ભ્રષ્ટાચાર ડામવા ACBના સફળ પ્રયત્નો, જાણો છેલ્લા 5 વર્ષનો સમગ્ર અહેવાલ
સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતતા આવી છે. જો કે, એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા પણ વિવિધ પ્રયત્નો કરી કેસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે એસીબી આ પ્રયત્નોમાં 50 ટકા સફળતા મેળવી શક્યું છે
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતતા આવી છે. જો કે, એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા પણ વિવિધ પ્રયત્નો કરી કેસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે એસીબી આ પ્રયત્નોમાં 50 ટકા સફળતા મેળવી શક્યું છે અને અડધો અડધ આરોપીઓને સજા અપાવી શક્યું છે.
લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરતી એન્ટી કરપ્શન બ્યૂરોની રાજ્ય વ્યાપી ટીમો અનેક લાંચ લેવાના કેસ કરે છે. એસીબી દ્વારા સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને લઇને લોકોમાં અવેરનેશ આવે તે માટે જાહેરાતોથી લઇને લાંચ નહીં આપવા સુધીના અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યાં છે. જો કે, એસીબીના આ પ્રયત્નો હવે ક્યાંકને ક્યાંક સફળતા પામી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.
હાલમાં એસીબી દ્વારા કરવામાં આવતા કેસોમાં તો વધારો થઇ રહ્યાં છે. આ સાથે જ કેસમાં સંડોવાયેલા આરોપીઓને મહત્તમ સજા થયાનાં કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો થતો જવા મળી રહ્યો છે. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો એસીબીએ સંખ્યાબંધ કેસો કર્યા છે. જેનો અહેવાલ આ મુજબ છે.
વર્ષ | આવેલ ફોન | ટ્રેપ |
2014 | 699 | 59 |
2015 | 533 | 88 |
2016 | 519 | 80 |
2017 | 301 | 48 |
2018 | 173 | 24 (24/05/18 સુધીના) |
ચાલુ વર્ષે એસીબીને 50 ટકા કેસમાં આરોપીઓને સજા અપાવવામાં સફળતા મળી છે. તાજેતરની વાત કરીએ તો એક જ દિવસમાં એસીબીના 6 કેસમાં કોર્ટે આરોપીઓને સજા સંભળાવી છે. જેમાં મહત્વના કેસની વાત કરવામાં આવે તો દાહોદ એસીબી પો.સ્ટેમાં દાખલ થયેલા કેસમાં ઇન્કમટેક્ષ ઓફિસર દિનેશ મીણાને 4 વર્ષની સજા અને રૂપિયા 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી લાંચની રકમ 8 લાખ લઇને ફરાર થઇ ગયા હતા. જે રીકવર કરવામાં પણ એસીબીને સફળતા મળી નથી.
ટ્રેપ દરમિયાન પોલીસ અધિકારીએ કઇ કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ તે માટે એસીબી દ્વારા તાલીમ પણ આવામાં આવે છે. ઉપરાંત ટ્રેપ દરમિયાન મહત્તમ સાયનટીફિક અને ડીજીટલ પુરાવા એકત્ર કરવાની સુચનાઓ આપવામાં આવી છે. એસીબીના કેસમાં એફએસએલની કામગીરી પણ સૌથી મહત્વની સાબિત થાય છે. અમદાવાદની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સૌથી વધુ કેસોમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. જેનો અહેવાલ આ મુજબ છે.
વર્ષ | સાબિત કેસો | નહી સાબિત થયેલા કેસો |
સજા થયેલ કેસોની ટકાવારી |
2015 | 24 | 98 | 20 % |
2016 | 33 | 108 | 23 % |
2017 | 38 | 92 | 29 % |
2018 | 46 | 91 | 34 % |
2019 | 22 | 22 | 50 % (30 એપ્રિલ સુધી) |
એસીબીનાં અધિકારીઓનું માનવું છે કે, વર્ષ 2015ની સરખામણીમાં ચાલુ વર્ષમાં કેસોની સંખ્યામાં આરોપીને વધુ સજા થવાના પ્રમાણમાં બમણો વધારો જોવા મળ્યો છે. જો કે, હાલમાં એસીબી દ્વારા જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે. તે જોતા એમ લાગી રહ્યું છે કે, ટકાવારીનો આ આંકડો હજી પણ વધે તો નવાઇ નથી. ત્યારે આ આંકડાઓ પરથી લાંચિયા બાબુઓમાં પણ એક ફફડાટ ચોક્કસ વ્યાપ્યો હોવાનું દેખાઇ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે