ગજબ હો ભઈ! 10 વર્ષનો રિયાન કરે છે 40 જાતના યોગાસનો, 3 મિનિટમાં 400 દોરડા કૂદવાની સિદ્ધિ

આધુનિક મોબાઈલ યુગમાં મોબાઈલ લઈને રમવાના બદલે તેના દાદા પાસે યોગાસન શીખી રહ્યો છે. હાલ તેણે 40 જાતના યોગના આસનો પર મહારત હાંસલ કરી છે. મુસ્લિમ પરિવાર સાથે શાળા પરિવારને પણ બાળક પર ગર્વ છે. 

ગજબ હો ભઈ! 10 વર્ષનો રિયાન કરે છે 40 જાતના યોગાસનો, 3 મિનિટમાં 400 દોરડા કૂદવાની સિદ્ધિ

નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના સિહોરમાં વસવાટ કરતા મુસ્લિમ પરિવારના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકે યોગાસનમાં પારંગતતા મેળવી છે. આધુનિક મોબાઈલ યુગમાં મોબાઈલ લઈને રમવાના બદલે તેના દાદા પાસે યોગાસન શીખી રહ્યો છે. હાલ તેણે 40 જાતના યોગના આસનો પર મહારત હાંસલ કરી છે. મુસ્લિમ પરિવાર સાથે શાળા પરિવારને પણ બાળક પર ગર્વ છે. 

સામાન્ય રીતે યોગને હિન્દુ ધર્મના એક ભાગ તરીકે જોવામાં આવે છે. જેને મુસ્લિમ ધર્મથી વિરૂદ્ધ માની ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ દ્વારા તેને ઇસ્લામિક માન્યતા અને વિચારધારાથી વિપરીત માની મુસ્લિમોને યોગ નહિ કરવા જાહેરાત કરી હતી. જોકે, આજે માનવી યોગની તાકાત ને સમજતો થયો છે. અને જેના પરિણામે દરવર્ષે લાખો લોકો યોગ સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના મુસ્લિમ પરિવારે પણ યોગના ફાયદાઓ જોઈ યોગને પ્રાધાન્ય આપ્યું છે. 

સિહોરમાં બરફવાલા પરિવાર તરીકે ઓળખાતા પરિવારના આરિફભાઈ બરફવાલા પોતે તો યોગ શીખ્યા જ છે. સાથે યોગથી થતાં ફાયદાઓ જોઈ તેમણે તેમના પૌત્ર રિયાન ને પણ યોગ કરતા શીખવ્યું છે. 10 વર્ષના રિયાને 40 જાતના યોગાસનો પર મહારત હાંસલ કરી છે. એટલું જ નહિ પણ માત્ર 3 મિનિટમાં 400 દોરડા કૂદવાની સિદ્ધિ પણ રિયાને હાંસલ કરી છે. જેના કારણે તેના પરિવાર અને શાળાને તેના પર ગર્વ છે. 

માત્ર 10 વર્ષની ઉમરનો રિયાન ફેઝલભાઈ ગનિયાણી સિહોરની ગોપીનાથજી વિદ્યાલયમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના દાદા આરીફ મુસાભાઈ ગનીયાણી પાસેથી તેણે યોગાસન અને પ્રાણાયામ શીખ્યા છે. આરીફભાઈ પહેલા બોડીબિલ્ડર હતા, પરંતુ પ્રેક્ટિસ બંધ કરી દેતા તેમને શરીરની નસોમાં દુખાવો થવા લાગ્યો હતો, જેના કારણે તેમણે યોગ કરવાનું ચાલુ કર્યું હતું, યોગ કરવાનું શરૂ કરતા તેમને ઘણો ફાયદો જોવા મળ્યો છે. જેના પરિણામે યોગાસન તેઓનો નિત્યક્રમ બની ગયો છે. આજના બાળકો મોબાઈલ તરફ વળી રહ્યા છે. 

જે વાત આરિફભાઇ ને ધ્યાને આવતા તેમણે તેના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા પૌત્ર રિયાન ને પણ યોગ કરતા શીખવવાનું ચાલુ કર્યું હતું, રિયાન 7 વર્ષનો હતો ત્યારથી યોગ કરે છે. તેણે યોગાસન અને પ્રાણાયામ ના 40 જેટલા આસનો પર મહારત હાંસલ કરી છે. મોબાઈલમાં ગેમ કે વિડિયો જોવાના બદલે રિયાન યોગ કરવાનું વધુ પસંદ કરે છે. રિયાને જિલ્લા લેવલની યોગ સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું છે. 

21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે આ વર્ષે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને સૌ પ્રથમ ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા (UNGA)માં તેમના પ્રવચન દરમ્યાન પ્રસ્તાવિત કર્યો હતો. જેને સંયુક્ત રાષ્ટ્રોએ 11 ડિસેમ્બર 2014ના રોજ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. જેના કારણે આજે વિશ્વભરના લાખો લોકો યોગના અભ્યાસથી લાભ મેળવી રહ્યા છે. 

યોગ વ્યક્તિના શરીર, મન, ભાવના અને ઊર્જાના સ્તર પર કામ કરે છે. તેના કારણે યોગનું ચાર ભાગમાં વ્યાપક વર્ગીકરણ કરવામાં આવેલું છે. (૧) કર્મ યોગ-જેમાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ. (૨) ભક્તિ યોગ-જેમાં આપણે ભાવનાનો ઉપયોગ કરીએ છીએ. (૩)જ્ઞાન યોગ-જ્યાં આપણે મન અને બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. અને અંતિમ (૪)ક્રિયા યોગ-જેમાં આપણે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત અધ્યયનનો વિષય છે. જે મન મસ્તિષ્ક ને કાયમી શાંતિની સ્થિતિ મેળવવામાં મદદ કરે છે. જેના કારણે આજે યોગનો અભ્યાસ દિનપ્રતિદિન ખૂબ જ વિકસી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news