કોરોનાએ વધાર્યું હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ, નાણાંકીય આયોજનનો આવશ્યક હિસ્સો છે હેલ્થ ઈન્સ્યોરન્સ

મોટા ભાગના લોકો હેલ્થ ઈન્સ્યોરન્સને  દબાણ પૂર્વક  વેચવામાં આવતી પ્રોડકટ તરીકે ગણતા  હતા.  હવે તેની તરફનુ આકર્ષણ વધ્યુ છે અને હેલ્થ ઈન્સ્યોરન્સ માટેની જાગૃતિમાં વધારો થયો છે

કોરોનાએ વધાર્યું હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ, નાણાંકીય આયોજનનો આવશ્યક હિસ્સો છે હેલ્થ ઈન્સ્યોરન્સ

અમદાવાદ : સીઆઈઆઈના ઉપક્રમે યોજાયેલા એક વેબીનારમાં નિષ્ણાતોએ એવુ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું કે  કોવિડ-19 મહામારીએ હેલ્થ ઈન્સ્યોરન્સનું મહત્વ વધારી દીધુ છે અને લોકોને ખ્યાલ આવ્યો છે કે હેલ્થ ઈન્સ્યોરન્સ એ નાણાંકીય આયોજનનો આવશ્યક હિસ્સો છે. હેલ્થ ઈન્સ્યોરન્સ, કોવિડ-19ના સારવાર ખર્ચા તથા કોર્પોરેટ હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રવાહો, કોન્ફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ), ગુજરાતના ઉપક્રમે યોજાયેલી વર્ચ્યુઅલ સેશનમાં ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહ્યા હતા. 

એચડીએફસી અર્ગો જનરલ ઈન્સ્યોરન્સના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસીડેન્ટ હિતેશ બિરાનીએ જણાવ્યું હતું કે કોવિડ-19 પહેલાં હેલ્થ ઈન્સ્યોરન્સને મુનસફી ખર્ચ તરીકે ગણવામાં આવતો હતો. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે “મોટા ભાગના લોકો હેલ્થ ઈન્સ્યોરન્સને  દબાણ પૂર્વક  વેચવામાં આવતી પ્રોડકટ તરીકે ગણતા  હતા.  હવે તેની તરફનુ આકર્ષણ વધ્યુ છે અને હેલ્થ ઈન્સ્યોરન્સ માટેની જાગૃતિમાં વધારો થયો છે.”

ગ્રાહકોએ ઈન્સ્યોરન્સ કંપનીઓ તરફથી આપવામાં આવતા સુપર ટોપ-અપ કવર (સુરક્ષા)ની પસંદગી કરવી જોઈએ કારણ કે તેનાથી પોલિસીધારકો ખૂબ જ પોસાય તેવા પ્રિમિયમથી તેમની વર્તમાન સુરક્ષા કવચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. અમદાવાદ સ્થિત આઈએન્ડ ઈન્સ્યોરન્સ બ્રોકરના ડિરેકટર અને પ્રિન્સિપાલ ઓફિસર પ્રભાત વિજએ  જણાવ્યું કે સામાન્ય ફૂગાવાની તુલનામાં તબીબી ક્ષેત્રે ફૂગાવો ખુબ જ ઉંચા દરથી વધતો જાય છે. આથી ઈન્સ્યોરન્સ પોલિસી રાખવાનુ ફરજીયાત બની ગયુ છે.

“એક વાર હૉસ્પિટલમાં દાખલ થવુ પડે તો પરિવારની બચત સાફ થઈ જાય છે.  આ ઉપરાંત જીવનની સરેરાશ વય મર્યાદા વધતી જાય છે તેમ તેમ જીવનશૈલીને લગતા રોગો વ્યાપક બનતા જાય છે. મને લાગે છે કે રોટી કપડા અને મકાન પછી હેલ્થ ઈન્સ્યોરન્સએ ચોથી સૌથી મહત્વની બાબત છે.”

આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે વિજે કહ્યું કે ઈન્સ્યોરન્સ કંપનીઓને રૂ. 8000 કરોડના દાવા મળ્યા છે, જેમાંથી 3 નવેમ્બર સુધીની સ્થિતિમાં રૂ.3500 કરોડના દાવા ચૂકવાઈ ગયા છે. સીઆઈઆઈ ગુજરાતના વાઈસ ચેરમેન વિનોદ અગ્રવાલે તેમના પ્રારંભિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતમાં આરોગ્ય માટે  જીડીપીના માત્ર 4.2  ટકા ખર્ચ કરવામાં આવે છે. જે બ્રિક્સ દેશોમાં સૌથી નીચો છે. 

“હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ એ નાણાંકીય આયોજનનો ખુબ જ મહત્વનો હિસ્સો છે. કોવિડ-19 મહામારીએ ઈન્સ્યોરન્સ બાબતે જાગૃતિમાં વધારો કર્યો છે. આમ છતાં પણ ભારતમાં આરોગ્ય માટે થતો માથાદીઠ ખર્ચ માત્ર રૂ. 342 છે. આશરે 90થી 92 કરોડ લોકોને પીએમજેએવાય અને કામદાર રાજ્ય વીમા યોજના જેવી સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જ્યારે 40 કરોડ લોકો ઓછો વીમા લઈ રહ્યા છે અથવા તો વીમા લેતા જ નથી. લાંબા ગાળાના હેલ્થ ઈન્સ્યોરન્સની તાકીદની જરૂરિયાત છે. ” 

એપોલો સીબીસીસી કેન્સર કેરના ડિરેકટર રમેશ બાલાસુબ્રમણ્યને પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે મહામારીને પરિણામે  લોકોના હેલ્થ ઈન્સ્યોરન્સ અંગેની માન્યતામાં સમુળગુ પરિવર્તન આવ્યુ છે.તેમણે કહ્યું કે “મહામારીને કારણે લોકોને ખ્યાલ આવ્યો છે કે હેલ્થ ઈન્સ્યોરન્સ એ આવશ્યક બાબત છે. ઘણા કિસ્સામાં હાઈ કવર ( વ્યાપક સુરક્ષા)ની જરૂર પડે છે, કારણ કે હયાત વીમો ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતો બની રહે છે. ”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news