બીજી ઈનિંગમાં પણ સ્મિથની સદી, વિરાટ કોહલી અને તેંડુલકર જેવા દિગ્ગજોને છોડ્યા પાછળ

સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 147 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાના ટેસ્ટ કરિયરની 25મી સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથ વિશ્વનો બીજો એવો ક્રિકેટર બની ગયો છે, જેણે ઓછી ઈનિંગમાં 25 ટેસ્ટ સદી પૂરી કરી લીધી છે.
 

બીજી ઈનિંગમાં પણ સ્મિથની સદી, વિરાટ કોહલી અને તેંડુલકર જેવા દિગ્ગજોને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન અને મિડલ ઓર્ડર બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પણ સદી ફટકારી છે. સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર બીજી ઈનિંગમાં સદી ફટકારીને વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. 

સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 147 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાના ટેસ્ટ કરિયરની 25મી સદી ફટકારી હતી. સ્ટીવ સ્મિથ વિશ્વનો બીજો એવો ક્રિકેટર બની ગયો છે, જેણે ઓછી ઈનિંગમાં 25 ટેસ્ટ સદી પૂરી કરી લીધી છે. સ્ટીવ સ્મિથે 65મી ટેસ્ટ મેચની 119મી ઈનિંગમાં 25 સદી પૂરી કરી છે. આ મામલામાં નંબર વન પર સર ડોન બ્રેડમેન છે, જેમના નામે 59 ટેસ્ટ ઈનિંગમાં 25 સદી ફટકારવાનો રેકોર્ડ છે. 

સ્ટીવ સ્મિથે જ્યં 119મી ઈનિંગમાં પોતાની 25મી ટેસ્ટ સદી પૂરી કરી છે. તો વિરાટ કોહલીએ 127 ઈનિંગમાં પોતાના ટેસ્ટ કરિયરની 25મી સદી ફટકારી હતી. તે હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં ચોથા સ્થાને સચિન તેંડુલકર છે, જેણે 130 ઈનિંગમાં 25 ટેસ્ટ સદી પૂરી કરી હતી. 

16 મહિના બાદ ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા સ્ટીવ સ્મિથના ફોર્મને જોતા એક ક્ષણ પણ એવું લાગી રહ્યું નથી કે તે આટલા મહિના બાદ રેડ બોલ ક્રિકેટ રમી રહ્યો છે. માર્ચ 2018મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ બાદ સ્ટીવ સ્મિથ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તે સમયે સ્મિથ ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન હતો. 

એક વર્ષથી વધુ સમય સુધી ટેસ્ટ ક્રિકેટથી દૂર રહ્યાં છતાં સ્ટીવ સ્મિથ આઈસીસીના હાલના ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. વાપસી બાદ પ્રથમ ટેસ્ટ મેચથી અંદાજ લગાવી શકાય છે કે સ્ટીવ સ્મિથ કેટલો દમદાર ખેલાડી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સ્ટીવ સ્મિથની આ દસમી ટેસ્ટ સદી છે. 

આ મેચની પ્રથમ ઈનિંગમાં સ્મિથે આઉટ થતાં પહેલા 219 બોલમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 144 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમના ટોપ ઓર્ડરનો ધબડકો થયા બાદ તેણે ટીમને સંભાળી હતી. આ રીતે સ્મિથે બીજી ઈનિંગમાં પણ ટીમને મહત્વની લીડ અપાવી છે. 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 25 સદી

સર ડોન બ્રેડમેન - 68 ઈનિંગ

સ્ટીવ સ્મિથ - 119 ઈનિંગ

વિરાટ કોહલી - 127 ઈનિંગ

સચિન તેંડુલકર - 130 ઈનિંગ

એશિઝ સિરીઝમાં એક ટેસ્ટમાં બંન્ને ઈનિંગમાં સદી ફટકારનાર સ્ટીવ સ્મિથ સાતમો ખેલાડી બની ગયો છે. સ્ટીવ સ્મિથ પહેલા વૈરેન બાર્ડસ્લેએ 1909મા, હરબર્ટ સુટક્લિફેએ 1929મા, વૈલી હેમંડે 1929મા, ડેનિસ કોમ્પટને 1947મા, અર્થર મોરિસે 1947મા, સ્ટીવ વોએ 1997મા, હેડને 2002 અને સ્ટીવ સ્મિથે 2019મા એક એશિઝના એક ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં સદી ફટકારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news