બાંગ્લાદેશ: શેખ હસીનાની પાર્ટીએ વિરોધીઓના સૂપડાં સાફ કર્યાં, ફરી બનશે વડાપ્રધાન
હસિનાની પાર્ટી અવામી લીગના નેતૃત્વવાળું ગઠબંધન જે 298 બેઠકોના પરિણામ જાહેર થયા તેમાંથી 287 બેઠકો પર જીત્યું છે. બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી માત્ર 6 બેઠકો પર જીતી છે.
Trending Photos
ઢાકા: બાંગ્લાદેશમાં રવિવારે થયેલી સામાન્ય ચૂંટણીના પરિણામ આવ્યાં છે. 300 સભ્યોના સદન માટેની આ ચૂંટણીમાં સોમવારે વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં 298 બેઠકોના પરિણામો જારી થયાં. જેમાં હસિનાની પાર્ટી અવામી લીગના નેતૃત્વવાળું ગઠબંધન જે 298 બેઠકોના પરિણામ જાહેર થયા તેમાંથી 287 બેઠકો પર જીત્યું છે. બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી માત્ર 6 બેઠકો પર જીતી છે. આ ચૂંટણીમાં આવામી લીગની મુખ્ય સહયોગી જાતીય પાર્ટીએ 20 બેઠકો જીતી છે. ચૂંટણીમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા છે. જ્યારે વિપક્ષે ધાંધલીના આરોપ લગાવતા ફરીથી ચૂંટણી કરાવવાની માગણી પણ કરી છે.
બીડી ન્યૂઝ ડોટ 24ના અહેવાલ મુજબ આજે વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં આવેલા પરિણામો મુજબ 298 બેઠકોના પરિણામો જાહેર કરાયા. જેમાંથી 287 બેઠકો પર હસીનાની પાર્ટી આવામી લીગ અને સહયોગી પક્ષોએ જીત મેળવી છે. મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ને માત્ર બે જ સીટ મળી છે. ચૂંટણી પંચે જો કે અત્યાર સુધીમાં માત્ર એક જ બેઠક ગોપાલગંજના પરિણામની પુષ્ટિ કરી છે. જ્યાં હસીનાને 2,29,539 મતો મળ્યા છે. જ્યારે વિરોધી બીએનપીના ઉમેદવારને માત્ર 123 મતો મળ્યાં છે. હારને ભાળી જતા બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષી એનયુએફ ગઠબંધને પરિણામને ફગાવ્યાં છે તથા નિષ્પક્ષ કાર્યવાહક સરકાર હેઠળ ફરીથી ચૂંટણી કરાવવાની માંગણી કરી છે. એનયુએફમાં મુખ્ય પક્ષ બીએનપી છે.
299 બેઠકો માટે થઈ હતી ચૂંટણી
ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ 300 સંસદીય બેઠકોમાંથી 299 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ માટે 1848 ઉમેદવારો મેદાનમાં હતાં. એક ઉમેદવારના નિધનના કારણે એક બેઠક પર ચૂંટણી યોજાઈ નહીં. હસીના ચોથીવાર વડાપ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહ્યાં હતાં. જ્યારે ઢાકા જેલમાં બંધ તેમના કટ્ટર વિરોધી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના પ્રમુખ ખાલિદા જીયાનું ભવિષ્ય અધ્ધરતાલે જોવા મળી રહ્યું છે. સૂચનાઓ મુજબ જીયા આંશિક રીતે લકવાગ્રસ્ત છે.
17 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ
મતદાન સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગે શરૂ થયું હતું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું. ચૂંટણી પંચના એક પ્રવક્તાએ જણાવ્યું કે આઠ કલાક સુધી ચાલેલી મતદાનની પ્રક્રિયા નક્કી કાર્યક્રમ મુજબ પૂરી થઈ. ડેલી સ્ટાર અખબારના અહેવાલ મુજબ ચૂંટણી સંબંધિત હિંસામાં એક સુરક્ષા કર્મી સહિત ઓછામાં ઓછા 17 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલ છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે