પહેલા ભાગીદારીમાં ધંધો, ભાગીદારી છૂટી થતા મનદુઃખ...અને પછી બેવડી હત્યાને અપાયો અંજામ!
એક પછી એક અકસ્માતમાં પરિવારના થઇ રહેલા મોતે પરિવારને વિચારતો કરી દીધો અને પોલીસ સામે આ અકસ્માત નહીં પણ બીજું જ કંઈક હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી. અને આખરે થયો મોટો ખુલાસો.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: કડીમાં ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી એક ઘટના સામે આવી છે. ત્રણ વર્ષ પૂર્વે પિતાનું અકસ્માતમાં મોત અને ત્રણ વર્ષ બાદ પુત્રનું અકસ્માતમાં મોત.. એક પછી એક અકસ્માતમાં પરિવારના થઇ રહેલા મોતે પરિવારને વિચારતો કરી દીધો અને પોલીસ સામે આ અકસ્માત નહીં પણ બીજું જ કંઈક હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી. અને આખરે થયો મોટો ખુલાસો. પિતા અને પુત્રનું મોત અકસ્માત નહિ પણ પ્રિ પ્લાન સાથે કરવામાં આવેલી હત્યાં હોવાનો ખુલાસો થયો.
મહેસાણા પોલીસ ગિરફતમાં રહેલા શખ્સનું નામ યોગેશ પટેલ છે. યોગેશ પટેલે એક સમયે જેમની સાથે ધંધો કરતો હતો એજ પરિવાર ના બે વ્યક્તિ ની હત્યા કરી નાંખી છે અને એ પણ પ્રિ પ્લાનિંગ સાથે...હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરનાર યોગેશે અઢી વર્ષ પહેલાં કડીના રહેવાસી અને પોતાના ભાગીદાર જાદવજીભાઈની હત્યા કરી નાખી હતી. કડી નર્મદા કેનાલ ઉપર અજાણ્યા વાહનની ટકકરે જાદવજી પટેલનું મોત થયું હતું અને પરિવાર પણ અઢી વર્ષ સુધી એમ જ સમજતો રહ્યો કે તેમના પરિવાર ના મોભી જાદવજીનું અકસ્માતમાં મોત થયું છે.
આ ઘટનાના અઢી વર્ષ બાદ યોગેશ પટેલે અઢી વર્ષ પહેલાં આચરેલા કૃત્યને ફરી વખત દોહરવાનો પ્લાન બનાવ્યો અને ગત તારીખ 24 ના રોજ રાત્રે 8.30 કલાકે બુલેટ ઉપર ઘર તરફ જઈ રહેલા વિજય જાદવજી પટેલને બોલેરો જીપથી ટક્કર મારવામાં આવી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વિજય પટેલને સારવાર માટે લઈ જવાયો જ્યાં તેમનું મોત થયું. જો કે અકસ્માતની સ્થિતિ અને અઢી વર્ષ પહેલાં બનેલી ઘટનાનું ફરી પુનરાવર્તન થતા પરિવારજનોએ પોલીસ સામે આ અકસ્માત નહિ પણ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી. અને પોલીસની તપાસમાં પરિવારની આ શંકા સાચી પડી અને આખરે યોગેશ પટેલનો ભાંડો ફૂટી ગયો હતો.
કોઈ ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે તેવી આ ઘટના છે. અઢી વર્ષ પહેલાં જાદવજીને અકસ્માતમાં ગુમાવ્યા અને ત્યારબાદ 32 વર્ષીય વિજય પટેલને પણ અકસ્માતમાં ગુમાવતા પરિવાર હચમચી ઉઠ્યો હતો. પોલીસ સામે વ્યક્ત કરવામાં આવેલી શંકાના આધારે પોલીસે કરેલી તપાસમાં આ સિલસીલાબંધ હકીકત સામે આવી છે. ભૂતકાળમાં બેવડી હત્યાને અંજામ આપનાર યોગેશ પટેલ અને જાદવજી પટેલનો પરિવાર ભાગીદારીમાં ધંધો કરતા હતા. પણ સમય જતાં મનમેળ નહીં રહેવાને કારણે ભાગીદારી છૂટી કરવામાં આવી હતી. જેને લઈને પોતે એકલો પડી ગયો હોવાની લાગણી યોગેશ પટેલ અનુભવતો હતો. આ લાગણી બદલામાં પરિવર્તિત થઈ ગઈ અને તેણે અઢી વર્ષ પહેલાં જાદવજીને ટક્કર મારી મોત નિપજાવી દીધું.
જો કે તે વખતે પોલીસ અને પરિવારે આ ઘટનાને અકસ્માત માની લીધી હતી. એક વખત અકસ્માત સર્જી બચી ગયેલા યોગેશની હિંમત ખુલી ગઈ અને તેણે બીજી વખત આ જ પ્રકારે હત્યાને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો જેમાં તેણે રાજદીપસિંહ અને દેવુભા ઝાલા નામના શખ્સની મદદ લીધી અને વિજયની હત્યા માટે રૂપિયા 5 લાખની સોપારી આપી. ગત તારીખ 24 જાન્યુઆરીના રોજ રાત્રે 8.30 કલાકે વિજય પટેલ બુલેટ ઉપર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીની ટક્કર મારવામાં આવી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને ઝડપી લઈ જેલ હવાલે કરી દીધા છે. તો યોગેશ પટેલની ધરપકડને પગલે અઢી વર્ષ પહેલાં થયેલી જાદવજીની હત્યાનો પણ ભેદ ઉકેલાઈ ગયો છે.
વેર બદલાની ભાવના માણસને કેટલી હદે લઈ જઈ શકે તેની આ ઘટનામાં પ્રતીત થઈ રહી છે. ધંધાની ભાગીદારી છૂટી થવા જેવી સામાન્ય બાબતમાં એક જ પરિવારના બે લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા અને તે પણ પ્રિ પ્લાનિંગ સાથે. જો કે આ વખતે યોગેશને નસીબે સાથ ન આપ્યો અને તેનો ભેદ ઉકેલાઈ ગયો. નહીં તો આ ઘટના પણ અઢી વર્ષ પહેલાંની ઘટનાની જેમ અકસ્માતની જ ઘટના બનીને કાયમ માટે ભુલાઈ ગઈ હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે