CSK vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપી ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે ધમાકેદાર પ્રદર્શન કરતા પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. ચેન્નઈએ 11 મેચમાં 9મી જીત મેળવી છે. આ સાથે તેના 18 પોઈન્ટ થઈ ગયા છે.  

CSK vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપી ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં

શારજાહઃ ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ-2021 (IPL 2021) ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આઈપીએલ 2021ની 44મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપી પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. ચેન્નઈની આ 9મી જીત છે અને તેના 18 પોઈન્ટ થઈ ગયા છે. મહત્વનું છે કે આઈપીએલ-2020માં ધોનીની ટીમ લીગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 134 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ 19.4 ઓવરમાં 4 વિકેટે 139 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

ચેન્નઈના ઓપનરોનો દબદબો
આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની સફળતાનું એક સૌથી મોટુ કારણ ઓપનરોએ અપાવેલી સારી શરૂઆત છે. આ મેચમાં પણ ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડે દમદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં 47 રન જોડ્યા હતા. યુવા બેટ્સમેન ગાયકવાડ 5 રન માટે અડધી સદી ચુકી ગયો હતો. ગાયકવાડ 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 45 રન બનાવી જેસન હોલ્ડરનો શિકાર બન્યો હતો. 

મોઇન અલી 17 રન બનાવી રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ જેસન હોલ્ડરે એક ઓવરમાં બે સફળતા મેળવી હતી. હોલ્ડરે પહેલા સુરેશ રૈના (2)ને LBW આઉટ કર્યો અને ત્યારબાદ ડુ પ્લેસિસ (41) ને કેચઆઉટ કરાવ્યો હતો. ડુ પ્લેસિસે 36 બોલનો સામનો કરતા 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. અંબાતી રાયડૂ 17 અને ધોની 14 રન બનાવી અણનમ રહ્યા હતા. 

હૈદરાબાદની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને 23 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. જેસન રોય (2) જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. કેપ્ટન કેન વિલિયમસન 11 રન બનાવી બ્રાવોની ઓવરમાં આઉટ થયો હતો. યુવા બેટ્સમેન પ્રિયમ ગર્ગ માત્ર 7 રન બનાવી બ્રાવોની ઓવરમાં પેવેલિયન પરત પહોંચ્યો હતો. 

સાહાએ બનાવ્યા 44 રન
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સૌથી વધુ રન રિદ્ધિમાન સાહાએ બનાવ્યા હતા. સાહા 46 બોલમાં બે સિક્સ અને એક ચોગ્ગા સાથે 44 રન બનાવી જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો. અભિષેક શર્મા 18 રન બનાવી હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ અબ્દુલ સમદ (18)ને આઉટ કરી હેઝલવુડે પોતાની ત્રીજી વિકેટ મેળવી હતી. જેસન હોલ્ડર 5 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. રાશિદ ખાન 17 રન બનાવી અને ભુવનેશ્વર બે રન બનાવી અણનમ રહ્યો હતો. 

ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી જોશ હેઝલવુડે 24 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ડ્વેન બ્રાવોને બે અને જાડેજા તથા ઠાકુરને એક-એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news