પાકિસ્તાનના પીએમ બન્યા પહેલા શાહબાઝ શરીફે ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો, જાણો શું કહ્યું

શાહબાઝ શરીફે કહ્યુ કે, અમે ભારતની સાથે શાંતિ ઈચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદનું સમાધાન થવા સુધી સંભવ નથી. શાહબાઝ શરીફ સોમવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવાના છે. 
 

પાકિસ્તાનના પીએમ બન્યા પહેલા શાહબાઝ શરીફે ઉઠાવ્યો કાશ્મીરનો મુદ્દો, જાણો શું કહ્યું

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) ના નેતા શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, અમે ભારતની સાથે શાંતિ ઈચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદના સમાધાન સુધી સંભવ નથી. શાહબાઝ શરીફ સોમવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવાના છે. મહત્વનું છે કે ઇમરાન ખાન પણ પોતાના કાર્યકાળ દરમિયાન કાશ્મીરનો રાગ ગાતા હતા.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં નવા પ્રધાનમંત્રીની પસંદગી સોમવારે થશે, જ્યારે નેશનલ એસેમ્બલી ઇમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પ્રધાનમંત્રી પદેથી હટાવ્યા બાદ ફરીથી બેઠક કરશે. સંયુક્ત વિપક્ષ તરફથી શાહબાઝ શરીફ પીએમ પદના ઉમેદવાર છે. શાહબાઝને પાકિસ્તાનની કમાન મળવી નક્કી છે. તો ઇમરાન ખાનની વિજાય બાદ પીટીઆઈ તરફથી શાહ મહમૂદ કુરૈશી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. 

ઉલ્લેખનીય છે કે દેશના 22માં પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવી દેવામાં આવ્યા છે અને તે પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ પ્રધાનંત્રી બની ગયા છે. તેમણે 18 ઓગસ્ટ 2018ના પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમનો 10 એપ્રિલ 2022 સુધી 1332 દિવસનો કાર્યકાળ રહ્યો. ક્રિકેટરથી નેતા બનેલા ખાન ત્રણ વર્ષ સાત મહિના અને 23 દિવસ પ્રધાનમંત્રી પદે રહ્યા, જે મહિના પ્રમાણે 43 મહિના અને 23 દિવસનો સમય છે. વર્તમાન ગૃહનો કાર્યકાળ ઓગસ્ટ 2023 સુધીનો છે. 

342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન સમાજવાદી, ઉદારવાદી અને કટ્ટર ધાર્મિક દળોના સંયુક્ત વિપક્ષને 174 સભ્યોનું સમર્થનમળ્યું હતું, જે પ્રધાનમંત્રીને સત્તાથી બહાર કરવા માટે જરૂરી 172ના આંકડા કરતા વધુ હતું. પાકિસ્તાના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પ્રધાનમંત્રી પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news