IND vs ENG: ભારતનો શાનદાર વિજય, નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડને હરાવી 3-2થી કબજે કરી સિરીઝ
Englend vs india T20I: વિરાટ કોહલી અને રોહિત શર્માની ધમાકેદાર અડધી સદી બાદ ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુરની મદદથી ભારતીય ટીમે 'ફાઇનલ'માં ઈંગ્લેન્ડને 36 રને પરાજય આપી સિરીઝ 3-2થી કબજે કરી છે.
Trending Photos
અમદાવાદઃ ભારતે પાંચ ટી20 મેચની અંતિમ અને નિર્ણાયક ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 36 રને પરાજય આપી સિરીઝ 3-2થી કબજે કરી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી ટી20 મેચમાં ભારતીય ટીમે દમદાર પ્રદર્શન કરતા નંબર-1 ટીમને હરાવી પાંચ મેચોની સિરીઝ 3-2થી કબજે કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે રોહિત શર્મા અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટે 224 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 188 રન બનાવી શક્યું હતું. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે બે તથા શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી. મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ભુવનેશ્વર કુમારને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તો સિરીઝમાં અણનમ 3 અડધી સદી સાથે 220થી વધુ રન બનાવનાર કેપ્ટન વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.
જેસન રોય ફ્લોપ
ભારતે આપેલા 225 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતને પ્રથમ ઓવરમાં ભુવનેશ્વર કુમારે સફળતા અપાવી હતી. સિરીઝમાં ત્રણ વખત 40થી વધુ રન બનાવનાર જેસન રોય પ્રથમ ઓવરના બીજા બોલ પર શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.
જોસ બટલર અને ડેવિડ મલાને સંભાળી ઈનિંગ
પ્રથમ વિકેટ શૂન્ય રન પર ગુમાવ્યા બાદ ડેવિડ મલાન અને જોસ બટલરે આક્રમક બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડે પાવરપ્લેમાં 1 વિકેટે 62 રન બનાવ્યા હતા. બન્નેએ મળીને 10 ઓવરમાં ટીમનો સ્કોર 100 રનને પાર પહોંચાડી દીધો હતો. ભારતને બીજી સફળતા 13મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે અપાવી હતી. ભુવીએ જોસ બલટર (52)ને હાર્દિક પંડ્યાના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. બટલર 34 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
ડેવિડ મલાને ટી20માં સૌથી ઝડપી 1000 રન પૂરા કર્યા
ભારત સામે પ્રથમ ચાર મેચમાં ઓછો સ્કોર બનાવનાર વિશ્વના નંબર-1 ટી20 બેટ્સમેન ડેવિડ મલાને શાનદાર બેટિંગ કરી હતી. મલાને 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો મલાને પોતાની ઈનિંગ દરમિયાન ટી20 ક્રિકેટમાં 1000 રન પણ પૂરા કર્યા હતા. તેણે માત્ર 24 ઈનિંગમાં 1 હજાર રન પૂરા કરી બાબર આઝમનો રેકોર્ડ તોડ્યો હતો. બાબરે 26 ઈનિંગમાં 1000 રન પૂરા કર્યા હતા. ડેવિડ મલાન 46 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 68 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં બોલ્ડ થયો હતો.
બેન સ્ટોક્સ (14)ને ટી નટરાજને બોલ્ડ કર્યો હતો. જોફ્રા આર્ચર 1 રન બનાવી રન આઉટ થયો હતો. ક્રિસ જોર્ડન (11) રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો.
ઠાકુરે ફરી એક ઓવરમાં બે વિકેટ ઝડપી
શાર્દુલ ઠાકુરે ઈનિંગની 15મી ઓવરમાં ભારતને બે સફળતા અપાવી શાનદાર વાપસી કરાવી હતી. ઠાકુરે પહેલા જોની બેયરસ્ટો (7)ને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ડેવિડ મલાન (68)ને બોલ્ડ કર્યો હતો. ઇયોન મોર્ગન (1) રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો હતો.
ભારત તરફથી ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 15 રન આપી બે વિકેટ ઝડપી હતી. શાાર્દુલ ઠાકુરને ત્રણ સફળતા મળી હતી. ટી નટરાજન અને હાર્દિક પંડ્યાને પણ એક-એક સફળતા મળી હતી.
ભારતની નવી ઓપનિંગ જોડીએ અપાવી દમદાર શરૂઆત
ભારતીય ટીમે આ મેચમાં રેગ્યુલર ઓપનર કેએલ રાહુલને ડ્રોપ કરી દીધો હતો. રાહુલના સ્થાને રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈનિંગની શરૂઆત કરી હતી. રોહિત શર્માએ શરૂઆતથી આક્રમક શોટ્સ ફટકારવાનું શરૂ કર્યુ હતું, તો વિરાટ કોહલીએ એક છેડો સાચવી ધીમી શરૂઆત કરી હતી. ભારતીય ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે 60 રન બનાવ્યા હતા. પાવરપ્લે બાદ રોહિતે 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારતને પ્રથમ ઝટકો રોહિત (64)ના રૂપમાં 94 રનના સ્કોર પર લાગ્યો હતો. રોહિત 34 બોલમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારી આઉટ થયો હતો.
સૂર્યકુમાર યાદવની આક્રમક બેટિંગ
રોહિત આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે મેદાનમાં આવ્યો હતો. તેણે પણ ક્રિઝ પર ઉતરવાની સાથે આક્રમક શોટ્સ ફટકારવાનું શરૂ કર્યું હતું. વિરાટ કોહલી સાથે મળીને સૂર્યાએ 26 બોલમાં 49 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમાર યાદવ 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 32 રન બનાવી આઉટ થયો હતો.
વિરાટ કોહલીની સિરીઝમાં ત્રીજી અડધી સદી
આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે મહત્વના મુકાબલામાં પણ શાનદાર બેટિંગ કરી હતી. કોહલી શરૂઆતમાં ધીમો રહ્યો પરંતુ બાદમાં તેણે પોતાનો ગેર બદલી લીધો હતો. કોહલી 52 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 80 રન બનાવી અણનમ રહ્યો હતો. વિરાટ કોહલીએ આ સિરીઝમાં ત્રીજી અડધી સદી ફટકારી અને તે આ ત્રણેય અડધી સદી બાદ અણનમ રહ્યો હતો. વિરાટ અને હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં માત્ર 40 બોલમાં 81 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 17 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 39 રન બનાવી અણનમ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે