નીંદર ન આવી, વિચારતો રહ્યો કે..... IPL ફાઇનલમાં અંતિમ ઓવર ફેંકનાર મોહિતે સંભળાવી આપવીતી
IPL Final 2023: ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્મા આઈપીએલ 2023 ફાઇનલની અંતિમ ઓવરમાં 13 રન ડિફેન્ડ કરી શક્યો નહીં. ચેન્નઈ સુપર કિંગ્સ માટે જાડેજાએ વિજયી રન ફટકાર્યા હતા.
Trending Photos
અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2023ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ગુજરાત ટાઈટન્સ ટાઈટલ ડિફેન્ડ કરવાની નજીક હતી પરંતુ તક ચુકી ગઈ. જીટીને ફાઇનલમાં અંતિમ ઓવરમાં 13 રન ડિફેન્ડ કરવાના હતા પરંતુ ફાસ્ટ બોલર મોહિત શર્મા કરી શક્યો નહીં. તેણે 20મી ઓવરના શરૂઆતી ચાર બોલમાં માત્ર ત્રણ રન આપ્યા, ત્યારબાદ સીએસકેનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. ચેન્નઈને અંતિમ બોલમાં 10 રન બનાવવાના હતા. તેવામાં રવિન્દ્ર જાડેજાએ પોતાના પાંચમાં બોલ પર સિક્સ અને છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકારી ચેન્નઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવી દીધુ.
સોમવારે મોડી રાત સુધી ચાલેલી આ ફાઇનલ બાદ મોહિત ખુબ ભાવુક થઈ ગયો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને ગળે લગાવ્યો હતો. મોહિતે મંગળવારે 20મી ઓવર ફેંક્યા બાદની આપવીતી સંભળાવી છે. તેણે કહ્યું કે, હાર બાદ તેની નીંદર ઉડી ગઈ અને તે માત્ર વિચારતો રહ્યો કે જીટીને જીતાડવા માટે હજુ શું કરી શકતો હતો. મોહિતે તેનો ખુલાસો એક ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો છે. મહત્વનું છે કે ફાઈનલમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું. જીટીએ 20 ઓવરમાં 214 રન ફટકાર્યા હતા. ત્યારબાદ વરસાદ આવ્યો હતો. ચેન્નઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
મોહિતે કહ્યું- હું સુઈ શક્યો નહીં. વિચારી રહ્યો હતો કે શું અલગ કર્યું હોત તો મેચ જીતી જાત. શું થાય જો મેં આ રીતે બોલ ફેંક્યો હોત? અત્યારે સારૂ લાગી રહ્યું નથી. એવું લાગી રહ્યું છે કે કંઈક મિસિંગ છે. પરંતુ હું આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેણે 20મી ઓવરને લઈને કહ્યું- હું જે કરવા ઈચ્છતો હતો તેને લઈને મારા મગજમાં ક્લિયર હતું. નેટ્સમાં મેં આવી પરિસ્થિતિની પ્રેક્ટિસ કરી હતી. હું પહેલાં પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યો છું. તેવામાં મેં કહ્યું કે મારે દરેક બોલ યોર્કર ફેંકવા જોઈએ. મેં ખુદને બેક કર્યો.
તેમણે આગળ કહ્યું કે તે માત્ર પગની પાસે સટીક યોર્કર ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેમ થયું નથી. તેમણે કહ્યું- હું દોડ્યો અને ફરીથી યોર્કરનો પ્રયાસ કર્યો. હું સંપૂર્ણ રીતે ફોકસ્ડ રહેવા ઈચ્છતો હતો. મેં આઈપીએલ દરમિયાન આ કર્યું. પરંતુ બોલ ત્યાં પડ્યો જ્યાં નહોતો પડવો જોઈતો. ત્યારબાદ જાડેજાએ બેટ અડાળી દીધું. મેં મારા તરફથી સંપૂર્ણ પ્રયાસ કર્યો. નોંધનીય છે કે મોહિત પાછલા વર્ષે ગુજરાતની સાથે નેટ બોલર તરીકે જોડાયો હતો. તેણે આ વર્ષે જીટી માટે ડેબ્યૂ કર્યું હતું. આ પહેલાં તે દિલ્હી કેપિટલ્સ અને સીએસકે માટે રમી ચુક્યો છે. તેણે આઈપીએલમાં 100 મેચમાં 119 વિકેટ ઝડપી છે.
મોહિતે સીએસકે વિરુદ્ધ ફાઈનલમાં જીટી માટે સર્વાધિક વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવરમાં 36 રન આપી ત્રણ મહત્વની સફળતા મેળવી હતી. મોહિતે અજિંક્ય રહાણે, રાયડૂ અને ધોનીને પેવેલિયન પરત મોકલ્યા હતા. મોહિત ટૂર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ લેનારા બોલરોમાં બીજા સ્થાને રહ્યો. મોહિત શર્માએ 14 મેચમાં 27 વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે