IND vs AUS: વિશ્વકપ પહેલા ટીમ ઈન્ડિયાનો ધમાકો, બીજી વનડેમાં કાંગારૂને 99 રને હરાવી જીતી સિરીઝ
India vs Australia: સીનિયર ખેલાડીઓને આરામ અપાયા છતાં ભારતીય ટીમે કેપ્ટન કેએલ રાહુલની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને સતત બીજી વનડેમાં પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ બનાવી લીધી છે.
Trending Photos
ઈન્દોરઃ ભારતીય ટીમે વિશ્વકપ પહેલા ધમાકો મચાવી દીધો છે. એશિયા કપ કબજે કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં પરાજય આપી ત્રણ મેચની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ઈન્દોરમાં રમાયેલી બીજી વનડેમાં ભારતનો ડક્વર્થ લુઈસ નિયમ પ્રમાણે 99 રને વિજય થયો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 399 રન ફટકાર્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાની ઈનિંગમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મહેમાન ટીમને 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ 28.2 ઓવરમાં 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતીય ટીમ વિશ્વકપમાં નંબર-1 ટીમ તરીકે ઉતરશે.
ઓસ્ટ્રેલિયાને મળ્યો હતો 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 9 ઓવર થઈ ત્યારે મેચમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ DLS નો નિયમ લાગૂ પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો પહાડી લક્ષ્ય મળ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમ 28.2 ઓવરમાં 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી આર અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ બે અને શમીએ એક સફળતા મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 53 રન ફટકાર્યા હતા. ઓપનર મેથ્યૂ શોર્ટ (9) રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. કેપ્ટન સ્ટીવ સ્મિથ શૂન્ય રન પર આઉટ થયો હતો. માર્નસ લાબુશેને 27 રન ફટકાર્યા હતા. જોશ ઈંગ્લિશ 6 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો. વિકેટકીપર એલેક્સ કેરી માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો. કેમરૂન ગ્રીન 19 રન બનાવી રનઆઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમ એક સમયે મુશ્કેલીમાં હતી. પરંતુ સેન એબોટે 36 બોલમાં 5 સિક્સ અને 4 ચોગ્ગા સાથે 54 રન ફટકારી ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. જોશ હેઝલવુડે પણ 23 રન ફટકાર્યા હતા.
ગિલ અને અય્યર વચ્ચે 200 રનની ભાગીદારી
ભારતે 16 રન પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે કાંગારૂ બોલરોના છોતરા કાઢી નાખ્યા હતા. બંનેએ આક્રમક શરૂઆત કરતા પ્રથમ પાવરપ્લેમાં ટીમનો સ્કોર 80 રન પર પહોંચાડી દીધો હતો. પાવરપ્લે બાદ પણ બંને બેટરોએ બાઉન્ડ્રી ફટકારવાનું જારી રાખ્યું હતું. ત્યારબાદ અય્યર અને ગિલે પોતાની અડધી સદી પૂરી કરી હતી.
ઈજા બાદ વાપસી કરી રહેલો અય્યર આજે શાનદાર લયમાં જોવા મળ્યો હતો. અય્યરે પોતાના વનડે કરિયરની ત્રીજી સદી ફટકારતા 105 રન બનાવ્યા હતા. અય્યરે 90 બોલમાં 11 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 105 રન બનાવ્યા હતા. અય્યર અને ગિલે બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલે પોતાના વનડે કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી. ગિલ 97 બોલમાં 6 ફોર અને ચાર સિક્સ સાથે 104 રન બનાવી આઉટ થયો હતો.
ભારતે 243 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ઈશાન કિશન અને કેએલ રાહુલે આક્રમક બેટિંગ કરવાનું જારી રાખ્યું હતું. ઈશાન કિશન 18 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 31 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન કેએલ રાહુલે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. કેએલ રાહુલ 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 52 રન બનાવી આઉટ થયો હતો.
અંતિમ ઓવરોમાં સૂર્યાની ફટકાબાજી
સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે સતત બીજી વનડેમાં અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ 37 બોલમાં 6 ફોર અને 6 સિક્સ સાથે 72 રન બનાવી અણનમ રહ્યો હતો. સૂર્યાએ ગ્રીનની ઓવરમાં સતત ચાર બોલમાં ચાર છગ્ગા પણ ફટકાર્યા હતા. જ્યારે જાડેજા 9 બોલમાં 13 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયન બોલર ધોવાયા
ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને સૌથી વધુ રન આપ્યા હતા. ગ્રીને 10 ઓવરમાં 103 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય એડમ ઝમ્પાએ 10 ઓવરમાં 67 રન આપી એક વિકેટ મળી હતી. જોશ હેઝલવુડને પણ 1 વિકેટ મળી હતી. તેણે 10 ઓવરમાં 62 રન આપ્યા હતા. સ્પેન્સર જોનસને 8 ઓવરમાં 61 રન અને મેથ્યૂ શોર્ટે બે ઓવરમાં 15 રન આપ્યા હતા. સીન એબોટને પણ એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે