મિશેલ સ્ટાર્ક માટે ખાસ રહી ઋષભ પંતની વિકેટ, ઓસ્ટ્રેલિયા માટે બનાવ્યો આ રેકોર્ડ

મિશેલ સ્ટાર્ક માટે ખાસ રહી ઋષભ પંતની વિકેટ, ઓસ્ટ્રેલિયા માટે બનાવ્યો આ રેકોર્ડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ મુકાબલો ચાલી રહ્યો છે. જેમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્યે રહાણે ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી રહ્યો છે. એક તરફ રહાણેએ ટેસ્ટના બીજા દિવસે શાનદાર સદી ફટકારીને ટીમ માટે લીડ હાંસલ કરી છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આ ટેસ્ટમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી ઝડપી 250 વિકેટ લેનારો પાંચમો બોલર બની ગયો છે. ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં સૌથી ઝડપી 250 વિકેટ પૂરી કરનારા બોલરોની યાદીમાં પહેલા નંબરે ડેનિલ લીલી છે. જેમણે માત્ર 48 ટેસ્ટમાં આ સફળતા મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો.

મેલબર્ન:

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલરોમાંથી એક મિશેલ સ્ટાર્કે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના બેટ્સમેન ઋષભ પંતની વિકેટ ઝડપીને 59મી મેચમાં 250 વિકેટ પૂરી કરવાની સફળતા મેળવી છે. તેની સાથે જ તે આ સિદ્ધિ મેળવનાર ઓસ્ટ્રેલિયાનો બીજો લેફ્ટ હેન્ડ બોલર બન્યો છે.

ઓસ્ટ્રેલિયાના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં શેન વોર્નનું નામ સૌથી ઉપર છે. શેન વોર્નના નામે ટેસ્ટમાં 708 વિકેટ છે.

ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર
1. શેન વોર્ન - 708 વિકેટ

2. ગ્લેન મેકગ્રાથ- 563 વિકેટ

3. નાયન લિયોન - 392 વિકેટ ( હાલ રમી રહ્યો છે)

4. ડેનિસ લીલી - 355 વિકેટ

5. મિશેલ જોન્સન - 313 વિકેટ

6. બ્રેટ લી - 310 વિકેટ

7. ક્રેગ મેકડરમોટ - 291 વિકેટ

8. જેસન ગિલેસ્પી - 259 વિકેટ

9. મિશેલ સ્ટાર્ક- 250 વિકેટ (હાલ રમી રહ્યો છે)

જ્યારે પંત સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો ત્યારે મિશેલ સ્ટાર્કના બોલ પર તેનો કેચ વિકેટકીપર ટિમ પેને ઝડપી લીધો. આ પેનનો ટેસ્ટ મેચમાં 150મો શિકાર અને સ્ટાર્કની 250મી વિકેટ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news