પરિવારમાં નાની નાની બાબતોનું રાખો ધ્યાન, ક્યારેય કોઈનો માળો ના વિખાઈ જાય
એક માતા અને ચાર બાળકીઓ અત્યારે હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. જોકે પતિ-પત્ની વચ્ચે થયેલા સામાન્ય તકરારને કારણે આખા પરિવારનો જીવ અત્યારે જોખમમાં મુકાયો છે.
Trending Photos
નિલેશ જોશી, વલસાડ: પરિવારમાં થતા સામાન્ય કંકાસને કારણે અનેક પરિવારો વિખેરાતા હોવાના અગાઉ પણ અનેક દાખલા બની ચૂક્યા છે. ત્યારે વધુ એક દાખલો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પુનાટ ગામમાં બન્યો છે. પુનાટમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઘર કંકાસને કારણે કંટાળેલી પત્નીએ પોતાની માસુમ ચાર બાળકીઓને ઝેરી પ્રવાહી પીવડાવી અને પોતે પણ ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. આમ એક માતા અને ચાર બાળકીઓ અત્યારે હોસ્પિટલના બિછાને સારવાર હેઠળ છે. જોકે પતિ-પત્ની વચ્ચે થયેલા સામાન્ય તકરારને કારણે આખા પરિવારનો જીવ અત્યારે જોખમમાં મુકાયો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પુનાટ ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા વારલી પરિવારમાં એક ચકચારિત ઘટના બની છે. જેમાં કુંતા અમિત વારલી નામની એક માતાએ પોતાની ચાર નાની માસુમ બાળકીઓને ઝેરી પ્રવાહી પીવડાવી અને પોતે પણ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી આ તમામ અત્યારે ભીલાડની શ્રીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માતાએ જ પોતાની ફુલ જેવી માસુમ બાળકીઓને પ્રથમ ઝેરી પ્રવાહી પીવડાવ્યું હતું અને ત્યારબાદ પોતે પણ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાળકીઓની ઉંમર પણ છ મહિનાથી 10 વર્ષ સુધીની છે.
રાહતની વાત એ છે કે હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલી બાળકીઓ અને માતાની હાલત સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ પરિવારના લોકોમાં ચિંતાનો માહોલ છે. પુનાટના વારલી પરિવારમાં બનેલી આ ઘટનાનું કારણ સામાન્ય પારિવારિક ઘર કંકાસ હોવાનું કહેવાઈ રહ્યું છે. પતિ-પત્ની વચ્ચે કોઈને કોઈ વાતે અવારનવાર થતાં કંકાસથી કંટાળી અને પતિ જ્યારે નોકરી ધંધે બહાર ગયો તે સમયે જ માતાએ પોતાની છ મહિનાથી લઈ 10 વર્ષ સુધીની ચાર બાળકીઓને ઠંડા પીણા સાથે ઝેરી પ્રવાહી પીવડાવી અને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. સાથે પોતે જ પણ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જોકે, પતિની ગેરહાજરીમાં બનેલી આ ઘટના બાદ પતિ જ્યારે કંપનીથી ઘરે પરત ફરે છે. તે સમયે તેની ચાર નાની માસુમ બાળકીઓ અને પત્નીના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હોય છે અને તેમની હાલત ગંભીર જણાતા કઈ અજગતું થયું હોવાનું જાણી અને તાત્કાલિક તમામને ભીલાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે માતા અને તેની ચાર બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતાં જ ભીલાડ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. સારવાર બાદ માતા પર બાળકીઓના હત્યાના પ્રયાસનો ગુન્હો પણ દાખલ થશે.
પરિવારમાં થતા સામાન્ય બાબતની તકરાર ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરે છે. ક્યારેય ઘર કંકાસને કારણે આખા પરિવારો વેર વિખેર થઇ જવાના અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત પતિ-પત્ની વચ્ચે સામાન્ય તકરારે આખા પરિવારના જીવ સામે જોખમ ઊભું કર્યું છે. આ બનાવ અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર છે. જોકે, રાહતની વાત એ છે કે હોસ્પિટલના બીછાને સારવાર લઈને માતા અને તેની બાળકીઓની હાલત અત્યારે સ્થિર છે. પરંતુ એક સામાન્ય ઘર કંકાસમાં માતાએ ભરેલા પગલા આખા પરિવારના સામે જીવ સામે ઊભા થયેલા જોખમનો કિસ્સો ત્યારે ચર્ચાનું કેન્દ્ર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે