પાકિસ્તાન ચૂંટણી: મતદાન દરમિયાન હિંસાની દહેશત, 1000 કોફિન તૈયાર કરાયા

પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી માટે સામાન્ય ચૂંટણી યોજાઈ છે. આજે જનતા મતાધિકારનો ઉપયોગ કરી રહી છે.

પાકિસ્તાન ચૂંટણી: મતદાન દરમિયાન હિંસાની દહેશત, 1000 કોફિન તૈયાર કરાયા

નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી માટે સામાન્ય ચૂંટણી યોજાઈ છે. આજે જનતા મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાન દરમિયાન હિંસા અને  કોઈ પણ અનિચ્છનિય બનાવને પહોંચી વળવા માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ મતદાન દરમિયાન અહીં મોટા પાયે હિંસા થવાની આશંકા વ્યક્ત કરી છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે લોકસભાની ચૂંટણી માટેની રેલીઓમાં 175 લોકો માર્યા ગયા છે.

કેટલી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હશે કે અહીં પહેલેથી જ એક હજારથી પણ વધુ કોફિન (તાબૂત) તૈયાર કરીને રાખવામાં આવ્યાં છે. ટ્રિબ્યુન ડોટ કોમના એક અહેવાલ મુજબ પેશાવરના ડેપ્યુટી કમિશનર ઈમરાન હામિત શેખે સોમવારે જણાવ્યું કે 25 જુલાઈના રોજ થનારા મતદાન દરમિયાન હિંસાની આશંકાને ધ્યાનમાં લેતા 1000 જેટલા કફન અને તાબૂત તૈયાર કરવાના આદેશ અપાયા છે.

હિંસાને પહોંચી વળવા માટે તૈયારી
તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે બુધવારે શાંતિપૂર્ણ રીતે મતદાન થશે. પરંતુ કોઈ પણ અનિચ્છનિય કે આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે અમે તૈયાર છીએ. તેમણે કહ્યું કે 25 જુલાઈના રોજ મતદાન દરમિયાન અફઘાની શરણાર્થીઓને શિબિરોમાં જ રોકવામાં આવશે. અમે પેશાવરમાં હવાઈ ફાયરિંગ, બ્લેક ટિંટેડ ચશ્મા અને રજિસ્ટ્રેશન વગરના વાહનોને પેશાવરમાં ઘૂસવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ બૂથ
ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે પેશાવરમાં કુલ 1217 મતદાન કેન્દ્રો સ્થાપિત કરાયા છે. જેમાં પુરુષો માટે 655 બૂથ અને મહિલાઓ માટે 517 બૂથ છે. 45 મતદાન કેન્દ્રો પર મહિલાઓ અને પુરુષો બંને મતદાન કરી શકશે.

મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ
તેમણે કહ્યું કે સુરક્ષા માટે દરેક મતદાન કેન્દ્ર પર આર્મીના જવાન અને પોલીસકર્મીઓને તહેનાત કરાયા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ નિગરાણી રાખવામાં આવશે. મતદાન કેન્દ્રોની આસપાસ મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news