IND vs ENG: રાજકોટમાં ઈંગ્લેન્ડના 'બેઝબોલ'ની હવા નીકળી ગઈ, ભારતનો 434 રને ભવ્ય વિજય

IND vs ENG: યશસ્વી જાયસવાલની શાનદાર બેવડી સદી બાદ લોકલ બોય રવિન્દ્ર જાડેજાના ઘાતક સ્પેલની મદદથી ભારતીય ટીમે ઈંગ્લેન્ડને રાજકોટ ટેસ્ટમાં ચોથા દિવસે પરાજય આપી પાંચ મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 
 

IND vs ENG: રાજકોટમાં ઈંગ્લેન્ડના 'બેઝબોલ'ની હવા નીકળી ગઈ, ભારતનો 434 રને ભવ્ય વિજય

રાજકોટઃ રાજકોટ ટેસ્ટમાં ભારતીય ટીમે રને યાદગાર વિજય મેળવીને ઈંગ્લેન્ડના બેઝબોલની હવા કાઢી દીધી છે. ભારતીય ટીમે ચોથા દિવસે છેલ્લા સત્રમાં ઈંગ્લેન્ડને 434  રને પરાજય આપી પાંચ મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે ચોથા દિવસે પોતાની બીજી ઈનિંગ 430/4 પર ડિકલેર કરી ઈંગ્લેન્ડને જીત માટે 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે બેન સ્ટોક્સની ટીમ માત્ર 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં જાડેજાએ પાંચ વિકેટ લીધી હતી. 

બીજી ઈનિંગમાં ભારતીય બોલરોનો દબદબો
ભારતે રાજકોટ ટેસ્ટ જીતવા માટે ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમનો ધબડકો થયો હતો. ઓપનર ઝેક ક્રાઉલી માત્ર 11 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બેન ડકેત 4 રન બનાવી રનઆઉટ થયો હતો. ઓલી પોપ (3) ને જાડેજાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. જો રૂટ પણ 7 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. જોની બેયરસ્ટો માત્ર 4 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન બેન સ્ટોક્સે 15 રન બનાવ્યા હતા. 

વિકેટકીપર બેન ફોકસ 16 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. જ્યારે રેહાન અહમદ શૂન્ય રન બનાવી કુલદીપની ઓવરમાં આઉટ થયો હતો. આર અશ્વિને ટોમ હાર્ટલે (16) ને બોલ્ડ કર્યો હતો. માર્ક વિુડ 26 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ 41 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપને બે, બુમરાહ અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી. 

યુવા યશસ્વી જાયસવાલની ધમાકેદાર બેવડી સદી
ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 4 વિકેટે 430 રન ફટકાર્યા હતા. ભારત તરફથી યુવા ઓપનર યશસ્વી જાયસવાલે સતત બીજી મેચમાં બીજી બેવડી સદી ફટકારી હતી. યશસ્વી 236 બોલમાં 14 ચોગ્ગા અને 12 સિક્સ સાથે 212 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સિવાય શુભમન ગિલ 91 રન બનાવી આઉટ થયો હતો. સરફરાઝ ખાને બીજી ઈનિંગમાં પણ શાનદાર બેટિંગ કરતા અણનમ 68 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ, ટોમ હાર્ટલે અને રેહાન અહમદને એક-એક વિકેટ મળી હતી. 

પ્રથમ ઈંનિંગમાં અચાનક ઈંગ્લેન્ડનો ધબડકો
ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં સારી શરૂઆત કરી હતી. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 224 રન પર 2 વિકેટ હતો પરંતુ ઈંગ્લેન્ડની ટીમ 319 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી એકમાત્ર બેન ડકેતે શાનદાર બેટિંગ કરતા 153 રન ફટકાર્યા હતા. ડકેતે 151 બોલમાં 23 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય ઓલી પોપે 39, સ્ટોક્સે 41 રનનું યોગદાન આપ્યું હતું. જો રૂટ 18 અને બેયરસ્ટો 0 રન બનાવી આઉટ થયા હતા. 

ઓપનર ઝેક ક્રાઉલીએ 15, વિકેટકીપર ફોક્સે 13, રેહાન અહમદે 6 રન બનાવ્યા હતા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ અને જાડેજાને બે-બે તથા બુમરાહ અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી. 

પ્રથમ ઈનિંગમાં રોહિત અને જાડેજાની શાનદાર સદી
ભારતે રાજકોટ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 33 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રોહિત શર્મા અને જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ 131 રન ફટકાર્યા હતા. જાડેજાએ પણ કરિયરની ચોથી સદી ફટકારતા 112 રન બનાવ્યા હતા. આ સિવાય સરફરાઝ ખાને 62, ધ્રુવ જુરેલે 46, અશ્વિને 37 રનનું યોગદાન આપ્યું હતું. 

ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 114 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય રેહાન અહમદને બે તથા એન્ડરસન, જો રૂટ અને હાર્ટલીને એક-એક વિકેટ મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news