આખરે ચીને સ્વીકાર્યું, ગલવાનમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયા હતા PLAના સૈનિકો

ભારત અને ચીન વચ્ચે સરહદ પર મે મહિનાથી જ તણાવની સ્થિતિ બનેલી છે. આ બધા વચ્ચે ચીન તરફથી હવે પહેલીવાર સ્વીકાર થયો છે કે ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં તેના સૈનિકોના પણ જીવ ગયા હતાં.

આખરે ચીને સ્વીકાર્યું, ગલવાનમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયા હતા PLAના સૈનિકો

નવી દિલ્હી: ભારત (India) ને ચીન (China) વચ્ચે સરહદ પર મે મહિનાથી જ તણાવની સ્થિતિ બનેલી છે. આ બધા વચ્ચે ચીન તરફથી હવે પહેલીવાર સ્વીકાર થયો છે કે ગલવાન ખીણ (galwan valley )માં થયેલા લોહિયાળ ઘર્ષણમાં તેના સૈનિકોના પણ મૃત્યુ થયા હતાં. આ અગાઉ ચીને આ વાત સ્વીકારી જ નહતી. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટરે સ્વીકાર્યું છે કે ગલવાન ખીણમાં ચીનની સેનાને નુકસાન પહોંચ્યું હતું અને કેટલાક જવાનોના જીવ ગયા હતાં. 

ગ્લોબલ ટાઈમ્સ (Global Times) ના એડિટર ઈન ચીફ હૂ શિજિને રક્ષામંત્રી રાજનાથ સિંહના એક નિવેદનને ટ્વીટ કરીને લખ્યું કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ગલવાન ખીણના સંઘર્ષમાં ચીની સેનામાં મૃતકોની સંખ્યા ભારતના 20ના આંકડાથી ઓછો હતો. એટલું જ ન હીં કોઈ પણ ચીની સૈનિક ભારતે બંધક બનાવ્યો નથી પરંતુ ચીને ભારતના સૈનિકોને બંધક બનાવ્યાં હતાં. 

અત્રે જણાવવાનું કે ગ્લોબલ ટાઈમ્સ ચીનના પીપલ્સ ડેઈલીનું અંગ્રેજી અખબાર છે. જે ચીનની સત્તાધારી પાર્ટી ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું જ પબ્લિકેશન છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ અંગે દેશને જાણકારી આપી ત્યારબાદ હવે ચીને આ વાતનો સ્વીકાર કર્યો છે. રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત તમામ નિયમો અને સમજૂતિઓનું પાલન કરે છે પરંતુ ચીન તરફથી વારંવાર તેનો ભંગ થાય છે. 

રક્ષામંત્રીએ કહ્યું કે લદાખમાં સ્થિતિ ગંભીર છે, પરંતુ ભારતની સેના કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. આ બાજુ ગલવાન ખીણના સંઘર્ષ પર તેમણે કહ્યું કે ચીનની નાપાક હરકતના કારણે ભારતના 20 જવાનો શહીદ થયા હતાં. પરંતુ ભારતીય જવાનોએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો. 

એટલું જ નહીં રક્ષામંત્રી રાજનાથે કડક શબ્દોમાં કહી દીધુ કે દુનિયાની કોઈ પણ તાકાત ભારતને પેન્ગોંગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા રોકી શકશે નહીં. નોંધનીય છે કે 15 જૂનના રોજ જ્યારે ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી ત્યારે ભારતીય સેનાએ તેમને રોક્યા. પરંતુ ચીની સૈનિકોએ દગો કરીને ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news