NDTVને હસ્તગત કરવા અદાણી જૂથે લેવી પડશે SEBI ની મંજૂરી? જાણો આખરે શું છે મામલો
Adani Group: અદાણી ગ્રુપ દ્વારા 34 વર્ષ જૂના મીડિયા સંસ્થાન એનડીટીવીનું અધિગ્રહણ હાલ ખુબ ચર્ચામાં છે. હવે એક નવા સમાચાર એ આવી રહ્યા છે કે એનડીટીવીએ એક્સચેન્જમાં ફાઈલ કરાવેલી નોંધમાં એવું જણાવ્યું છે કે અદાણી ગ્રુપે આવા કોઈ પણ અધિગ્રહણ પહેલા સેબીની મંજૂરી લેવી પડશે. જાણો આખરે શું છે મામલો.
Trending Photos
Adani Group: અદાણી ગ્રુપ દ્વારા 34 વર્ષ જૂના મીડિયા સંસ્થાન એનડીટીવીનું અધિગ્રહણ હાલ ખુબ ચર્ચામાં છે. આ અધિગ્રહણથી ગૌતમ અદાણીને મીડિયા કારોબારના વૈશ્વિક દિગ્ગજોમાં સામેલ થવામાં મદદ મળશે. અદાણી હાલ દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. જો કે આ બધા વચ્ચે એનડીટીવીએ ડીલની જાહેરાત થયા બાદ ગણતરીના કલાકોમાં આ અધિગ્રહણની વાતો નકારી પણ હતી. દાવો કરતા કહેવાયું હતું કે તેના સંસ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોય સાથે આ અંગે કોઈ વાતચીત થઈ નથી કે તેમની સંમતિ પણ લેવાઈ નથી. રોય દંપત્તિની NDTV માં 32.26 ટકા ભાગીદારી છે. હવે એક નવા સમાચાર એ આવી રહ્યા છે કે એનડીટીવીએ એક્સચેન્જમાં ફાઈલ કરાવેલી નોંધમાં એવું જણાવ્યું છે કે અદાણી ગ્રુપે આવા કોઈ પણ અધિગ્રહણ પહેલા સેબીની મંજૂરી લેવી પડશે.
બે વર્ષનો પ્રતિબંધ
ND TV એ સ્ટોક એક્સચેન્જને એક ડિસ્ક્લોઝરમાં જણાવ્યું છે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ 27 નવેમ્બર 2020ના રોજ એનડીટીવીના સંસ્થાપકો પ્રણય રોય અને રાધિકા રોયને સિક્યુરિટીઝ માર્કેટમાં પ્રવેશવા અને આગળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિક્યુરિટીઝની ખરીદી વેચાણ કે અન્ય કોઈ પણ પ્રકારના વ્યવહાર કરવા પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ 26 નવેમ્બર 2022ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે.
સેબીની મંજૂરી જરૂરી!
એનડી ટીવીએ અદાણી ગ્રુપને જણાવ્યું છે કે હાલના પ્રમોટર્સ દ્વારા હિસ્સો વેચવા પર અગાઉના પ્રતિબંધના કારણે મીડિયા કંપનીમાં 29.18નો હિસ્સો હસ્તગત કરવા માટે તેમને માર્કેટ રેગ્યુલેટર SEBIની મંજૂરીની જરૂર પડશે.
એક કરજે એનડીટીવીને બેહાલ કર્યું?
વાત જાણે એમ છે આ સમગ્ર અધિગ્રહણ પાછળ એક બાકી કરજની કહાની છે. આ કરજ એનડીટીવીના સંસ્થાપક પ્રણય રોય અને રાધિકા રોયે 2009-10માં મુકેશ અંબાણી સંલગ્ન કંપની પાસેથી લીધુ હતું. VCPL એ એનડીટીવીની પ્રવર્તક કંપની આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડને 403.85 કરોડ રૂપિયાનું કરજ આપ્યું હતું. વીસીપીએલ શરૂઆતમાં અંબાણી સમૂહ સંલગ્ન કંપની હતી.
રસપ્રદ વાત એ છે કે વીસીપીએલના કરજ પર કોઈ વ્યાજ નહતું. આ વ્યાજ મુક્ત કરજના બદલામાં આરઆરપીઆરએ વીસીપીએલને વોરન્ટ જાહેર કર્યું. આ વોરન્ટ મુજબ જો કંપની ચૂકવણી કરી શકે નહીં તો આવી સ્થિતિમાં કરજદારને આરઆરપીઆરમાં 99.9 ટકા ભાગીદારી લેવાનો હક હશે. વીસીપીએલનું સ્વામિત્વ 2012માં બદલાઈ ગયું. અદાણી સમૂહની ફર્મે પહેલા વીસીપીએલનું અધિગ્રહણ કર્યું અને ત્યારબાદ બાકી કરજને મીડિયા કંપનીમાં 29.18 ટકા ભાગીદારીમાં બદલવાના વિકલ્પનો ઉપયોગ કર્યો. ત્યારબાદ અદાણી સમૂહે દેશના અધિગ્રહણ માપદંડો અનુરૂપ જનતા પાસેથી વધુ 26 ટકા ભાગીદારી ખરીદવા માટે 493 કરોડ રૂપિયાની ઓપન ઓફર મૂકી.
493 કરોડ રૂપિયાની ઓપન ઓફર
RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેનું ગઠન રાધિકા રોય, અને પ્રણય રોયે એક પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે કર્યું હતું. તેની એનડીટીવીમાં 29.18 ટકા ભાગીદારી VCPL ને હસ્તાંતરિત કરાઈ હતી જેને હવે અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ અને એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડને વેચી દેવાઈ છે. વીસીપીએલએ મંગળવારે આરઆરપીઆરમાં 99.5 ટકા ઈક્વિટી શેરના અધિગ્રહણ માટે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો. તેનાથી એનડીટીવીમાં 26 ટકા સુધી ભાગીદારીના અધિગ્રહણ માટે ખુલ્લી ઓફર અપાઈ. જે હેઠળ વીસીપીએલએ અદાણી મીડિયા નેટવર્ક્સ લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ સાથે મળીને એનડીટીવીના 1.67 કરોડ સુધીના પૂર્ણ ચૂકતે ઈક્વિટી શેરોના અધિગ્રહણ માટે 294 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ખુલ્લી ઓફર મૂકી. તેની રજૂઆતનું કુલ મૂલ્ય લગભગ 493 કરોડ રૂપિયા બેસે છે.
કોઈ પણ ચર્ચા વગર અધિગ્રહણ?
NDTV ના જણાવ્યાં મુજબ NDTV અથવા તેના સંસ્થાપક-પ્રમોટર્સ રાધિકા અને પ્રણય રોય સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા વગર, VCPL દ્વારા તેમને એક નોટિસ આપવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે તેમણે RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડનું નિયંત્રણ મેળવી લીધુ છે. આ કંપની પાસે એનડીટીવીના 29.18 ટકા શેરનો માલિકી હક છે. RRPR ને પોતાના તમામ ઈક્વિટી શેરોને VCPL ને હસ્તાંતરિત કરવા માટે બે દિવસનો સમય અપાયો છે. VCPL એ પોતાના જે હકનો ઉપયોગ કર્યો છે તે વર્ષ 2009-19માં એનડીટીવીના સંસ્થાપકો રાધિકા અને પ્રણય રોય સાથે કરાયેલા તે કરજ સમજૂતિ પર આધારિત છે. NDTV ના સંસ્થાપક તથા કંપની એ સ્પષ્ટ કરવા માંગશે કે VCPL દ્વારા અધિકારોનો આ પ્રયોગ એનડીટીવીના સંસ્થાપકોના કોઈ ઈનપુટ, વાતચીત અથવા સહમતિ વગર કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે