15 લાખની નકલી ચલણી નોટના ખેલમાં કાયદાના રખેવાળનો મોટો હાથ! હેડ કોન્સ્ટેબલ સહિત 5 ઠગબાજોને દબોચ્યા

કાળા નાણાંને ધોળા નાણાંમાં ફેરવવા નિકળેલા સુરતના હેડ કોન્સ્ટેબલ અને તેના ઠગ મિત્રો કોઈને છેતરે એ પૂર્વે વાંસદા પોલીસને હાથે ઝડપાયા, 5 ની ધરપકડ સાથે 37.42 લાખનો મુદ્દામાલ કબ્જે 

15 લાખની નકલી ચલણી નોટના ખેલમાં કાયદાના રખેવાળનો મોટો હાથ! હેડ કોન્સ્ટેબલ સહિત 5 ઠગબાજોને દબોચ્યા

ઝી બ્યુરો/સુરત: બ્લેક મનીને વ્હાઈટ કરવા ઓછી રકમમાં મોટી રકમ આપવાની લાલચે 15 લાખની બનાવટી ચલણી નોટ લઇને ફરતા સુરત પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિત 5 ઠગબજોને વાંસદા પોલીસે બાતમીને આધારે દબોચી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં સુરતના હેડ કોન્સ્ટેબલ પાસેથી સરકારી પિસ્તોલ પણ મળી આવતા પોલીસે પાંચેયની ધરપકડ કરી 37.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તપાસને વેગ આપ્યો છે. 

વાંસદા પોલીસના સબ ઇન્સ્પેકટર જે. વી. ચાવડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, સુરતના બારડોલી તરફથી બે કારમાં કેટલાક લોકો બનાવટી ચલણી નોટો લઇને ઉનાઈ થઈને વાંસદા તરફ આવી રહી છે. જેને ધ્યાને રાખી પોલીસે ભીનાર ત્રણ રસ્તા પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી કાર આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાંથી 500 ના દરની 2994 નંગ બનાવટી ચલણી નોટ અને તેની સાથે 6 અસલી ચલણી નોટ મળી મળીને કુલ 15 લાખ રૂપિયાની નોટ મળી આવી હતી. જેની સાથે જ એક કારમાંથી સુરત પોલીસ હેડ ક્વાર્ટસમાં નોકરી કરતો યોગેશ સામુદ્રે સરકારી પિસ્તોલ સાથે મળી આવ્યો હતો. 

આરોપીઓ બનાવટી ચલણી નોટ મુદ્દે કોઈ યોગ્ય જવાબ આપી ન શકતા વાંસદા પોલીસે પાંચેયની અટક કરીને કડકાઇથી પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ 15 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટ કોઈને છેતરીને તેની પાસેથી ઓછી કિંમતની અસલી ચલણી નોટ પડાવવાની ફિરાકમાં હોવાનું જણાવતા જ પોલીસે તમામની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. 

સાથે જ ઘટના સ્થળેથી બનાવટી ચલણી નોટ સહિત 22 લાખ રૂપિયાની બે કાર, 36 હજારના 7 મોબાઈલ ફોન, એક સરકારી પિસ્તોલ અને 10 કાર્ટીજ અને રોકડા 6 હજાર રૂપિયા મળી કુલ 37.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ વાંસદા પોલીસ મથકે છેતરપિંડીની ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ નવસારી SOG પોલીસને સોંપવામાં આવી છે.

વાંસદા પોલીસને હાથે ચઢેલા સુરતના ઠગબાજોમાં જેનીશ પટેલ અને શ્રવણ પટેલ મુખ્ય આરોપી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ યોગેશ સામૂદ્રે જેનીશનો જુનો મિત્ર હોવાથી ત્રણેય સાથે પ્રકાશ કામલે અને રાહુલ શર્માને સાથે રાખીને લાલચુ વ્યક્તિને શોધવા નીકળ્યા હતા. જેમાં જેનીશ અને શ્રવણે કચ્છના વ્યક્તિ પાસેથી બચ્ચો કા બેંક નામથી 500 ના દરની 15 લાખ રૂપિયાની નોટ મંગાવી હતી. જેને બ્લેકના નાણાં ગણાવી, કોઈકને 5 લાખમાં આપીને વ્હાઈટના નાણાં કરવાની ફિરાકમાં હતા. પરંતુ કોઈ આ ઠગ ટોળકીની જાળમાં ફસાય એ પૂર્વે જ વાંસદા પોલીસને હાથે પકડાય ગયા હતા. 

આરોપીઓમાં જેનીશ સામે જાહેરનામા ભંગ, રાહુલ સામે વાહન સબંધી ગુનો, જ્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેશ સમુદ્રે સામે છેતરપિંડી, ધમકી, ગોંધી રાખવું, મારમારી જેવી અનેક ધારાઓ હેઠળ સુરતમાં વર્ષ 2018 માં ગુનો નોંધાયો હતો. જોકે ત્યારબાદ પણ યોગેશ પોલીસમાં ફરજ બજાવી રહ્યો છે અને દેશના મહત્વના ગણાતા આશારામ બાપુ સામેના કેસમાં મુખ્ય સાક્ષી મંજુ ભણસાલીના સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યો છે. 

SOG પોલીસે આરોપીઓનો કબ્જો મેળવી રિમાન્ડ મેળવવા સાથે જ બનાવટી ચલણી નોટ ક્યાંથી, કેવી રીતે મેળવી, અગાઉ આવી રીતે કોઈને છેતર્યો છે કે કેમ? પોલીસ કર્મીની સક્રિય ભૂમિકા છે કે કેમ? જેવા મુદ્દે તપાસને વેગ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, ચલણી નોટને ચકાસવા 17 પરિબળો હોય છે. જેને ધ્યાને રાખ્યા બાદ પોલીસે બનાવટી ચલણી નોટનો ગુનો નોંધ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news