રાજ્ય સરકારનો શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય, નવરાત્રિમાં મળશે ૭ દિવસનું વેકેશન
રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને સુચારૂ રૂપે એક સાથે તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મુકવામાં આવ્યું છે.
Trending Photos
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને સુચારૂ રૂપે એક સાથે તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મુકવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સત્રમાં ૯૫ તેમજ દ્વિતીય સત્રમાં ૧૦૨ દિવસ શૈક્ષણિક કાર્ય કરાશે. કોલેજોમાં પ્રથમ વાર ૭ દિવસનું નવરાત્રિ વેકેશન અપાશે તેમજ ૪૯ દિવસનું ઉનાળું વેકેશન રહેશે. આ કોમન એકેડેમિક કેલેન્ડર મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમમાં આગામી શૈક્ષણિક સત્ર-૨૦૧૮ થી અમલમાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
તમામ યુનિવર્સિટીમાં શૈક્ષણિક એકસૂત્રતા જળવાય તે માટે વાઇસ ચાન્સેલરોની એક કમિટિ દ્વારા અભ્યાસ કરીને સુપ્રત કરેલા કોમન એકેડેમિક કેલેન્ડરમાં ધોરણ-૧૨ની પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા પરિણામ જાહેર થયાના ૧૫ દિવસમાં એટલે કે મહત્તમ તા.૧૫ જૂન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રથમ શૈક્ષણિક સત્ર તા. ૧૨ જૂન ૨૦૧૮ થી ૪ નવેમ્બર ૨૦૧૮ એમ પરીક્ષા સમય સિવાય ૯૫ દિવસનું રહેશે જ્યારે કોલેજની આંતરિક મુલ્યાંકન / પરીક્ષાઓ સતત મુલ્યાંકનની જેમ સાપ્તાહિક ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, સમૂહ ચર્ચા વગેરે તા.૧૫ ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
તા. ૧૫ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ સુધી ૭ દિવસનું નવરાત્રિ વેકેશન હશે. ઉપરાંત તા.૨૨ થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન સેમિસ્ટર ૧, ૩ અને ૫ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા તેમજ તા.૨૮ નવેમ્બર ૨૦૧૮ થી ૭ ડિસેમ્બર-૨૦૧૮ સુધી સેમિસ્ટર ૨, ૪ અને ૬ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે.તા. ૫ નવેમ્બર ૨૦૧૮ થી તા. ૧૮ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન ૧૪ દિવસનું દિવાળી વેકેશન રહેશે.
આ ઉપરાંત દ્વિતીય શૈક્ષણિક સત્ર તા.૨૬ નવેમ્બર-૨૦૧૮થી તા.૨૪ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ૧૦૨ દિવસ પરીક્ષા સમય સિવાયનું રહેશે. તા.૫ માર્ચ-૨૦૧૯ થી ૧૪ માર્ચ ૨૦૧૯ દરમિયાન સેમિસ્ટર ૧, ૩ અને ૫ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા તેમજ તા.૧૯ માર્ચ ૨૦૧૯ થી ૨૮ માર્ચ ૨૦૧૯ દરમિયાન સેમિસ્ટર ૨, ૪ અને ૬ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે. તા.૨૪ એપ્રિલ ૨૦૧૯ થી તા.૧૧ જૂન ૨૦૧૯ એમ કુલ ૪૯ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે