ગાંધીનગર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, અવાજ કરતા 33 વાહનો જપ્ત કર્યાં

ગાંધીનગર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, અવાજ કરતા 33 વાહનો જપ્ત કર્યાં
  • મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે
  • ગાંધીનગરમાં મોડીફાઈડ કરેલા 22 બુલેટ અને 11 બાઇકને સહીત 33 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા

હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો ઉપર ટ્રાફિક પોલીસે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. કુલ 33 વાહનો બૂલેટ જપ્ત કરીને ચાલકોને 52,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. મોટા અવાજવાળી બુલેટ લઇને ફરતા લોકો સામે કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુએ થોડા સમય પહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને કાર્યવાહી કરવા કહ્યું હતુ. 

બુલેટને મોડીફાઈડ કરી અને તેનાં સાયલેન્સરને પણ મોડીફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતો અવાજ કરવામાં આવે છે. બુલેટ ચલાવતા વાહન ચાલકો સામે ગાંધીનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇક શરૂ કરી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં અત્યાર સુધીમાં મોડીફાઈડ કરેલા 22 બુલેટ અને 11 બાઇકને સહીત 33 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. શહેરનાં મુખ્ય પ્રવેશદ્વાર સહિતનાં માર્ગો પર સઘન ચેકીંગ હાથધરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટો અવાજ કરતા બુલેટ ફૂલ સ્પીડમાં ચલાવીને ન્યૂસન્સ ઊભું કરવાની કેટલાક યુવાનો દ્વારા થતી પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. જેના પગલે ગાંધીનગરમાં પણ પગલા લેવાયા છે. 

આ પણ વાંચો : ‘તારા માથે પાઘડી શોભતી નથી...’ કહીને ગુજરાતમાં દલિત દીકરીનો વરઘોડો અટકાવ્યો

મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે આવો અવાજ કરતા હોય છે. પરંતુ આ અવાજથી અન્ય વાહનચાલકો હેરાન થાય છે. ડ્રાઇવિંગ ઉપરથી કાબૂ ગુમાવવાના કારણે અકસ્માત પણ થતો હોય છે. આમ આ પ્રકારે નીકળતાં વાહનચાલકો સામે ફોજદારી તેમજ દંડનીય કાર્યવાહી કરવાનું રાજ્યભરમાં શરૂ કરાયું છે.  

આ પણ વાંચો : વરરાજાને લઈને ભાગી ઘોડી, જાનૈયા વચ્ચે થયેલી ફજેતીનો વીડિયો થયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકો બુલેટને સ્પીડમાં ભારે અવાજ સાથે નીકળતા પોતાનો પ્રભાવ પાડવાના મલિન ઇરાદાથી આ કૃત્ય કરતા હોય છે. તેઓ બુલેટથી એટલો મોટો અવાજ કરે છે કે, નાના બાળકોને કાયમી બહેરાશની તકલીફ થઈ શકે છે. તો કોઈ માટે પણ આ અવાજ જોખમી સાબિત થઈ શકે છે. આવામાં કાનના પડદા પર અસર પડી શકે છે. આસપાસ કોઈ દર્દી હોય તો તેને પણ તેની અસર પહોંચી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news