તહેવારો પહેલાં રૂપિયો તુટવાની સીધી અસર તમારા ખિસ્સા પર થઈ રહી છે, જાણો 5 પોઈન્ટમાં...
ગુરૂવારે બજાર ખુલતાં જ શેરબજાર અને રૂપિયો ધડામ દઈને નીચે પટકાયા છે, સેન્સેક્સમાં 1,030 પોઈન્ટનો ઘટાડો થયો અને તે 34,000થી નીચેના સ્તરે આવી પહોંચ્યો છે
Trending Photos
નવી દિલ્હીઃ ગુરૂવારે બજાર ખુલતાં જ શેરબજાર અને રૂપિયો નીચે પટકાયા છે. સેન્સેક્સ 1,030 પોઈન્ટ ઘટીને 34,000થી નીચેના સ્તરે પહોંચી ગયો. આમ થવાનું કારણ ડોલરની સામે રૂપિયો 75.45ના વિક્રમજનક નીચલા સ્તરે જતું રહેવું છે. બજારમાં આ નકારાત્મક ટ્રેન્ડ જુલાઈ 2018 બાદથી સતત બનેલો છે. નિષ્ણાતોના જીડીપીનો નબળો વિકાસ દર સૌથી નકારાત્મક ફેક્ટર છે. તેની સીધી અસર આમ આદમીના ખિસ્સા પર પડી રહી છે.
1. પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે
જો આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત ઘટતી રહેશે તો તે 75 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. તેનાથી ક્રુડ ઓઈલની આયાત વધુ મોંઘી થશે. એટલે કે ઘરેલુ સ્તરે તેની અસર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડશે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ખનીજ તેલનો આયાતકાર દેશ છે.
2. પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં વધશે મોંઘવારી
જો ખનીજ તેલના ભાવ આ રીતે જ વધતા રહેશે તો દેશમાં પેટ્રોલની સાથે-સાથે ડીઝલના ભાવ પણ વધશે, જેની સીધી અસર રોજિંદા વપરાશની ચીજ-વસ્તુઓના ભાવ પર થશે. ડીઝલના ભાવ વધવાથી સ્થાનિક પરિવહન મોંઘું બનશે. તેની અસર તમામ ચીજ-વસ્તુઓ જેમ કે સાબુ, શેમ્પુ, પેઈન્ટ ઈન્ડસ્ટ્રી પર થશે.
3. મોંઘું થશે ભાડું
ખનીજ તેલ મોંઘું થવાને કારણે કુદરતી ગેસની કિંમતને પણ અસર થશે. તેની કિંમતો પણ વધશે. આથી, ગેસથી ચાલતી કાર, રીક્ષા કે બસ ચલાવવી વધુ મોંઘું થઈ જશે. ડીજલથી ચાલતી રાજ્ય સરકારની પરિવહન બસોનું ભાડું વધવાની પણ આશંકા છે.
4. ખનીજ તેલની આયાત પર પડશે અસર
રૂપિયો નબળો થવાને કારણે ખનીજ તેલની આયાત મોંઘી થશે. પેટ્રોલિયમ કંપનીઓને આયાતને બદલે વધુ કિંમત ચૂકવવી પડશે. જેની અસર તેમના નફા પર થશે. કંપનીઓ ખનીજ તેલની આયાત ઘટાડવા અંગે પણ વિચાર કરી રહી છે. જો, આમ થયું તો દેશમાં ઈંધણની ખેંચ ઊભી થવાની સંભાવના છે.
5. શેરબજારમાં રોકાણને અસર થશે
નિષ્ણાતોના મતે છેલ્લા એક દાયકાથી શેરબજાર અને રૂપિયા વચ્ચે સીધો સંબંધ રહ્યો છે. રૂપિયો મજબૂત થાયતો શેરબજારમાં પણ તેજી જોવા મળે છે. અત્યારે વિદેશી રોકાણકારો બજારમાંથી સતત પૈસા ખેંચી રહ્યા છે. આ કારણે પણ રૂપિયો નીચલા સ્તરે જઈ રહ્યો છે.
નાણામંત્રી અરૂણ જેટલી પણ કહી ચૂક્યા છે કે, બે કારણોને લીધે રૂપિયો તુટી રહ્યો છે. ખનિજ તેલના ભાવ અને ડોલરમાં સતત મજબુતી. જો આ ટ્રેન્ડ રહશે તો વિદેશી રોકાણકારો મોટા પ્રમાણમાં પોતાનું રોકાણ બહાર લઈ જશે. તેનાથી ઘરેલુ રોકાણકારોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. ખાસ કરીને બ્લ્યુચિપ કંપનીઓની પ્રતિષ્ઠા ઘટશે, જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે