બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન ખાલેદા ઝિયાની અનાથાશ્રમ કેસમાં જેલની સજા બમણી કરાઈ
બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા ખાલેદા ઝિયાને ઝિયા અનાથાશ્રમ ટ્રસ્ટને મળેલા 2 લાખ ડોલરના ફંડનો ગેરવ્યાજબી ઉપયોગ કરવા બદલ 5 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી, જેને હવે 10 વર્ષની કરી દેવાઈ છે
Trending Photos
ઢાકાઃ બાંગ્લાદેશની કોર્ટે મંગળવારે વિરોધ પક્ષના નેતા અને પૂર્વ વડા પ્રધાન ખાલેદા ઝિયાની અનાથાશ્રમ કેસમાં 5 વર્ષની સજા 10 વર્ષની કરી દીધી હતી. બાંગ્લાદેશના એન્ટી કરપ્શન કમિશન દ્વારા અપીલ કરાયા બાદ કોર્ટે આ ચૂકાદો સંભળાવ્યો હતો.
8 ફેબ્રુઆરીના રોજ એક વિશેષ કોર્ટ દ્વારા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના વડાને ઝિયા અનાથાશ્રમ ટ્રસ્ટને મળેલી બે લાખ ડોલરની રકમનો ગેરવ્યાજબી ઉપયોગ કરવા બદલ 5 વર્ષની સજા ફટકારી હતી. બાંગ્લાદેશ હાઈકોર્ટના ન્યાયાધિશ એમ. નાયેતુર રહીમ અને મોહમ્મદ મુસ્તફિઝુર રહેમાનની વિશેષ બેન્ચ દ્વારા મંગળવારે આ ચૂકાદો સંભળાવાયો હતો.
બાંગ્લાદેશ હાઈકોર્ટના ચૂકાદા બાદ એન્ટી કરપ્શન કમિશનના વકીલ ખુરશીદ આલમે જણાવ્યું કે, "આ કેસમાં ખાલેદા ઝિયા મુખ્ય આરોપી હતા. આ કારણે અમે સજામાં વધારો કરવાની માગ કરી હતી. હાઈકોર્ટે અમારી અપીલને માન્ય રાખીને સજાને 5ને બદલે 10 વર્ષ કરી હતી. જેના પરિણામે તમામ આરોપીઓની સજા 10 વર્ષની થઈ જશે. આ સાથે જ અન્ય આરોપીઓની જામીનની અરજી પણ ફગાવી દેવાઈ હતી."
ખાલેદા ઝિયાનો પુત્ર તારિક રહેમાન અને અન્ય ચાર આરોપીઓને પણ આ કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
સોમવારે, ખાલેદા ઝિયાને ભ્રષ્ટાચારના એક અન્ય કેસમાં 7 વર્ષની જેલની સજા સંભળાવાઈ હતી.
જૂની કેન્દ્રીય જેલમાં એક અસ્થાયી કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ કોર્ટમાં ખાલેદા અને અન્ય ત્રણને ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટ માટે 31.5 મિલિયન ટાકા (3,75,000 ડોલર) જેટલી રકમ તેમનાં રાજકીય પદનો ઉપયોગ કરીને અજાણ્યા સ્રોત પાસેથી મેળવવા બદલ દોષીત ઠેરવાયા હતા.
એન્ટી કરપ્શન કમિશન દ્વારા ખાલેદા ઝિયા સામે 8 વર્ષ પહેલાં અનાથાશ્રમની રકમનો ગેરવ્યાજબી ઉપયોગ કરવા અંગેનો આ કેસ દાખલ કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે