વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશને 28 રને હરાવી ભારત સેમિફાઇનલમાં

આઈસીસી વિશ્વકપ-2019ના મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 28 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ આઈસીસી વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. 

વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશને 28 રને હરાવી ભારત સેમિફાઇનલમાં

બર્મિંઘમઃ ભારતે બાંગ્લાદેશને 28 રને પરાજય આપીને આઈસીસી વિશ્વકપ-2019ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 314 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રન બનાવી ઓલાઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 55 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તો હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે. ભારત માટે સદી ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 

આ જીત સાથે ભારતના 8 મેચમાં 6 જીત સાથે કુલ 13 પોઈન્ટ થઈ ગયા છે. ભારત પોતાની છેલ્લી લીગ મેચ 6 જુલાઈએ શ્રીલંકા વિરુદ્ધ રમશે. તો પરાજય સાથે બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે. 

શમીએ ભારતને અપાવી પ્રથમ સફળતા
બાંગ્લાદેશે પ્રથમ વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી હતી. ઈનિંગની 10મી ઓવરમાં મોહમ્મદ શમીએ તમિમ ઇકબાલ (22)ને બોલ્ડ કરીને બાંગ્લાદેશને પહેલો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 74 રન પર હતો ત્યારે હાર્દિક પંડ્યાએ સૌમ્ય સરકાર (33)ને કોહલીના હાથે કેચ કરાવીને ભારતને બીજી સફળતા અપાવી હતી. સૌમ્ય સરકારે 38 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા ફટકાર્યા હતા. મુસફિકુર રહીમ 24 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. લિટન દાસ 22ને હાર્દિક પંડ્યાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મોહમ્મદ સૈફુદ્દીન 51 રન બનાવી અણનમ રહ્યો હતો. 

શાકિબે વિશ્વકપમાં પૂરા કર્યાં 500 રન
વિશ્વકપ-2019મા શાકિબ અલ હસન શાનદાર ફોર્મમાં છે. તેણે ભારત વિરુદ્ધ પણ 58 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વિશ્વકપમાં આ તેનો છઠ્ઠો 50+નો સ્કોર છે. શાકિબ 74 બોલમાં 6 ચોગ્ગા સાથે 66 રન બનાવી આઉટ થયો હતો. દિનેશ કાર્તિકના હાથે કેચ કરાવીને પંડ્યાએ તેને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

બુમરાહે ભારતને અપાવ્યો વિજય
જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 55 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો પંડ્યાએ 10 ઓવરમાં 60 રન આપીને સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન અને લિટન દાસને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. આ સિવાય મોહમ્મદ શમી, ભુવનેશ્વર અને ચહલને એક-એક સફળતા મળી હતી. 

ભારતે બનાવ્યા 314 રન
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ પર 314 રન બનાવ્યા. રોહિત શર્માએ 104 અને લોકેશ રાહુલે 77 રનનું યોગદાન આપ્યું હતું. રોહિતે આ વિશ્વકપમાં પોતાની ચોથી સદી ફટકારી હતી. તે એક વિશ્વકપમાં ચાર સદી ફટકારનાર પ્રથમ ભારતીય છે. તેણે સૌરવ ગાંગુલીની 3 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. ગાંગુલીએ 2003મા કેન્યા વિરુદ્ધ એક અને નામીબિયા વિરુદ્ધ એક સદી ફટકારી હતી. 

કોહલીએ 26 રન બનાવ્યા, પંડ્યા શૂન્ય પર આઉટ
વિરાટ કોહલી સતત છઠ્ઠી મેચમાં અડધી સદી ન ફટકારી શક્યો. તે 26 રન બનાવી આઉટ થયોહતો. હાર્દિક પંડ્યા બે બોલ રમીને શૂન્ય પર આઉટ થયો હતો. રિષભ પંતે 41 બોલમાં 48 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ધોનીએ 33 બોલમાં 35 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ માટે મુસ્તફિઝુર રહમાને 5 વિકેટ ઝડપી હતી. 

રોહિત-રાહુલ વચ્ચે સદીની ભાગીદારી 
રાહુલ-રોહિતે પ્રથમ વિકેટ માટે 180 રનની ભાગીદારી કરી હતી. રોહિત આ વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે. વોર્નરે 8 ઈનિંગમાં 516 રન બનાવ્યા હતા. રોહિતના 7 ઈનિંગમાં 544 રન થઈ ગયા છે. 

રોહિતનો આ વિશ્વકપમાં 5મી વખત 50+ સ્કોર
રોહિતે આ વિશ્વકપમાં 5મી વાર 50+નો સ્કોર કર્યો હતો. રોહિત અને રાહુલે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી. આ પહેલા 5મી ઓવરના ચોથા બોલ પર તમિમ ઇકબાલે રોહિતને જીવનદાન આપ્યું હતું. 

રોહિત વિશ્વકપ ઈતિહાસમાં 5 સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન
રોહિત શર્મા વિશ્વકપમાં 5 સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ, શ્રીલંકાના કુમાર સાંગાકારાએ 5-5 સદી ફટકારી હતી. વિશ્વકપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે કુલ 6 સદી ફટકારી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news