SA vs ENG: અંતિમ મેચમાં વિજય છતાં આફ્રિકા બહાર, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સેમીમાં એન્ટ્રી


સાઉથ આફ્રિકાએ ટી20 વિશ્વકપની પોતાની અંતિમ લીગ મેચમાં ઈંગ્લેન્ડને 10 રને પરાજય આપ્યો છે. છતાં આફ્રિકાની ટીમ નેટ રનરેટના આધારે સેમીફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 

SA vs ENG: અંતિમ મેચમાં વિજય છતાં આફ્રિકા બહાર, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સેમીમાં એન્ટ્રી

શારજાહઃ આઈસીસી ટી20 વિશ્વકપ-2021ના ગ્રુપ-એમાં બે સેમીફાઇનલની ટીમ નક્કી થઈ ગઈ છે. આ ગ્રુપમાંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ બહાર થઈ ગઈ છે. આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના 8-8 પોઈન્ટ થયા હતા. પરંતુ નેટ રનરેટના આધારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે આફ્રિકા ઈંગ્લેન્ડને હરાવ્યા છતાં સેમીફાઇનલમાં પહોંચી શક્યું નથી. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં બે વિકેટે 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 179 રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકાએ પોતાની અંતિમ લીગ મેચમાં 10 રને વિજય મેળવ્યો છે.

ઈંગ્લેન્ડની ઈનિંગ, રોય રિટાયર્ડ હર્ટ
ઈંગ્લેન્ડે ધમાકેદાર શરૂઆત કરી હતી. જોસ બટલર અને જેસન રોયે ઈંગ્લેન્ડને આક્રમક શરૂઆત અપાવી હતી. પરંતુ જેસન રોય ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થયો હતો. રોયે 20 રન બનાવ્યા હતા. ત્યારબાદ જોસ બટલર 15 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડે પાવરપ્લેમાં 1 વિકેટે 59 રન બનાવ્યા હતા. 

જોની બેયરસ્ટો (1) ને શમ્સીએ આઉટ કરીને આફ્રિકાને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ મોઇન અલી (37) અને ડેવિડ મલાન (33) એ ઈંગ્લેન્ડનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. મોઇન અલી 27 બોલમાં 37 રન બનાવી શમ્સીનો શિકાર બન્યો હતો. ડેવિડ મલાન 33 રન બનાવી પ્રિટોરિયસનો શિકાર બન્યો હતો. લિયામ લિવિંગસ્ટોને 17 બોલમાં ત્રણ સિક્સ અને એક ચોગ્ગા સાથે 28 રન બનાવ્યા હતા. 

અંતિમ ઓવરમાં રબાડાની હેટ્રિક
ઈંગ્લેન્ડને અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરૂર હતી. પરંતુ કગિસો રબાડાએ હેટ્રિક ઝડપી હતી. રબાડાએ ક્રિસ વોક્સ (7), ઇયોન મોર્ગન (17) અને ક્રિસ જોર્ડન (0) ને આઉટ કરીને પોતાના હેટ્રિક પૂરી કરી હતી.  

સાઉથ આફ્રિકાની ધીમી શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને ત્રીજી ઓવરમાં રિઝા હેન્ડ્રિક્સના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. હેન્ડ્રિક્સ 2 રન બનાવી મોઇન અલીની ઓવરમાં બોલ્ડ થયો હતો. સાઉથ આફ્રિકાએ પાવરપ્લેમાં 1 વિકેટે 40 રન બનાવ્યા હતા. 

ડિ કોક અને વાન ડેર ડુસેને સંભાળી ઈનિંગ
15 રન પર પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ક્વિન્ટન ડિ કોક અને વાન ડેર ડુસેને ઈનિંગને સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. ડિ કોક 27 બોલમાં 4 ચોગ્ગા સાથે 34 રન બનાવી આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. આફ્રિકાને 86 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. 

વાન ડર ડુસેન અને માર્કરામની દમદાર બેટિંગ
સાઉથ આફ્રિકા તરફથી વાન ડેર ડુસેન અને એડન માર્કરમે દમદાર બેટિંગ કરીને આફ્રિકાનો સ્કોર 189 રન સુધી પહોંચાડ્યો હતો. એડન વાન ડેર ડુસેન 60 બોલમાં 5 ચોગ્ગા અને છ છગ્ગા સાથે 94 રન બનાવી અણનમ રહ્યો હતો. તો એડન માર્કરામ 25 બોલમાં ચાર સિક્સ અને બે સિક્સ સાથે 52 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઇન અલી અને આદિલ રાશિદને એક-એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news