IPL 2019, Eliminator: પંતના ધમાકાથી પ્લેઓફમાં દિલ્હીની પ્રથમ જીત, હૈદરાબાદ બહાર

દિલ્હીએ શાનદાર પ્રદર્શન કરતા આઈપીએલ-12ના એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું છે. અત્યંત રોમાંચક મેચમાં દિલ્હીએ 1 બોલ બાકી રાખીને મેચ પોતાના નામે કરી લીધી હતી. 
 

IPL 2019,  Eliminator: પંતના ધમાકાથી પ્લેઓફમાં દિલ્હીની પ્રથમ જીત, હૈદરાબાદ બહાર

વિશાખાપટ્ટનમઃ રિષભ પંત (49)ની ધમાકેદાર ઈનિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-12ના એલિમિનેટર મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને 2 વિકેટે પરાજય આપીને શુક્રવારે ચેન્નઈ સામે મુકાલાત પાક્કી કરી લીધી છે. દિલ્હી કેપિટલ્સ પ્રથમ વખત આઈપીએલમાં નોકઆઉટ મુકાબલો જીતવામાં સફળ રહી છે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 162 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 165 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ સાથે હૈદરાબાદ ટૂર્નામેન્ટમમાંથી આઉટ થઈ ગયું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ શુક્રવાર (10 મે)એ આજ મેદાન પર ચેન્નઈ સુપર કિંગ્સ સામે ક્વોલિફાયર-2માં ટકરાશે. 

પંતે 21 બોલમાં ફટકાર્યા 49 રન
એક સમયે દિલ્હીની ટીમ મુશ્કેલીમાં હતી. ત્યારે રિષભ પંતે આક્રમક બેટિંગ કરતા દિલ્હીને જીતની નજીક પહોંચાડી દીધું હતું. પંતે 21 બોલનો સામનો કરતા 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. તે ઈનિંગની 19મી ઓવરમાં ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. પંત આઉટ થયો ત્યારે દિલ્હીને જીતવા માટે 5 રનની જરૂર હતી. 

પૃથ્વી શો અને ધવને અપાવી ધમાકેદાર શરૂઆત
દિલ્હી કેપિટલ્સને ઓપનર શિખર ધવન અને પૃથ્વી શોએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પાવરપ્લેમાં 55 રન જોડ્યા હતા. પૃથ્વી શોએ વધારે આક્રમક બેટિંગ કરી હતી. દિલ્હીએ 8મી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. શિખર ધવન (17) દીપક હુડ્ડાની બોલિંગમાં સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે 16 બોલમાં 3 બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યારબાદ પૃથ્વી શોએ આ સિઝનમાં પોતાની બીજી અડધી સદી પૂરી કરી હતી. 

ખલીલે એક ઓવરમાં આપ્યા બે ઝટકા
એક સમયે લાગી રહ્યું હતું કે, દિલ્હી મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે ઈનિંગની 11મી ઓવરમાં ખલીલ અહમદે રિષભ પંત (56) અને શ્રેયર અય્યર (8)ને આઉટ કરીને હૈદરાબાદને મહત્વની સફળતા અપાવી હતી. પૃથ્વી શો 38 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી વિજય શંકરના હાથે કેચઆઉટ થયો હતો. જ્યારે અય્યર 10 બોલનો સામનો કરીને વિકેટકીપરને કેચ આપી બેઠો હતો. 

રાશિદે મુનરો અને અક્ષરને કર્યા આઉટ
રાશિદ ખાને ઈનિંગની 15મી ઓવરમાં દિલ્હી કેપિટલ્સને બે ઝટકા આપ્યા હતા. તેણે આ ઓવરમાં એકપણ રન આપ્યા વગર કોલિન મુનરો (14)ને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ અક્ષર પટેલ (0)ને ઋૃદ્ધિમાન સાહાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. તેણો પોતાના ચાર ઓવરના સ્પેલમાં 15 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 

હૈદરાબાદે બનાવ્યા 162 રન
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ પર 162 રન બનાવ્યા હતા. તેના માટે માર્ટિન ગુપ્ટિલે 36 રન ફટકારીને આક્રમક શરૂઆત અપાવી હતી. આ સિવાય અંતમાં વિજય શંકરે 11 બોલ પર 25 અને મોહમ્મદ નબીએ 13 બોલ પર 20 રનનું યોગદાન આપ્યું હતું. 
દિલ્હી તરફથી કીમો પોલે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ઈશાંત શર્માને બે તથા બોલ્ટ અને અમિત મિશ્રાને એક-એક સફળતા મળી હતી. 

નબી-શંકરે 16 બોલમાં કરી 36 રનની ભાગીદારી
વિજય શંકર અને મોહમ્મદ નબીએ અંતિમ ઓવરોમાં ઝડપથી રન બનાવ્યા હતા. બંન્નેએ 16 બોલમાં 36 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન શંકરે બે અને નબીએ એક છગ્ગો ફટકાર્યો હતો. શંકરને બોલ્ટે અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. નબીને પોલે આઉટ કર્યો. દીપક હુડ્ડા 4 અને રાશિદ ખાન શૂન્ય રન પર આઉટ થયા હતા. અંતે ભુવનેશ્વર કુમાર 0 અને બાસિલ થમ્પી 1 રન બનાવીને અણનમ રહ્યાં હતા. 

સાહા-ગુપ્ટિલે અપાવી આક્રમક શરૂઆત
આ પહેલા ઋૃદ્ધિમાન સાહાના રૂપમાં હૈદરાબાદને પ્રથમ ઝટકો લાગ્યો હતો. તે 8 રન બનાવીને ઇશાંત શર્માની ઓવરમાં અય્યરને કેચ આપી બેઠો હતો. તેણે ગુપ્ટિલ સાથે મળીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 19 બોલમાં 31 રન જોડ્યા હતા. ગુપ્ટિલ 36 રન બનાવી અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો. મનીષ પાંડે 36 બોલ પર 30 રન બનાવીને કીમો પોલની બોલિંગમાં આઉટ થયો હતો. કેપ્ટન કેન વિલિયમ્સનને 28 રન પર ઇશાંત શર્માએ બોલ્ડ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news