વર્લ્ડકપ 2019: આફ્રિકાનો 49 રને પરાજય, પાકિસ્તાનની સેમીફાઇનલની આશા જીવંત

લોર્ડ્સના મેદાનમાં રમાયેલી આઈસીસી વિશ્વકપ 2019ની 30મી મેચમાં પાકિસ્તાને આફ્રિકાને 49 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખી છે. 

વર્લ્ડકપ 2019: આફ્રિકાનો 49 રને પરાજય, પાકિસ્તાનની સેમીફાઇનલની આશા જીવંત

લંડનઃ આઈસીસી વિશ્વકપ-2019ની 30મી મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 49 રને પરાજય આપીને પોતાની સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 308 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આફ્રિકાની ટીમ રન બનાવી 50 ઓવરમાં 9 વિકેટે 259 રન બનાવી શકી હતી. પાકિસ્તાનનો આ ટૂર્નામેન્ટમાં બીજો વિજય છે. તેના કુલ 5 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં સાતમાં સ્થાને પહોંચી ગયું છે. તેની હજુ ત્રણ મેચ બાકી છે અને સેમીફાઇનલની આશા જીવંત છે. દક્ષિણ આફ્રિકાનો આ સાતમી મેચમાં પાંચમો પરાજય છે. તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આફ્રિકાએ માત્ર એક મેચમાં જીત મેળવી છે અને તે ત્રણ પોઈન્ટ સાથે ટેબલમાં નવમાં સ્થાને છે. 

અમલા ફરી ફ્લોપ
દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાનું આ વિશ્વકપમાં ફોર્મ ખરાબ રહ્યું છે. આજે પણ તે માત્ર 2 રન બનાવી મોહમ્મદ આમિરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ડી કોક અને ફાફ ડુ પ્લેસિસે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 91 રન હતો ત્યારે ડી કોક (47)ને શાદાબ ખાને ઇમામના હાથે કેચ કરાવીને આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો. ડી કોકે 60 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

ટૂર્નામેન્ટમાં ફાફની બીજી અડધી સદી
સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે આ વિશ્વકપમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. ફાફ 79 બોલમાં 5 ચોગ્ગા સાથે 63 રન બનાવી આમિરનો શિકાર બન્યો હતો. એડન માર્કરમ (7)ને શાદાબ ખાને બોલ્ડ કર્યો હતો. 

ત્યારબાદ રુસી વાન ડર ડુસેને મિલર સાથે મળીને પાંચમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. ડુસેન 36 રન બનાવી શાદાબની ઓવરમાં હફિઝના હાથે કેચઆઉટ થયો હતો. ડેવિડ મિલર (31)ને શાહિન આફ્રિદીએ બોલ્ડ કરીને આફ્રિકાની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. ત્યારબાદ મોરિસ (16) અને રબાડા (3)ને વહાબ રિયાઝે બોલ્ડ કર્યાં હતા. ફેહલુકવાયો 46 રન બનાવી અણનમ રહ્યો હતો. 

પાકિસ્તાન તરફથી વહાબ-શાદાબની ત્રણ-ત્રણ વિકેટ
પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝે 10 ઓવરમાં 46 રન આપીને ત્રણ તથા શાદાબ ખાને 10 ઓવરમાં 50 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ આમિરને બે તથા શાહિન આફ્રિકાને એક સફળતા મળી હતી. 

લુંગી એનગિડીએ 3 વિકેટ ઝડપી 
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ પર 307 રન બનાવ્યા. તેના માટે હારિસ સોહેલે સૌથી વધુ 89 રન ફટકાર્યા હતા. બાબર આઝમે 69 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકા માટે લુંગી એનગિડીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. ઇમરાન તાહિરે બે, એન્ડિલે ફેહલુકવાયો અને એડન માર્કરમે 1-1 વિકેટ લીધી હતી. 

હારિસે વસીમ અને બાબરની સાથે અડધી સદીની કરી ભાગીદારી 
હારિસે કરિયરની 11મી અડધી સદી ફટકારી હતી. તેણે ઇમાદ વસીમની સાથે પાંચમી વિકેટ માટે 71 રન જોડ્યા હતા. બાબર આઝમે આ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી અડધી સદી ફટકારી હતી. તે ફેહલુકવાયોની ઓવરમાં આઉટ થયો હતો. તેણે હારિસ સોહેલ સાથે ચોથી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી. ઇમાદ (23)ને એનગિડીએ આઉટ કર્યો હતો. 

ફખર ઝમાન અને ઇમામ ઉલ હકે અપાવી શાનદાર શરૂઆત
પાકિસ્તાનને બંન્ને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 81 રન જોડ્યા હતા. ફખર જમાન 44 રન બનાવી તાહિરનો શિકાર બન્યો હતો. ઇમામ ઉલ હક (44)ને પણ તાહિરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મોહમ્મદ હાફીઝે 20 રન બનાવ્યા હતા. તેને એડન માર્કરમે LBW આઉટ કર્યો હતો. તેણે બાબર આઝમ સાથે ત્રીજી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news