Bwf World Championships 2021: વર્લ્ડ ચેમ્પિયનશિપઃ હારીને પણ શ્રીકાંતે રચ્યો ઈતિહાસ, સિલ્વર મેડલ જીત્યો

ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતે (Kidambi Srikanth) બીડબ્લ્યૂએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ (BWF World Championships) માં સિલ્વર મેડલ પોતાના નામે કરતા ઈતિહાસ રચી દીધો. તે આમ કરનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર છે. 

Bwf World Championships 2021: વર્લ્ડ ચેમ્પિયનશિપઃ હારીને પણ શ્રીકાંતે રચ્યો ઈતિહાસ, સિલ્વર મેડલ જીત્યો

હુએલવા (સ્પેન): ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતે (Kidambi Srikanth) BWF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં (BWF World Championships) ઈતિહાસ રચી દીધો છે. તેણે ટૂર્નામેન્ટનો સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આમ કરનાર તે પ્રથમ ભારતીય શટલર બન્યો છે. ફાઇનલ મુકાબલામાં તેની ટક્કર લોહ કિન યેવ (Loh Kean Yew) સામે થઈ, જેમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. લોહે 21-15 અને 22-20થી મેચ પોતાના નામે કરી છે. 

પ્રથમ ગેમઃ સિંગાપુરના શટલરે મારી બાજી
પૂર્વ વર્લ્ડ નંબર વન ભારતીય શટલરે પ્રથમ ગેમમાં શાનદાર શરૂઆત કરી અને 9-7ની લીડ બનાવી લીધી. પરંતુ સિંગાપુરના શટલરે વાપસી કરી અને મુકાબલો 11-11ની બરોબરી પર લાવી દીધો હતો. અહીંથી બંને વચ્ચે એક-એક પોઈન્ટ માટે સંઘર્ષ જોવા મળ્યો હતો. 12-12, 13-13 સુધી મોટી મોટી રેલી અને અનેક સ્મેશ લાગ્યા. પરંતુ અહીંથી કિન યેવે જે લીડ બનાવી હતી. તેણે 16-13 અને પછી 20-15ની લીડ બનાવતા 21-15થી ગેમ પોતાના નામે કરી હતી. આ ગેમ 16 મિનિટ સુધી ચાલી હતી. 

બીજી ગેમનો રોમાંચ, લડીને હાર્યો શ્રીકાંત
બંને શટલરો વચ્ચે બીજી ગેમમાં દમદાર ટક્કર જોવા મળી. એક સમયે સ્કોર 4-4થી બરોબરી પર હતો, પરંતુ શ્રીકાંતે બે પોઈન્ટ લઈને 6-4ની લીડ મેળવી લીધી હતી. લોહે વાપસી કરતા પહેલા 9-9થી સ્કોર બરાબર કર્યો અને પછી 12-9ની લીડ મેળવી લીધી હતી. કિદામ્બીએ લયમાં વાપસી કરતા 49 શોટની રેલી થઈ, જેમાં તેણે દમદાર સ્મેશ લગાવી પોઈન્ટ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ 18-16ની લીડ લીધી, પરંતુ તેને જાળવી શક્યો નહીં. બંને વચ્ચે 20-20 પર એટલે કે ગેમ પોઈન્ટમાં જોરદાર ટક્કર જોવા મળી, પરંતુ લોહ ગેમને 22-20થી જીતવામાં સફળ રહ્યો. આ સાથે તે વર્લ્ડ ચેમ્પિયન બની ગયો. 

મેડલ જીતનાર ચોથો ભારતીય
28 વર્ષીય શ્રીકાંત આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બન્યો હતો. આ પહેલા ભારતને પુરૂષ સિંગલ્સ વર્ગમાં ત્રણ મેડલ મળ્યા હતા. વર્ષ 1983માં પ્રકાશ પાદુકોણ અને 2019માં બી સાઈ પ્રણીતે બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો, જ્યારે લક્ષ્ય સેનને આ વર્ષે બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ઓવરઓલ વાત કરીએ તો પીવી સિંધુએ વિશ્વ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ (એક ગોલ્ડ સહિત) જીત્યા છે, જ્યારે સાઇના નેહવાલના નામે બે મેડલ છે. જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની મહિલા જોડીએ પણ 2011માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news