IPL 2019: ચેન્નઈ સુપર કિંગ્સનો સતત ત્રીજો વિજય, રોમાંચક મેચમાં રાજસ્થાન 8 રને હાર્યું

ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 8 રને હરાવીને આઈપીએલની 12મી સિઝનમાં સતત ત્રીજો વિજય મેળવ્યો છે. 
 

IPL 2019: ચેન્નઈ સુપર કિંગ્સનો સતત ત્રીજો વિજય, રોમાંચક મેચમાં રાજસ્થાન 8 રને હાર્યું

ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના 12માં મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને રોમાંચક મેચમાં 8 રને પરાજય આપીને સતત ત્રીજો વિજય મેળવ્યો છે. તો રાજસ્થાનનો આ સતત ત્રીજો પરાજય છે. રાજસ્થાનને અંતિમ ઓવરમાં જીતવા માટે 12 રનની જરૂર હતી. પરંતુ ડ્વેન બ્રાવોએ માત્ર 3 રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સ એમએસ ધોનીની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 175/5 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 167 રન બનાવી શક્યું હતું. ચેન્નઈ તરફથી ડ્વેન બ્રાવો, ઈમરાન તાહિર, દીપક ચહર અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ ઝડપી હતી. 

ચેન્નઈના 175 રનોનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી અને ઓપનિંગ બેટ્સમેન અંજ્કિય રહાણે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. રહાણે બાદ સંજૂ સૈમસન પણ માત્ર 8 રન બનાવી આઉટ થઈ ગયો હતો. તેને ત્રીજી ઓવરના અંતિમ બોલ પર દીપક ચહરે રૈનાના હાથે કેચ કરાવ્યો હતો. 

ચોથી ઓવરના પ્રથમ બોલ પર જોસ બટલર 6 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રાજસ્થાનનો સ્કોર 14 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. ચોથી વિકેટ માટે સ્ટીવ સ્મિથ અને રાહુલ ત્રિપાઠીએ 61 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ 10મી ઓવરના અંતિમ બોલ પર રાહુલ ત્રિપાઠી ઇમરાન તાહિરનો શિકાર બન્યો હતો. 

તેણે 5 ચોગ્ગા અને એક સિક્સની મદદથી 39 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ 30 બોલ પર 28 રન બનાવીને આઉટ થયો હતો. ઈનિંગની 14મી ઓવરમાં ઇમરાન તાહિરને આ સફળતા મળી હતી. ઈનિંગની 17મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે કૃષ્ણપ્પા ગૌતમ (9)ને આઉટ કરીને રાજસ્થાનને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. 

ત્યારબાદ બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરે સાતમી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી હતી. સ્ટોક્સ (46) અંતિમ ઓવરના પ્રથમ બોલ પર ડ્વેન બ્રાવોનો શિકાર બન્યો હતો. સ્ટોક્સે 26 બોલમાં 1 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. 

ધોનીનો ધમાકો, ચેન્નઈએ ફટકાર્યા 175 રન
આ પહેલા રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે રૈના (36) અને ધોની (75)ની સાવચેતીપૂર્મ બેટિંગની મદદથી 175 રનનો સ્કોર બનાવ્યો હતો. ચેન્નઈની શરૂઆત ખરાબ રહી અને ટીમે બીજી ઓવરમાં અંબાતી રાયડૂના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. 5 ઓવર સુધી શેન વોટસન અને કેદાર જાધવ પણ પેવેલિયન પરત ફરી ગયા હતા. 

ત્યારબાદ ધોની અને રૈનાએ 61 રનની ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. ધોનીએ 46 બોલમાં 4 સિક્સ અને 4 ચોગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. 

ચેન્નઈની ઈનિંગનો રોમાંચ
ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં ચેન્નઈને પ્રથમ ઝટકો લાગ્ય અને અંબાતી રાયડૂ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જોફ્રા આર્ચરે તેને વિકેટકીપર બટલરના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ ચેન્નઈની ટીમ ઝટકામાંથી બહાર આવે તે પહેલા બેન સ્ટોક્સે વધુ એક ઝટકો આપ્યો હતો. 

સ્ટોક્સે વોટસનને થર્ડ મેનની જગ્યાએ ઉભેલા આર્ચરના હાથે કેચ કરાવ્યો હતો. ત્યારબાદ 5મી ઓવરમાં કેદાર જાધવ 3 બોલ પર 8 રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાનના બોલર ધવલ કુલકર્ણીએ જાધવને મેચમાં પોતાનો પ્રથમ શિકાર બનાવ્યો હતો. 

14મી ઓવરમાં ચેન્નઈને વધુ એક ઝટકો લાગ્યો અને સુરેશ રૈના 36 રન બનાવીને જયદેવ ઉનડકટના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. રૈનાએ ધોનીની સાથે મળીને 61 રનની ભાગીદારી કરી હતી. 

રૈના  બાદ આવેલા બ્રાવોએ 16 બોલમાં 27 રન ફટકાર્યા અને 19મી ઓવરમાં આઉટ થયો હતો. આર્ચરના બોલ પર તેણે શોટ માર્યો અને ધવલે કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ જાડેજાએ 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. 

વિકેટમાં લાગ્યો બોલ તો પણ બચી ગયો ધોની
છઠ્ઠી ઓવરનાં પાંચમાં બોલ પર ધોની માંડ-માંડ બચ્યો હતો. આર્ચરે 143  KMPHની ગતીથી બોલ ફેંક્યો અને ધોનીએ તેને રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોલ જઈને વિકેટમાં લાગ્યો પરંતુ વિલ્સ ન પડવાને કારણે આઉટ થવાથી બચી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news