PAK vs SCO: પાકિસ્તાનની સતત પાંચમી જીત, સ્કોટલેન્ડને 72 રને હરાવ્યું

પાકિસ્તાનની ટીમે આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. પાકિસ્તાને સ્કોટલેન્ડને 72 રને પરાજય આપી સતત પાંચમી જીત મેળવી છે. 

PAK vs SCO: પાકિસ્તાનની સતત પાંચમી જીત, સ્કોટલેન્ડને 72 રને હરાવ્યું

દુબઈઃ પાકિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં પોતાનું દમદાર પ્રદર્શન જાળવી રાખતા સ્કોટલેન્ડને 72 રને પરાજય આપી સતત પાંચમી જીત મેળવી છે. આ સાથે પાકિસ્તાનની ટીમ હવે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પાકિસ્તાને અંતિમ લીગ મેચમાં સ્કોટલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 189 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 117 રન બનાવી શકી હતી. 

બાબર આઝમની ટૂર્નામેન્ટમાં ચોથી અડધી સદી
પાકિસ્તાનને આ ટૂર્નામેન્ટમાં બંને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી છે. આજે સ્કોટલેન્ડ સામે બાબર આઝમે દમદાર બેટિંગ કરી હતી. બાબર 47 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 66 રન બનાવી આઉટ થયો હતો. બાબર આઝમની આ વિશ્વકપમાં ચોથી અડધી સદી છે. 

શોએબ મલિક અને મોહમ્મદ હાફિઝનો અનુભવ કામ લાગ્યો
પાકિસ્તાનના સૌથી અનુભવી બેટ્સમેન મોહમ્મદ હફીઝ અને શોએબ મલિકે પણ સ્કોટલેન્ડ સામે શાનદાર બેટિંગ કરી હતી. મોહમ્મદ હફીઝ 19 બોલમાં 31 રન બનાવી આઉટ થયો હતો. તો શોએબ મલિકે માત્ર 18 બોલમાં 6 છગ્ગા અને એક ચોગ્ગા સાથે અણનમ 54 રન બનાવ્યા હતા. 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને 35 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. મોહમ્મદ રિઝવાન 15 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ફખર જમાન 8 રન બનાવી આઉટ થયો હતો. આસિફ અલીએ અણનમ 5 રન બનાવ્યા હતા. 

પાકિસ્તાને લીગ રાઉન્ડમાં પાંચેય મેચ જીતી
આઈસીસી ટી20 વિશ્વકપના લીગ રાઉન્ડમાં તમામ પાંચેય મેચ જીતનાર પાકિસ્તાન એકમાત્ર ટીમ છે. પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં ભારતને 10 વિકેટે કારમો પરાજય આપ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામે પાકિસ્તાને 5 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાને નામીબિયાને 45 રન અને સ્કોટલેન્ડને 72 રને પરાજય આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news