પ્રો કબડ્ડીઃ ગુજરાતનો વધુ એક પરાજય, પુનેરી પલટને 43-33થી હરાવ્યું

છેલ્લી બે સિઝનમાં ફાઇનલ સુધી પહોંચનાર ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનું પ્રદર્શન પ્રો કબડ્ડીની સાતમી સિઝનમાં નિરાશાજનક રહ્યું છે. આ સિઝનમાં ગુજરાતના ડિફેન્સે નિરાશ કર્યાં છે, જેથી ટીમે સતત પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે. 

પ્રો કબડ્ડીઃ ગુજરાતનો વધુ એક પરાજય, પુનેરી પલટને 43-33થી હરાવ્યું

પુણેઃ પુણે લેગના પ્રથમ દિવસે પ્રો કબડ્ડી 2019ની 89મી મેચમાં યજમાન પુનેરી પલટને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને 43-33થી હરાવીને હોમ લેગની શાનદાર શરૂઆત કરી છે. જીતની મદદથી પુનેરી પલટન પોઈન્ટ ટેબલમાં 34 પોઈન્ટની સાથે નવમા સ્થાને પહોંચી ગઈ છે. ગુજરાતની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને છે. 

પુનેરી પલટનના ડિફેન્સે આજે શાનદાર પ્રદર્શન કર્યું અને બાલાસાહબ જાધવ તથા કેપ્ટન સુરજીત સિંહે હાઈ 5 પૂરા કરતા 5-5 પોઈન્ટ મેળવ્યા હતા. આ સિવાય રેડિંગમાં નીતિન તોમરે સૌથી વધુ  11 પોઈન્ટ હાસિલ કર્યાં અને સુપર 10 પૂરુ કર્યું હતું. 

પ્રથમ હાફ બાદ પુનેરી પલટનની ટીમ 24-10થી આગળ હતી અને ગુજરાતની ટીમને બેકફુટ પર ધકેલી દીધી હતી. પ્રથમ હાફમાં ગુજરાતની ટીમ એક વખત ઓલઆઉટ થઈ અને પુનેરીની ટીમ લીડ મેળવવામાં સફળ રહી હતી. પ્રથમ હાફમાં પુનેરી પલટનના ડિફેન્સ અને રેડિંગ બંન્નેએ સારૂ પ્રદર્શન કર્યું અને ગુજરાતને વધુ પોઈન્ટ લેતા રોક્યું હતું. 

બીજા હાફમાં પણ પુનેરી પલટને શાનદાર શરૂઆત કરી અને ગુજરાતને વધુ એક વખત ઓલઆઉટ કરી દીધું હતું. ગુજરાત તરફખી સચિને સુપર 10 સહિત 10 પોઈન્ટ મેળવીને ટીમને વાપસી કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પુણેના ઓલરાઉન્ડ પ્રદર્શન સામે ગુજરાતની ટીમ વામણી પૂરવાર થઈ હતી. સચિન સિવાય માત્ર રોહિત ગુલિયા પ્રભાવિત કરી શક્યો અને તેણે મેચમાં સાત પોઈન્ટ મેળવ્યા હતા. 

પુનેરી પલટન તરફથી મંજીતે ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા સાત અને હાદી તાજિકે ડિફેન્સમાં ચાર પોઈન્ટ મેળવ્યા હતા. 

પુનેરી પલટન આગામી મેચમાં કાલે પટના સામે ટકરાશે તો ગુજરાતનો મુકાબલો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલી દબંગ દિલ્હી સામે થવાનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news