IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, CSK એ રિટેન કર્યો તો માત્ર આટલો પગાર મળશે

IPL 2025 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેને લઈને યોજાનારી હરાજી પહેલા બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝી માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તે હેઠળ દરેક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. 

IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, CSK એ રિટેન કર્યો તો માત્ર આટલો પગાર મળશે

નવી દિલ્હીઃ IPL 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંગેની હરાજી પહેલા જ બીસીસીઆઈએ 10 આઈપીએલ ફ્રેન્ચાઈઝીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત દરેક ફ્રેન્ચાઇઝી ટીમ વધુમાં વધુ 6 ખેલાડીઓને જાળવી શકે છે. આમાં વધુમાં વધુ 5 કેપ્ડ અને વધુમાં વધુ 2 અનકેપ્ડ પ્લેયર્સને સામેલ કરી શકાય છે. જેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ ફરી એકવાર પોતાના ફેવરિટ મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં સામેલ કરી શકે છે. જો કે, નિયમો અનુસાર, જે ખેલાડીએ છેલ્લા 5 વર્ષમાં એકપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી તેને અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. આ નિયમને કારણે મહેન્દ્ર સિંહ ધોનીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

CSK થી રમી શકે છે ધોની, પરંતુ.....
જો પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ઈચ્છે છે કે એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવે, તો તેમનો રસ્તો એકદમ સાફ છે. આ શક્ય બન્યું છે કારણ કે IPLએ નિર્ણય લીધો છે કે તે તેના 2008ના નિયમોમાંથી એકને પાછો લાવશે. તે નિયમ હેઠળ, જો કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી પાંચ વર્ષ પહેલા નિવૃત્ત થઈ ગયો હોય, તો તેને અનકેપ્ડ ખેલાડી ગણવામાં આવશે. આ નિયમનો ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને 2021માં તેને દૂર કરવામાં આવ્યો હતો.

જોકે અનકેપ્ડ ખેલાડીઓ પર વ્યાપક ચર્ચા દરમિયાન આઈપીએલએ બધી ફ્રેન્ચાઇઝીને માહિતી આપી કે તે આ નિયમને પરત લાવી રહી છે. 

ખેલાડીઓને રિટેન કરવા માટે આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓને જે નિયમ જણાવવામાં આવ્યા છે, તેમાં લખ્યું છે- જો કોઈ કેપ્ડ ભારતીય ખેલાડીએ પાંચ કેલેન્ડર વર્ષોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લીધો નથી અને તે બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં સામેલ નથી તો તેને અનકેપ્ડ ખેલાડીઓની શ્રેણીમાં રાખવામાં આવશે. આ માત્ર ભારતીય ખેલાડીઓ માટે લાગૂ થશે. 

ધોનીને થશે કરોડોનું નુકસાન
2022ની મેગા હરાજી પહેલા ધોનીને ચેન્નઈએ બીજા ખેલાડીના રૂપમાં 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. જુલાઈમાં ધોની 43 વર્ષનો થઈ ગયો છે. તેણે 2020માં સંન્યાસ લીધા બાદ આઈપીએલમાં જ ભાગ લીધો છે. જો સીએસકે હવે તેને અનકેપ્ડ ખેલાડીના રૂપમાં રિટેન કરવાનો નિર્ણય કરે છે તો ધોનીને 4 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. 

છેલ્લા કેટલાક સિઝનથી સતત ચર્ચા ચાલી રહી છે કે શું આ ધોનીની છેલ્લી IPL સિઝન છે? 2023 માં ઘૂંટણની સર્જરી કરાવ્યા પછી, તેણે IPL 2024 પહેલા CSK ની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી. બેટિંગ કરતી વખતે તે બહુ ઓછા બોલનો સામનો કરતો હતો. તાજેતરમાં જ એક ઈવેન્ટમાં ધોનીએ કહ્યું હતું કે તે અને CSK ખેલાડીઓના રિટેન્શન નિયમો રજૂ થયા બાદ તેમના ભવિષ્ય વિશે નિર્ણય લેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news