4 ઓવર, 4 મેડન અને 3 વિકેટ, ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરે ટી20 વિશ્વકપમાં રચ્યો ઈતિહાસ
કોઈ બોલર પોતાની ચાર ઓવર ફેંકે અને તેમાં કોઈ રન ન આપે તો ચોંકાવનારૂ લાગે છે. પરંતુ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને આ કરી દેખાડ્યું છે. તેણે ચાર ઓવરમાં કોઈ રન આપ્યા વગર ત્રણ વિકેટ લીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને સોમવારે પોતાની દમદાર બોલિંગથી ઈતિહાસ રચી દીધો છે. ટી20 વિશ્વકપ 2024માં ન્યૂઝીલેન્ડની ટીમ સુપર-8માં જગ્યા બનાવી શકી નથી. પોતાની અંતિમ મેચમાં કીવી ટીમની ટક્કર પાપુઆ ન્યૂ ગિની સામે હતી. આ ટીમ વિરુદ્ધ ફર્ગ્યુસને ઐતિહાસિક બોલિંગ કરી છે.
ફર્ગ્યુસને આ મેચમાં પોતાની ચાર ઓવરમાં એકપણ રન આપ્યા વગર ત્રણ વિકેટ લીધી છે. આ ટી20 વિશ્વકપમાં કોઈપણ બોલર દ્વારા કરવામાં આવેલું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તો ટી20 આંતરરાષ્ટ્રીયમાં બીજીવાર છે જ્યારે કોઈ બોલરે સતત ચાર ઓવર મેડન ફેંકી છે. ફર્ગ્યુસન પહેલા કેનેડાના સાદ બિન ઝફરે આ કામ કર્યું હતું. તેણે ચાર ઓવરમાં રન આપ્યા વગર બે વિકેટ લીધી હતી.
આ રીતે ઝડપી વિકેટ
ફર્ગ્યુસને પોતાની પ્રથમ વિકેટ પીએનજીના કેપ્ટન અસલ વાળાના રૂપમાં લીધી હતી. વાળાને ફર્ગ્યુસને ડેરિલ મિચેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ 12મી ઓવરના બીજા બોલ રપ તેણે ચાર્લ્સ અમિનીને પેવેલિયન પરત મોકલ્યો હતો. ફર્ગ્યુસને ત્રીજી વિકેટ ચાડ સોપરના રૂપમાં લીધી હતી. સોપર બોલ્ડ થયો હતો. આ તેની ચોથી ઓવર હતી અને તેમાં પણ કોઈ રન આપ્યા નહીં. ફર્ગ્યુસનનો બોલિંગ સ્પેલ 4-0-3 રહ્યો હતો.
78 રનમાં ઓલઆઉટ થઈ પીએનજી
પીએનજીની ટીમ આ મેચમાં મોટો સ્કોર કરી શકી નહીં. ન્યૂઝીલેન્ડ સામે પીએનજીની ટીમ 19.4 ઓવરમાં 78 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ફર્ગ્યુસને ટી20 આંતરરાષ્ટ્રીયનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પીએનજીની કમર તોડી દીધી હતી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉદીએ બે-બે વિકેટ લીધી હતી. સોઢીને પણ બે અને સેન્ટનરને એક સફળતા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે