વિવો પ્રો કબડ્ડી લિગ સિઝન-6: હરિયાણાને 40-31થી હરાવી ગુજરાત ટાઈટલ માટે ફેવરિટ
14 મેચમાં 10 વિજય સાથે ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ ગ્રૂપ-એમાં પહોંચી ટોચ પર, ઘર આંગણે ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સની આજે છેલ્લી મેચ હતી
Trending Photos
અમદાવાદઃ ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે વિવો પ્રો કબડ્ડી લિગ સિઝન-6ની તેની ઘરઆંગણાની છેલ્લી મેચમાં હરિયાણા સ્ટીલર્સને 40-31થી સરળતાથી હરાવી દીધું હતું. આ વિજય સાથે જ ટીમ તેની 14 મેચમાં 10મા વિજય સાથે સ્પર્ધામાં ટોચ પર રહેલી યુ મુંબાને એક પોઈન્ટથી પાછળ રાખીને ઝોન-એમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. હરિયાણાની ટીમનો આ 14મી મેચમાં 9મો પરાજય હતો અને તે ઝોન-એમાં પાંચમા સ્થાને છે.
ગુરૂવારે અમદાવાદના એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાયેલી હરિયાણા સ્ટીલર્સ સામેની મેચ શરૂ થાય એ પહેલાં જ સ્ટેડિયમ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. યજમાન ટીમની ઘરઆંગણાની છેલ્લી મેચ હોવાથી દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટીમના ખેલાડી મહેન્દ્ર રાજપૂતે પહેલી જ રેડમાં 3 પોઈન્ટ સાથે ટીમ માટે સારી શરૂઆત કરી હતી.
યજમાન ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી અને હરિયાણાને એક પણ તક આપી ન હતી. હરિયાણાની ટીમ ગુજરાતની ટીમના આક્રમણ સામે સાવ નબળી જણાતી હતી. રમતની પ્રારંભિકની 10 મિનિટમાં જ પ્રવાસી ટીમ ઓલ આઉટ થઈ જતાં યજમાન ટીમે 11-4થી સરસાઈ મેળવી લીધી હતી.
ત્યાર પછી પણ ગુજરાતના ખેલાડીઓ મેચને જરાયે હળવાશથી લેવા તૈયાર ન હોય એમ રમત પરની પકડ જાળવવા ઉપરાંત હરિયાણાની ટીમની દરેક નબળાઈઓનો લાભ ઊઠાવતા પોઈન્ટ અંકે કર્યા હતા. હરિયાણાની ટીમે એ પછી યજમાન ટીમ સામે ઝિંક ઝિલવા તેની રમતમાં સુધારો કરતા કેટલાક પોઈન્ટ મેળવ્યા પરંતુ તે યજમાન ટીમ પર દબાણ બનાવવામાં સફળ રહી ન શકી.
હરિયાણાની ટીમના ખેલાડીઓ એક પછી એક ભૂલ કરતા રહ્યા જેનો યજમાન ટીમે લાભ ઊઠવ્યો અને હાફ ટાઈમ સુધી 21-15થી પોઈન્ટથી સરસાઈ મેળવી લીધી હતી. આ તબક્કે હરિયાણાની ટીમ ગુજરાતની સરખામણીએ રમતના તમામ પાસામાં પાછળ રહી હતી. ગુજરાતના રેડના 13ની સામે હરિયાણાના 10 પોઈન્ટ, ટેકલના 6ની સામે હરિયાણાના બે, જ્યારે ગુજરાતે ઓલઆઉટના 2 અને એકસ્ટ્રા 3 પોઈન્ટ મેળવી રમત પર દબદબો સ્પષ્ટ રીતે બતાવી આપ્યો હતો.
હાફ ટાઈમ બાદ હરિયાણાની ટીમે એક પોઈન્ટ ગુમાવ્યા બાદ કે.પ્રાંપંજનની રેડ નિષ્ફળ બનાવીને બે પોઈન્ટ મેળવીને વળતી લડતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ રમતમાં સાતત્ય જાળવી શક્યા ન હતા. એની સામે ગુજરાતના ખેલાડીઓની રમત પણ આ સમયે થોડી સુસ્ત જોવા મળતાં તેઓએ કેટલાક પોઈન્ટ ગુમાવતા યજમાન ટીમની સરસાઈ ઓછી થઈ હતી.
જોકે, ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ પ્રતિસ્પર્ધી ટીમને કોઈ તક જ આપવા ન માગતા હોઈ પ્રવાસી ટીમને બીજી વખત ઓલઆઉટ કરવા સાથે 29-19થી સરસાઈ મેળવ્યા બાદ પણ આક્રમણ ચાલુ રાખ્યું હતું. ટીમ તેની સરસાઈ સરળતાથી આગળ વધારે એ પહેલાં મહેન્દ્ર રાજપૂતને ઈજા થતાં તેની રેડ નિષ્ફળ ગઈ હતી અને ગુજરાતે પોઈન્ટ ગુમાવવા સાથે તેના સ્ટાર ખેલાડીએ પણ મેદાન બહાર જવું પડ્યું હતું.
ટીમના વિજય બાદ ગુજરાતના કોચ મનપ્રિત સિંહે જણાવ્યું કે, પ્રતિસ્પર્ધી ટીમને જોતા ટીમમાં કેટલાક ફેરફાર કર્યા હતા. ટીમે ખૂબજ સારો દેખાવ કર્યો જેનો સંતોષ છે. તેણે પરવેશની રમતની પ્રશંસા કરી હતી. મેચ દરમિયાન મહેન્દ્ર રાજપૂતને થયેલી ઈજા સંદર્ભે મનપ્રિતે કહ્યું કે, તેનો એમઆરઆઈ કરાશે પરંતુ આશા છે કે તેને ગંભીર ઈજા પહોંચી નહીં હોય. હરિયાણાના કોચ રામબીર સિંહે નિખાલસપણે કબુલ્યું હતું કે, યજમાન ટીમ તેમના કરતા ખૂબ જ મજબૂત હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે