એક મહિનો મોડી શરૂ થઈ કેરીની સીઝન, મોડે મોડે પણ દક્ષિણ ગુજરાતમાં શરૂ થયો કેરીગાળો
Mango Season Start : નવસારીના માર્કેટમાં કેરી આવી ગઈ, કેરીની સીઝન લગભગ 1 મહિનો મોડી શરૂ થઈ, નવસારી APMC માં કેરીની આવક શરૂ થતા વેપારીઓમાં ખુશી છવાઈ
Trending Photos
Navsari News ધવલ પારેખ/નવસારી : વાતાવરણમાં સતત વધતી ગરમી ખેતી માટે નુકશાનકારક સાબિત થઈ રહી છે. ગત દિવસોમાં શિયાળામાં ગરમીનું પ્રમાણ વધ્યું, જેની સાથે કમોસમી માવઠાએ ફળોના રાજા કેરીના ઉત્પાદન ઉપર માઠી અસર દેખાડી હતી. જોકે સમય કરતા મોડી પણ નવસારી APMC માં કેરીની આવક શરૂ થઇ છે. પ્રતિ મણ કેરીના સારા ભાવો પણ મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.
નવસારીમાં મોડી આવી કેરીની સીઝન
ઉનાળો આવતા જ કેરી અને કેરીનો રસ ખાવાના પ્લાનિંગ થવા માંડે છે. વેકેશન પડતા જ કેરીગાળો કરવાના આમંત્રણ અપાય છે. પણ બદલાતા વાતાવરણે આ વખતે કેરી રસિયાઓને નિરાશ કર્યા છે. વાતાવરણમાં વધતી ગરમીને કારણે આંબાવાડીઓમાં ગત દિવસોમાં કેરીમાં ખરણ જોવા મળ્યુ હતુ. જેને કારણે આ વખતે 50 થી 60 ટકા જ કેરી આવવાની શક્યતા જોવાતી હતી. જેના પરિણામે કેરીની સીઝન લગભગ 1 મહિનો મોડી થઈ છે. જોકે હાલ નવસારી APMC માં કેરીની આવક શરૂ થતા વેપારીઓમાં ખુશી જોવા મળી છે. પરંતુ નહિવત આવક સાથે જ ફળની સાઈઝ નાની આવી રહી છે. જેથી વેપારીઓ થોડા નિરાશ પણ થયા છે.
હજી 10 દિવસ રાહ જોશે વેપારી
બીજી તરફ કેરીની આવક પણ ગત વર્ષો કરતા 10 ટકા જ આવી રહી છે. ગત વર્ષે આ દિવસોમાં 5 હજાર મણ આસપાસ આવક હતી. પરંતુ આ હાલમાં ફકત 300 થી 500 મણ જ કરીની આવક થઈ રહી છે. જેમાં ખેડૂતોને હાલ કેસર કેરીનો પ્રતિ મણ ભાવ 1700 થી 2200 રૂપિયા મળી રહ્યો છે. જોકે 10 દિવસ બાદ કેરીની આવકમાં વધારો થાય એવી શક્યતા પણ સેવાઈ રહી છે તેવું નવસારી APMC ના વેપારી મનીષ હિરાણીએ જણાવ્યું.
કેરીની આવક શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી છે. પણ કેરીના પાકને ટકાવી રાખવા માટે ખેડૂતોએ આંબાવાડીઓમાં કરેલ દવાનો છંટકાવ, ખાતર વગેરેમાં થયેલ ખર્ચો નીકળે કે કેમ એની ચિંતા પણ વધી છે. કારણ કેરીનો પાક 30 થી 40 ટકા જ રહ્યો છે. જેથી હાલમાં પ્રતિ મણ 1700 થી 2200 રૂપિયા મળી રહેલા ભાવથી ખેડૂતો ખુશ છે. પણ હજી પણ ભાવમાં વધારો થાય એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
કેરીની આવક શરૂ થતા વેપારીઓ અને ખેડૂતો ખુશ છે. જ્યારે આગામી દિવસોમાં કેરીની આવક વધશે અને કેરીની સીઝન પાછળ સારી રહે એવી આશા પણ સેવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે