IND vs PAK: અમદાવાદમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી, વિશ્વકપમાં સતત આઠમીવાર હરાવ્યું

World Cup 2023: બોલરોના દમદાર પ્રદર્શન બાદ રોહિત શર્માની આક્રમક બેટિંગની મદદથી ભારતે પાકિસ્તાનને 7 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ભારતે વિશ્વકપમાં સતત ત્રીજી જીત મેળવી છે. આ સાથે પાકિસ્તાનને વિશ્વકપમાં આઠમી વખત હરાવ્યું છે. 

IND vs PAK: અમદાવાદમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી, વિશ્વકપમાં સતત આઠમીવાર હરાવ્યું

અમદાવાદઃ ભારતીય ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા આઈસીસી વિશ્વકપ-2023ના મુકાબલામાં પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો છે. ભારતે પાકિસ્તાન સામે વિશ્વકપના ઈતિહાસમાં સતત આઠમી વખત જીત મેળવી છે. તો ટૂર્નામેન્ટમાં ભારતનો આ સતત ત્રીજો વિજય છે. આ જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં માત્ર 191 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 30.3 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

રોહિત શર્મા છવાયો
અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકાર્યા બાદ રોહિત શર્માએ પાકિસ્તાન સામે ઈનિંગની શરૂઆત ચોગ્ગો ફટકારી કરી હતી. રોહિતે શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. રોહિતે પાકિસ્તાનના બોલરો સામે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. રોહિત શર્માએ માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિત 63 બોલમાં 6 ચોગ્ગા અને 6 સિક્સ સાથે 86 રન બનાવી આઉટ થયો હતો. રોહિતે ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 23, કોહલી સાથે બીજી વિકેટ માટે 56 રન અને શ્રેયસ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. 

ભારતની આક્રમક શરૂઆત
પાકિસ્તાને આપેલા લક્ષ્યની શરૂઆત કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે મજબૂત શરૂઆત અપાવી હતી. ભારતે શરૂઆતી ઓવરમાં જ બાઉન્ડ્રી ફટકારી હતી. ભારતને પ્રથમ ઝટકો 23 રનના સ્કોર પર લાગ્યો હતો. શુભમન ગિલ શાહિન આફ્રિદીનો શિકાર બન્યો હતો. ગિલ 11 બોલમાં 4 ચોગ્ગા સાથે 16 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ 16 રન બનાવી હસન અલીનો શિકાર બન્યો હતો. ભારતે પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવી 79 રન ફટકારી દીધા હતા. 

અય્યર અને રાહુલે ફિનિશ કરી મેચ
રોહિત શર્મા આઉટ થયો ત્યારે ભારતીય ટીમની જીત પાક્કી થઈ ગઈ હતી. ત્યારબાદ બાકીનું કામ શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે પૂરુ કર્યું હતું. શ્રેયસ અય્યરે 62 બોલમાં બે સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે અણનમ 53 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલ 19 રન બનાવી અણનમ રહ્યો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ બે તથા હસન અલીએ એક વિકેટ ઝડપી હતી. 

ભારતે આઠમી વાર પાકિસ્તાનને હરાવ્યું
આઈસીસી વિશ્વકપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ક્યારેય હારી નથી અને રોહિત શર્માની ટીમે પણ આ સિલસિલો યથાવત રાખ્યો છે. ભારતે પાકિસ્તાનને આઈસીસી વનડે વિશ્વકપમાં સતત આઠમી વખત પરાજય આપ્યો છે. ભારતની આ વિજય યાત્રા વર્ષ 1992ના વિશ્વકપથી શરૂ થઈ હતી. ભારતે 1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019 અને હવે 2023ના વિશ્વકપમાં પાકિસ્તાનને પરાજય આપ્યો છે. 

પાવરપ્લેમાં ભારતને મળી સફળતા
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ધીમી શરૂઆત કરી હતી. અબ્દુલ્લા શફીક અને ઇમામે શરૂઆતમાં કેટલીક બાઉન્ડ્રી પણ ફટકારી હતી. ભારતને પ્રથમ સફળતા આઠમી ઓવરના છેલ્લા બોલ પર મળી હતી. મોહમ્મદ સિરાજે અબ્દુલ્લા શફીક (20) ને LBW કર્યો હતો. પાકિસ્તાને પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા હતા. 

સારી શરૂઆત બાદ ઈમામ આઉટ
ઈમામ ઉલ હક શરૂઆતથી સારી લયમાં જોવા મળ્યો હતો. તેણે કેટલાક આકર્ષક શોટ્સ પણ ફટકાર્યા હતા. પરંતુ ભારતને 73 રનના સ્કોર પર બીજી સફળતા મળી હતી. ઈમામ ઉલ હક હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. ઈમામે 38 બોલમાં 6 ચોગ્ગા સાથે 36 રન બનાવ્યા હતા. ભારતને 13મી ઓવરમાં આ સફળતા મળી હતી. 

બાબરની અડધી સદી
પાકિસ્તાને 73 રને બે વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ઈનિંગ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ટીમનો સ્કોર 155 રન હતો ત્યારે બાબર આઝમ અડધી સદી ફટકારી આઉટ થયો હતો. બાબરની ભારત સામે વનડેમાં આ પ્રથમ અડધી સદી હતી. બાબર આઝમ 58 બોલમાં 7 ચોગ્ગા સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. 

ભારતની શાનદાર વાપસી
પાકિસ્તાનનો સ્કોર 155 રન પર બે વિકેટથી 187 રનમાં નવ વિકેટ થઈ ગયો હતો. કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ ભારતની મેચમાં શાનદાર વાપસી કરાવી હતી. મોહમ્મદ રિઝવાન (49) ને બુમરાહે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કુલદીપ યાદવે સાઉદ શકીલ (6) અને ઈફ્તિખાર અહમદ (4) ને એક જ ઓવરમાં આઉટ કરી ભારતની મેચમાં વાપસી કરાવી હતી. શાદાબ ખાનને બુમરાહે બોલ્ડ કર્યો હતો. 

મોહમ્મદ નવાઝ 4 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો. હસન અલી 12 રન બનાવી રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને 2-2 વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news