હાથરસ દુર્ઘટના વચ્ચે લંડનમાં આ 'ઢોંગીબાબા'નો થયો પર્દાફાશ, મહિલાઓને વાસનાનો શિકાર બનાવતો

Baba Rajinder Kalia: હાથરસમાં સ્વયંભૂ સંત ભોલેબાબાના સત્સંગમાં ભાગદોડ મચતા 121 જેટલા શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા. પોલીસ હાલ બાબાને શોધી રહી છે ત્યાં આ બધા વચ્ચે લંડનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.

હાથરસ દુર્ઘટના વચ્ચે લંડનમાં આ 'ઢોંગીબાબા'નો થયો પર્દાફાશ, મહિલાઓને વાસનાનો શિકાર બનાવતો

હાથરસમાં સ્વયંભૂ સંત ભોલેબાબાના સત્સંગમાં ભાગદોડ મચતા 121 જેટલા શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા. પોલીસ હાલ બાબાને શોધી રહી છે ત્યાં આ બધા વચ્ચે લંડનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ભારતીય મૂળના બાબા જે પોતાને ઈંગ્લેન્ડમાં ધાર્મિક સમાજના મુખ્ય પૂજારી તરીકે ગણાવે છે. 68 વર્ષના આ બાબાનું નામ રાજિન્દર કાલિયા છે. આ બાબા પર મહિલાઓએ યૌન ઉત્પીડન અને ઠગાઈનો આરોપ લગાવ્યો છે તથા લગભગ 85 કરોડ ( 8 મિલિયન પાઉન્ડ) જેટલું વળતર માંગ્યું છે. 

મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે રાજિન્દર કાલિયાબાબાએ તેમની પાસે પગાર વગર કામ કરાવ્યું છે. 4 મહિલાઓએ બાબા પર અનેક વર્ષ સુધી રેપ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. રાજિન્દર પર આરોપ લગાવનારી મહિલાઓ પણ ભારતીય મૂળની છે. આ મહિલાઓનું કહેવું છે કે તેઓ પોતાને ભગવાનનો અવતાર ગણાવે છે. બાબા ઉપદેશ આપવાની સાથે અનેક પ્રકારના ચમત્કાર પણ કરે છે અને બીમારીથી સાજા કરવાનો દાવો કરે છે. 

નાની બાળકીઓ પર ખરાબ નજર?
સ્વયંભૂ કથિત ભગવાન રાજિન્દર કાલિયા પંજાબનો રહિશ છે. તે લંડન કમાવવા ગયો હતો પરંતુ ત્યાં તેણે ધર્મની આડમાં ધંધો શરૂ કરી દીધો. તે પોતાના ચમત્કારોની મદદથી અનેક પ્રકારની બીમારીઓ ઠીક કરવાનો દાવો કરવા લાગ્યો અને લોકો તેની ચુંગલમાં ફસાવવા પણ લાગ્યા. કેટલાક લોકો તેને ભગવાનનો અવતાર માનવા લાગ્યા. કાલિયા પર આરોપ લગાવનારી મહિલાઓનું કહેવું છે કે બાબાનો આંચળો ઓઢેલા આ ઢોંગી તેમનું બાળપણથી શોષણ કરતો હતો. 

રોયલ કોર્ટ ઓફ  જસ્ટિસમાં ચાલશે કેસ
હવે આ મામલો લંડનની કોર્ટમાં પહોંચ્યો છે. રાજિન્દ કાલિયાના અનુયાયી રહી ચૂકેલી આ મહિલાઓનો એ પણ આરોપ છે કે બાબા ખુબ પ્રભાવશાળી છે. બળાત્કારના કેસને દબાવવા માટે તેમણે મિડલેન્ડ્સ પોલીસને લાંચ પણ આપી, જેના કારણે પોલીસે તપાસ કરવાનું બંધ કરી દીધુ. રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જસ્ટિસ માર્ટિન સ્પેન્સરની કોર્ટમાં રાજિન્દર કાલિયા પર કેસ શરૂ થઈ ચૂક્યો છે. આ મામલામાં આગામી મહિના સુધીમાં ચુકાદો આવવાની આશા છે.

રાજિન્દર પર બેલ ગ્રીન સ્થિત બાબા બાલક નાથ મંદિરમાં 4 વર્ષના બાળકને પોતાના વશમાં કરવાનો પણ આરોપ છે. રાજિન્દર કાલિયાએ પોતાની સફાઈમાં કહ્યું કે મારા વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આમ છતાં કોઈ કોર્ટમાં જવા માંગતા હોય તો તે તેમનો હક છે. સચ્ચાઈ જલદી સામે આવી જશે. 

એ પણ સાચુ છે કે ભારતને સાધુ સંતો, બાબાઓ અને આધ્યાત્મિક ચેતનાથી ઓતપ્રોત સંતોની ભૂમિ ગણવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આવા જ સંતોના ભગવા ચોળાની આડમાં એવા કામો કરે છે કે લોકોનો આવા બાબાઓ પરથી વિશ્વાસ હલી જાય છે. લગભગ 10 વર્ષ પહેલા સપ્ટેમ્બર 2014માં અખિલ ભારતીય અખાડા પરિષદે પોતે ફેક બાબાઓની યાદી જાહેર કરીને તેમને ઢોંગી ગણાવ્યા હતા. અખાડા પરિષદની યાદીમાં બળાત્કારી બાબા ગુરમીત રામ રહીમ, આસારામ ઉર્ફે આશુમલ શિમાની, આસારામનો પુત્ર નારાયણ સાઈ, સુખવિંદર કૌર ઉર્ફે રાધે મા, નિર્મલબાબા ઉર્ફે નિર્મલજીત સિંહ સહિત અનેક નામ હતા. અખિલ ભારતીય અખાડા પરિષદની કાર્યકારિણીમાં આ તમામનો દેશવ્યાપી બહિષ્કાર કરવાની અપીલ કરાઈ હતી. યાદીમાં સચિદાનંદ ગિરિ ઉર્ફે સચિન દત્તા, ઓમબાબા ઉર્ફે વિવેકાનંદ ઝા, ઈચ્છાધારી ભીમાનંદ ઉર્ફે શિવમૂર્તિ દ્વિવેદી, સ્વામી અસીમાનંદ, કુશ મુનિ, બૃહસ્પતિ ગિરિ, વૃહસ્પતિ ગિરિ અને મલકાન ગિરિના પણ નામ હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news