બાંગ્લાદેશના પ્રસિદ્ધ મંદિરમાંથી કાલીમાતાના મુગટની ચોરી, PM મોદીએ ભેટમાં આપ્યો હતો
રિપોર્ટ મુજબ આ મુગટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2021માં પોતાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન લીધેલી મંદિરની મુલાકાત સમયે ગિફ્ટ કર્યો હતો. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.
Trending Photos
બાંગ્લાદેશમાં આ વખતે દુર્ગા પૂજા સમયે હિન્દુ સમુદાય ખુબ ડરેલો છે. આકરી સુરક્ષા વચ્ચે મંદિરો અને પંડાલોમાં દુર્ગા પૂજાની ઉજવણી થઈ રહી છે. આ બધા વચ્ચે સતખીરા જિલ્લાના શ્યામનગરમાં આવેલા પ્રસિદ્ધ જશોરેશ્વરી મંદિરથી કાલી માતાનો મુગટ ચોરાયો છે. ધ ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ આ મુગટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2021માં પોતાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન લીધેલી મંદિરની મુલાકાત સમયે ગિફ્ટ કર્યો હતો. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.
જુઓ વીડિયો..
Bangladesh: CCTV footage shows a thief stealing the crown of Kali Mata from Jeshoreshwari Kali Temple in Satkhira, which was gifted by Indian PM Modi in 2021. The temple is a significant Hindu Shakti Peeth. https://t.co/NVVG2ZD9AY pic.twitter.com/wY6dyK9746
— Sidhant Sibal (@sidhant) October 11, 2024
પૂજારીના જતા જ ચોરાઈ ગયો
ગુરુવારે બપોરે 2 થી 2.30 વચ્ચે મંદિરમાંથી મુગટની ચોરી થઈ ગઈ. તે સમયે મંદિરના પૂજારી દિલીપ મુખર્જી દિવસની પૂજા બાદ જતા રહ્યા હતા. બાદમાં સફાઈ કર્મચારીઓએ જોયુ કે દેવીમાતાના માથેથી મુગટ ગાયબ હતો. શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તાઈજુલ ઈસ્લામે જણાવ્યું કે ચોરની ઓળખ માટે મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
ચોરાઈ ગયેલો મુગટ ચાંદીનો છે અને તેના પર સોનાનો વરખ લગાડેલો છે. તે સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે ખુબ મહત્વપૂર્ણ છે. હિન્દુ માન્યતા મુજબ જશોરેશ્વરી મંદિર ભારત અને પાડોશી દેશોમાં ફેલાયેલી 51 શક્તિપીઠોમાંથી એક છે. જશોરેશ્વરી નામનો અર્થ જશોરના દેવી એમ થાય છે.
2021માં બાંગ્લાદેશ ગયા હતા પીએમ મોદી
પીએમ મોદી બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન 27 માર્ચ 2021ના રોજ જશોરેશ્વરી મંદિર ગયા હતા. તે વખતે તેમણે માતાને મુગટ પહેરાવ્યો હતો. સવારે 10 વાગે પીએમ મોદીએ મંદિરની પોતાની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જે કોવિડ-19 મહામારી બાદ પહેલો વિદેશ પ્રવાસ હતો.
At the Jeshoreshwari Kali Temple. pic.twitter.com/XsXgBukg9m
— Narendra Modi (@narendramodi) March 27, 2021
51 પીઠોમાંથી એક
જશોરેશ્વરી મંદિર કાલીમાતાને સમર્પિત છે. આ મંદિર સતખીરાના ઈશ્વરપુર ગામમાં છે. એવું કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં અનારી નામના એક બ્રાહ્મણે કર્યું હતું. તેમણે જશોરેશ્વરી પીઠ (મંદિર) માટે 100 દરવાજાવાળું મંદિર બનાવ્યું. ત્યારબાદ 13મી સદીમાં લક્ષ્મણ સેને તેનું નવીનીકરણ કર્યું. રાજા પ્રતાપાદિત્યએ 16મી સદીમાં આ પ્રસિદ્ધ મંદિરનું પુર્નનિર્માણ કરાવ્યું.
હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ 51 પીઠોમાંથી ઈશ્વરપુરનું મંદિર એ સ્થાન છે જ્યાં દેવી સતીના પગની હથેળીઓ અને તાળવા પડ્યા હતા. અહીં દેવી જશોરેશ્વરીના સ્વરૂપમાં નિવાસ કરે છે.
ભારતે જતાવી ચિંતા
આ ઘટના પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. ઢાકામાં ભારતીય ઉચ્ચાયોગે નિવેદન જારી કરતા તેના પર ચિંતા વ્યક્ત કરી. ઉચ્ચાયોગે મુગટને પાછો મેળવીને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે. બીજી બાજુ પોલીસનું પણ કહેવું છે કે અપરાધીની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ ફંફોળવામાં આવી રહ્યા છે. જલદી ચોરને પકડી લેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે