260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્નીનું CID સમક્ષ સરેન્ડર, થઇ શકે છે અનેક ખુલાસા

વિનય શાહની પત્ની ભાર્ગવી સામેથી હાજર થતા CID ક્રાઈમે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીની 2 ફોર વ્હીલર અને 2 ટૂ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્નીનું CID સમક્ષ સરેન્ડર, થઇ શકે છે અનેક ખુલાસા

મૌલીક ધામેચા, અમદાવાદ: વિનય શાહ એન્ડ કંપની દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈના મામલે ભાર્ગવી શાહે CID ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સરેન્ડર કર્યું છે. વિનય શાહની પત્ની ભાર્ગવી સામેથી હાજર થતા CID ક્રાઈમે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીની 2 ફોર વ્હીલર અને 2 ટૂ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે. અન્ય આરોપી દાનસિંહ વાળા અને વિનય શાહના અન્ય સાગરીતોના વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલડી ખાતે આવેલા તેના 4 ફ્લેટને સીઝ કરવાની કાર્યવાહી માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત મોકલવામાં આવી છે.

260 કરોડનાં કૌભાંડ મામલે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યા મુજબ વિનય શાહની કંપનીના જુદી જુદી બેન્કોમાં કુલ 7 ખાતા હતા. જે ખાતામાં 10 લાખ 18 હજાર 5 રૂપિયાનું બેલેન્સ છે. તો વિનય શાહની પત્નીના કુલ 6 ખાતા છે જેમાં 8 લાખ,46 હજાર,392 રૂપિયા બેલેન્સ છે. જ્યારે દાનસિંહ વાળા અને અન્ય આરોપીઓના 11 ખાતામાં 29 લાખ, 70 હજાર,213 રૂપિયા છે. જ્યારે વિનય શાહે તેના પુત્ર મોનિલ શાહના ડીમેટ ખાતાઓમાં 1 કરોડ, 27 લાખ, 56 હજાર 736 રૂપિયાનું બેલેન્સ છે. ભાર્ગવીની ધરપકડ કરીને CID ક્રાઈમે પૂછપરછ શરૂ કરી છે. અત્યાર સુધી 558 લોકોનાં નિવેદન લેવાયાં છે. હવે તપાસનો ધમધમાટ તેજ થતાં અનેક ખુલાસા સામે આવે તેવી શકયતા છે.

શું છે કૌભાંડ
વિનય શાહ બાદ હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રોકાણ પર વળતર આપવાની લાલચ આપી ગ્રાહકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવામાં આવ્યું છે. જે મામલે કંપનીના ભોગ બનનાર એજન્ટ વાડજ પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે .કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રોકાણકારોને કંપનીમાં રોકાણનું ઊંચું વળતર આપવની લાલચ આપી અનેક લોકોના રૂપિયા લીધા છે. વાડજમાં પોલીસ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં એજન્ટો પણ કિમ કંપની સામે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. કંપની દ્વારા રાજ્યના અનેક શહેરોમાં ઓફિસ ખોલી અને રોકાણના નામે રૂપિયા લીધા છે. ચેઇન સ્વરૂપે આ કંપનીમાં પણ એજન્ટો અન્ય લોકોને લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.

કૌભાંડી વિનય શાહે એક કંપનીમાં અનેક નામો પર રજીસ્ટ્રેશન કર્યું હતું
260 કરોડના કૌભાંડી વિનય શાહની એક પછી એક છેતરપીંડી બહાર આવી રહી છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા ચાલી રહેલી તપાસમાં વિનય શાહે એક કરતાં અનેક નામ પર કંપની રજીસ્ટર્ડ કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ સીઆઈડી ક્રાઈમને વિનય શાહની તેના એજન્ટો સાથેની દુબઈ ટૂરના ફોટોગ્રાફ્સ પણ હાથ લાગ્યા છે.

મલ્ટીલેવલ માર્કેટિંગના નામે 260 કરોડનું ફૂલેકું ફેરવનારા વિનય શાહના કૌભાંડની સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં સીઆઈડીને અનેક મહત્ત્વપૂર્ણ પૂરાવા હાથ લાગ્યા છે. હવે, જાણવા મળ્યું છે કે, વિનય શાહેર એક કંપનીને અનેક નામ પર રજીસ્ટર્ડ કરી હતી. વિનય શાહે આર્ચર કેર ડીજીએડ, એલએલપી અને ડીજી લોકલ્સ નામની કંપનીમાં લોકો પાસે રોકાણ કરાવ્યા હતા.

સીઆઈડી ક્રાઈમે જ્યારે તેના કર્મચારીઓની પુછપરછ કરી તો તેની છેતરપીંડીનો ભોગ કર્મચારીઓ પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સીઆઈડી ક્રાઈમે કર્મચારીના બેન્ક ખાતા સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વિનય શાહે તેની કંપનીમાં 26 સભ્યોની કોર કમિટીની રચના કરી હતી. જેના દ્વારા તે લોકોને પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે આકર્ષતો હતો. વિનય કંપનીમાં જોડાવાની લાલચ માટે દરેક રોકાણકારને 1 ગ્રામનો સોનાનો સિક્કો ભેટમાં આપતો હતો. સીઆઈડી ક્રાઈમની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, વિનયે સોનાના એક ગ્રામના 1000 સિક્કા બનાવાનો ઓર્ડર આપ્યો હતો. આથી, હવે સીઆઈડી સોનાના સિક્કા બનાવી આપનાર જ્વેલર્સને ત્યાં પણ તપાસ હાથ ધરી રહી છે.

સીઆઈડીની તપાસમાં વિનયના દુબઈ ટૂરના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે. વિનયે કંપનીના કોર ગ્રૂપના એજન્ટોનો દુબઈની ટૂર કરાવી હતી. આ ટૂરમાં એજન્ટ વિજય સુહાગિયા, મહેશ પટેલ સહિતના લોકો સામેલ હતા. હવે સીઆઈડીએ વધુ વિગતો મેળવવા માટે ટૂર સંચાલકનો સંપર્ક સાધ્યો છે. આ દરમિયાન વિનય શાહ વિદેશ ભાગી ગયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news