IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદે રોક્યો ગુજરાતનો વિજય રથ, 8 વિકેટે હરાવ્યું

આખરે આઈપીએલ-2022માં ગુજરાત ટાઈટન્સે હારનો સામનો કરવો પડ્યો છે. સતત ત્રણ જીત બાદ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પોતાની પ્રથમ મેચ રમવા પહોંચેલી ગુજરાતને હૈદરાબાદે 8 વિકેટે હરાવ્યું છે. 
 

IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદે રોક્યો ગુજરાતનો વિજય રથ, 8 વિકેટે હરાવ્યું

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ની 21મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટમાં પ્રથમવાર પરાજયનો સામનો કરવો પડ્યો છે. સતત ત્રણ મેચ જીતીને આવેલી ગુજરાતનો વિજય રથ હૈદરાબાદે રોકી દીધો હતો. ગુજરાતનો ચાર મેચમાં આ પ્રથમ પરાજય છે. જ્યારે હૈદરાબાદે પ્રથમ બે હાર બાદ સતત બે જીત મેળવી છે. 
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે કેપ્ટન હાર્દિક પંડ્યાની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદની ટીમે 19.1 ઓવરમાં 2 વિકેટે 168 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

કેન વિલિયમસને અડધી સદી ફટકારી
સનરાઇઝર્સ હૈદરાબાદને બંને ઓપનર અભિષેક શર્મા અને કેન વિલિયમસને સારી શરૂઆત અપાવી હતી. અભિષેક શર્મા 32 બોલમાં 6 ચોગ્ગા સાથે 42 રન બનાવી આઉટ થયો હતો. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન કેન વિલિયમસને 46 બોલનો સામનો કરતા 4 સિક્સ અને 2 ચોગ્ગા સાથે 57 રન બનાવ્યા હતા. 

તો રાહુલ ત્રિપાઠી 11 બોલમાં 17 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. નિકોસન પૂરન 18 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે 34 અને એડન માર્કરમ 18 રન બનાવી અણનમ રહ્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાન અને હાર્દિક પંડ્યાને એક-એક વિકેટ મળી હતી.  

ગુજરાતના ટોપ ઓર્ડરનો ધબડકો
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની શરૂઆત ખરાબ રહી હતી. શાનદાર ફોર્મમાં રહેલ શુભમન ગિલ ઈનિંગની ત્રીજી ઓવરમાં માત્ર 7 રન બનાવી ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સાઈ સુદર્શન 11 રન બનાવી ટી નટરાજનની ઓવરમાં આઉટ થયો હતો. ગુજરાતે પાવરપ્લેમાં 2 વિકેટે 51 રન બનાવ્યા હતા. 

મેથ્યૂ વેડે કર્યા નિરાશ
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટર મેથ્યૂ વેડે ગુજરાત ટાઈટન્સના ફેન્સને નિરાશ કર્યા છે. સતત ચોથી મેચમાં મેથ્યૂ વેડ મોટી ઈનિંગ રમી શક્યો નહીં. વેડ 19 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. ઉમરાન મલિકે વેડને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ડેવિડ મિલર પણ માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો. 

હાર્દિક પંડ્યાની અડધી સદી
હાર્દિક પંડ્યાએ આ સીઝનની પ્રથમ અને પોતાના આઈપીએલ કરિયરની પાંચમી અડધી સદી ફટકારી હતી. હાર્દિક 42 બોલમાં 4 ફોર અને 1 સિક્સ સાથે 50 રન બનાવી અણનમ રહ્યો હતો. અભિનવ મનોહરે 21 બોલમાં 5 ફોર અને 1 સિક્સ સાથે 35 રન બનાવ્યા હતા. તેવતિયા 6 રન બનાવી રનઆઉટ થયો હતો. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજને બે-બે તથા મલિક અને માર્કો જેનસને એક-એક વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news