જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટ

ક્ષત્રિય સમાજની મહિલાઓ સંકલન સમિતિ પર આક્ષેપો લગાવી રહી છે. હવે પારણા કર્યા બાદ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબાનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે. પદ્મિનીબાએ સંકલન સમિતિ પર સાઈડલાઈન કરવાના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.  

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટ

Loksabha Election 2024: રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણીને પગલે હાલ રાજ્યભરમાં માહોલ ડહોળાયો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે મેદાન-એ-જંગમાં ઉતરી ગયો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ સંકલન સમિતિ પર આક્ષેપો લગાવી રહી છે. હવે પારણા કર્યા બાદ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબાનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે. પદ્મિનીબાએ સંકલન સમિતિ પર સાઈડલાઈન કરવાના આક્ષેપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.  

હાલ ક્ષત્રિય સંકલન સમિતિ સાથે છું: પદ્મિનીબા
ગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મીટીંગ યોજવાથી ક્ષત્રિયોને તેમની માંગ સ્વીકારવવામાં તો સફળતા ન મળી પરંતુ, આંદોલનાત્મક કાર્યક્રમોને બ્રેક લાગી જતા રાજકોટમાં રૂપાલા નિર્વિઘ્ને ઉમેદવારી નોંધાવી શક્યા. જેના કારણે હવે ક્ષત્રિય સંકલન સમિતિ સામે સવાલો ઉઠ્યા છે. પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે સવાલ ઉઠાવ્યા છે.

પારણા કર્યા બાદ પદ્મિનીબા વાળાનું નિવેદન
પારણા કર્યા બાદ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે મારી નસો સુકાવા માંડી હતી એટલે પારણા કર્યા. હું સમાજની સાથે છું અને રહીશ. પદ્મિનીબાએ આંદોલનને રાજકીય ન બનાવવા અપીલ કરી છે સાથે આક્ષેપ લગાવતા કહ્યું કે સંકલન સમિતિએ મને સાઈડ લાઈન કરી દીધી છે. આંદોલન પાર્ટ-2માં હું સંકલન સમિતિનો સાથ આપીશ. 
 
300 ફોર્મ ભરાવવાની વાત હતી ફક્ત 70 ભરાયા
ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે પાર્ટ-1માં સંકલન સમિતિએ ફક્ત સ્ટેજ શૉ કર્યા હતા. રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ 300 ફોર્મ ભરાવવાની વાત હતી, પરંતુ ફક્ત 70 ભરાયા છે. સંકલન સમિતિએ ફક્ત ગુમરાહ કર્યા છે. સંકલન સમિતિ આંદોલનને રાજકીય રંગ આપી રહ્યું છે. હવે આંદોલન સામાજિક નહીં રાજકીય થઈ ગયું છે. પદ્મિનીબા વાળાએ કહ્યું કે પરેશ ધાનાણી તેમની રીતે સાચા છે, પણ આ સામાજિક મુદ્દો છે તેને રાજકીય ના બનાવવું જોઈએ. અમને જે કરવું હતું તે કરવા જ દીધું. સંકલન સમિતી અમારા પર દબાણ કરતા હતા. અમારી ચાલવા દીધી હોત તો પરિણામ આજે મળી ગયું હોત. મહાસંમેલનમાં મને સ્ટેજ પર બેસવાની જગ્યા પણ આપી નહોતી. મને સંબોધન કરવાની પણ ના પાડી દીધી હતી. અમારી રણનીતિ પુરી થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં સમાજ માટે સંકલન સમિતિ સાથે છું. 

સંકલન સમિતિએ અમને સાઈડ લાઈન કરી દીધા: પદ્મિનીબા
પદ્મિનીબાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજમાં બે ફાંટા ના પડે તે માટે હાલ હું ક્ષત્રિય સંકલન સમિતિ સાથે છું. ભવિષ્યમાં ક્ષત્રિય સંકલન સમિતિ સાથે નહીં રહું. સંકલન સમિતિએ અમારી ચાલવા ના દીધી. સંકલન સમિતિ અમારી સતત અવગણના કરે છે, અમને સાઈડ લાઈન પણ કરી દીધા છે. આંદોલનની શરૂઆત અમે 10 ક્ષત્રિયાણીઓએ કરી હતી. પરંતુ આજે સંકલન સમિતિ જે બેઠક કરે છે ત્યારે અમને બોલાવતા પણ નથી. પરંતુ તેમ છતાં સમાજમાં બે ફાંટા ના પડે તે માટે હાલ સંકલન સમિતિ સાથે રહીશ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news