G20 બેઠકમાં ઊર્જા અને પરિવહન ક્ષેત્ર પર ચર્ચા કરવી અનિવાર્યઃ રિપોર્ટ

આગામી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2018ના રોજ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સ ખાતે યોજાનારી G20 દેશોની પરિષદ પહેલાં 'ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી' દ્વારા તાજેતરમાં જ 'બ્રાઉન ટૂ ગ્રીન રિપોર્ટ' જાહેર કરાયો છે 

G20 બેઠકમાં ઊર્જા અને પરિવહન ક્ષેત્ર પર ચર્ચા કરવી અનિવાર્યઃ રિપોર્ટ

બર્લિન(જર્મની): આગામી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2018ના રોજ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સ ખાતે યોજાનારી G20 દેશોની પરિષદ પહેલાં 'ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી' દ્વારા તાજેતરમાં જ 'બ્રાઉન ટૂ ગ્રીન રિપોર્ટ' જાહેર કરાયો છે. જેના અનુસાર G20 બેઠકમાં ઊર્જા અને પરિવહન ક્ષેત્ર પર ચર્ચા કરવી અનિવાર્ય છે. રિપોર્ટ જણાવે છે કે, 'પેરિસ એગ્રીમેન્ટ'માં નક્કી કરવામાં આવેલા વૈશ્વિક તાપમાનમાં વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાના લક્ષ્ય સુધી એક પણ G20  દેશ પહોંચ્યો નથી. ભારત જ એકમાત્ર દેશ છે જે 2.00 ડિગ્રીના લક્ષ્યની પ્રાપ્તિની નજીક છે. 

બ્રાઉન્ટ ટૂ ગ્રીન રિપોર્ટ G20 દેશના જળવાયુ સંબંધીત પગલાં અંગે દુનિયાનું સૌથી વિસ્તૃત વિશ્લેષણ છે. ક્લાઈમેટ ટ્રાન્સપરન્સી નામની સંસ્થા દ્વારા 14 જળવાયુ સંશોધન સંસ્થાઓ અને બિન-સરકારી સંસ્થાઓ, જેમાથી મોટાભાગની G20 દેશોની છે તેમની પાસેથી એકત્રીત કરાયેલા આંકડા પરથી આ રિપોર્ટ તૈયાર કરાયો છે. રિપોર્ટની આ ચોથી આવૃત્તિ છે. આ રિપોર્ટ 2017ના ઉત્સર્જન સંબંધિત તાજેતરના આંકડાઓને આધારે તૈયાર કરાયો છે. 

બ્રાઉન ટૂ ગ્રીન રિપોર્ટમાં ડી-કાર્બનાઈઝેશન, જળવાયુ સંબંધિત નીતિઓ, આર્થિક તથા જળવાયુ પરિવર્તનને કારણે પેદા થયેલા જોખમો સંબંધિત 80 સૂચકાંકોને સામેલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં રેટિંગ દ્વારા G20 દેશોમાં પર્યાવરણ સંરક્ષણની દૃષ્ટિએ ટોચના અને પછા દેશોની ઓળખ પણ કરવામાં આવી છે. 

તાજેતરમાં બહાર પડાયેલા રિપોર્ટ અનુસાર G20 દેશોમાં કૂલ ઊર્જા પૂરવઠાનો 82 ટકા હિસ્સો અશ્મિભૂત ઈંધણ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. સાઉદી આરબ, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોમાં તો તે 90 ટકા છે. વિશ્વમાં થતા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં જ્યારે G20 દેશોની 80 ટકા ભાગીદારી છે ત્યારે આ ક્ષેત્રમાં તેમની જવાબદારી નિર્ણાયક બની જાય છે. 

રિપોર્ટના સહ-લેખક ચીનની એનર્જી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના જિંગ કેજિને જણાવ્યું કે, "તાજેતરમાં બહાર પડાયેલા આઈપીસીસી 1.5 ડિગ્રી સિલ્સિયસ રિપોર્ટથી જાણવા મળે છે કે, દુનિયાએ જળવાયુ પરિવર્તન મુદ્દે ઝડપથી કામ કરવું પડશે. મોટાભાગના G20 દેશમાં કોલસા, ક્રૂડ ઓઈલ તથા ગેસમાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. સાથે જ પ્રદૂષણકારી પરિવહન સાધનોના ઉપયોગના કારણે સૌથી વધુ પ્રદૂષણ ફેલાય છે."

રિપોર્ટના અન્ય સહ-લેખક જોન બર્ક (જર્મનવોચ)એ જણાવ્યું કે, "G20 દેશોએ વૈશ્વિક તાપમાનમાં વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવા માટે વર્ષ 2030 સુધીમાં પોતાને ત્યાં થતા પ્રદૂષણકારી તત્વોના ઉત્સર્જનનું પ્રમાણ અડધું કરવાનું રહેશે."

બ્રાઉન ટૂ ગ્રીન રિપોર્ટ-2018ના મુખ્ય તથ્યોઃ- 

વૈશ્વિક તાપમાનમાં ઘટાડાનું લક્ષ્ય

  • G20માં સામેલ એક પણ દેશ વૈશ્વિક તાપમાનમાં વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાના લક્ષ્યને અનુરૂપ નથી. ભારત જ એકમાત્ર એવો દેશ છે જે 2.00 ડિગ્રીના લક્ષ્યની પ્રાપ્તિની નજીક છે. 
  • G20 દેશોએ વર્ષ 2030 સુધીમાં પોતાના ઉત્સર્જનનું પ્રમાણ અડધું કરવાનું રહેશે. 
  • દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયા G20ના એવા દેશ છે જે પ્રદૂષણકારી તત્વોનું સૌથી વધુ ઉત્સર્જન કરે છે, કેમ કે તેમને ત્યાં ઊર્જાના સાધન તરીકે અશ્મિભૂત ઈંધણનો સૌથી વધુ ઉપયોગ થાય છે. 
  • કેનેડા, ફ્રાન્સ, ઈટાલી અને બ્રિટને પોતાને ત્યાં ઊર્જાના ઉત્પાદનમાં કોલસાના ઉપયોગને તબક્કાવાર બંધ કરવાની તારીખો નક્કી કરી લીધી છે. 

પુનઃપ્રાપ્ય ઊર્જાની દિશામાં કદમ
G20ના એક પણ દેશ પાસે વર્ષ 2050 સુધી પુનઃપ્રાપ્ય ઊર્જા પર 100 ટકા નિર્ભર થવાનું એક પણ લક્ષ્ય નથી. પુનઃપ્રાપ્ય ઊર્જાનું લક્ષ્ય નક્કી કરવા અને તેના સંબંધિત નીતિનિર્માણ બાબતે આર્જેન્ટિના, બ્રાઝીલ, ફ્રાન્સ, જર્મની, જાપાન, દ.અમેરિકા અને બ્રિટન અગ્રણી દેશ છે. 

પેટ્રોલ-ડીઝલના ઉપોયગમાં ઘટાડો

  • પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવાની યોજનામાં ફ્રાન્સ, જાપાન અને બ્રિટન અગ્રણી દેશ છે, જ્યારે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સૌથી પાછળ છે. 
  • અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં માથાદીઠ પરિવહનના ઉત્સર્જનનું પ્રમાણ સૌથી વધારે છે. તેમને ત્યાં કારમાંથી ઉત્સર્જન સંબંધિત ધોરણ છે જ નહી કે પછી અપુરતા છે. 

બાંધકામ-ઔદ્યોગિક ક્ષેત્રે પ્રદૂષણ પર નિયંત્રણ

  • યુરોપિયન યુનિયન એકમાત્ર G20 અર્થતંત્ર છે, જેણે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવા માટે બાંધકામ ક્ષેત્ર સંબંધિત યોજના તૈયાર કરી છે. 
  • બાંધકામ ક્ષેત્રે સૌથી વધુ ઉત્સર્જન બાબતે કેનેડા અને જર્મની સૌથી આગળ છે, પરંતુ આ બંને પાસે નવી ઈમારતોને ઝીરો-એનર્જી બનાવવાના લક્ષ્ય છે. 
  • ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ યુરોપિયન સંઘ એકમાત્ર સંગઠન છે જેની પાસે પ્રદૂષણમાં ઘટાડો કરવા અંગેની નીતિઓ છે. ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્સર્જન બાબતે દ.આફ્રિકા, રશિયા અને ચીન સૌથી આગળ છે. 

પર્યાવરણ અનુકૂળ આર્થિક નીતિઓ
G20ના અનેક દેશોએ પોતાના આર્થતંત્રને પર્યાવરણ પ્રત્યે મૈત્રીપૂર્ણ બનાવવા, આર્થિક વ્યવસ્થાને નીચા કાર્બન ઉત્સર્જન તરફ લઈ જવા અને પર્યાવરણને અનુકૂળ વિકાસ નીતિઓ બનાવવા માટે તૈયારી કરી છે. સાથે જ અનેક દેશોએ 'બ્રાઉન ફાઈનાન્સિંગ'ને સુવ્યવસ્થિત રીતે અને તબક્કાવાર સમાપ્ત કરવાની દિશામાં પગલાં લીધાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news