબાઈલફોનની કોલ ડીટેઈલ્સએ હત્યાનો પર્દાફાસ કરતા પોલીસે હત્યાનાં આરોપી નવીન પરમાર અને કૌસિક ડાભીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news