GT vs LSG: યશ ઠાકુર અને ક્રુણાલ પંડ્યા સામે ગુજરાત ટાઈટન્સ ધરાશાયી, 33 રને લખનૌની જીત
IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સે આઈપીએલમાં પ્રથમવાર ગુજરાત ટાઈટન્સને હરાવી છે. તો ગુજરાત ટાઈટન્સે સતત બીજી મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાંચ મેચમાં આ ગુજરાતની ત્રીજી હાર છે.
Trending Photos
લખનૌઃ યશ ઠાકુર (30 રન 5 વિકેટ) અને ક્રુણાલ પંડ્યા (11 રન 3 વિકેટ) ની શાનદાર બોલિંગની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે અહીં રમાયેલી આઈપીએલ-2024ની 21મી મેચમાં ગુજરાત ટાઈટન્સને 33 રને પરાજય આપ્યો છે. આ સાથે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ગુજરાત ટાઈટન્સ સામે આઈપીએલમાં પ્રથમવાર જીત મેળવી છે. ગુજરાતે સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમ 130 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ગિલ અને સાંઈ સુદર્શન વચ્ચે 54 રનની ભાગીદારી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને શુભમન ગિલ અને સાંઈ સુદર્શને સારી શરૂઆત અપાવી હતી. આજે રિદ્ધિમાન સાહાની ગેરહાજરીમાં સુદર્શને ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પાવરપ્લેમાં 54 રન ફટકાર્યા હતા. ગિલ 19 રન બનાવી યશ ઠાકુરનો શિકાર બન્યો હતો.
ગુજરાતના મિડલ ઓર્ડરનો ધબડકો
કેન વિલિયમસન માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. રવિ બિશ્નોઈએ એક કમાલનો કેચ કરી વિલિયમસનને પેવેલિયન મોકલી આપ્યો હતો. સાંઈ સુદર્શન પણ 23 બોલમાં ચાર ચોગ્ગા સાથે 31 રન બનાવી આઉટ થયો હતો. શરથ બીઆર 2 રન બનાવી આઉટ થયો હતો. વિજય શંકરે 17 અને દર્શન નાલકંડેએ 12 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાન શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. રાહુલ તેવતિયા 25 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 30 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે નૂર અહમદ 4 રન બનાવી આઉટ થયો હતો.
યશ ઠાકુરની પાંચ વિકેટ
લખનૌ તરફથી યશ ઠાકુરે શાનદાર બોલિંગ કરી હતી. ઠાકુરે 3.5 ઓવરમાં 30 રન આપી પાંચ વિકેટ લીધી હતી. જ્યારે ક્રુણાલે 4 ઓવરમાં માત્ર 11 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય નવીન-ઉલ-હક અને રવિ બિશ્નોઈને એક-એક વિકેટ મળી હતી.
ડિ કોક સસ્તામાં આઉટ, રાહુલની ધીમી ઈનિંગ
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ઉમેશ યાદવે ડિ કોક (6) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ દેવદત્ત પડિક્કલ પણ માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. કેએલ રાહુલે 31 બોલમાં 3 ચોગ્ગા સાથે 33 રન બનાવ્યા હતા. લખનૌએ પાવરપ્લેમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા.
સ્ટોયનિસની અડધી સદી
લનખૌ સુપર જાયન્ટ્સ તરફથી સૌથી વધુ રન માર્કસ સ્ટોયનિસે ફટકાર્યા હતા. સ્ટોયનિસે 43 બોલમાં 4 ચોગ્ગા અને બે સિક્સ સાથે 58 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરન 22 બોલમાં 3 સિક્સ સાથે 32 રન બનાવી અણનમ રહ્યો હતો. આયુષ ભદોણીએ 11 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 20 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી ઉમેશ યાદવ અને દર્શન નાલકંડેએ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે રાશિદ ખાનને એક સફળતા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે