IND vs AUS: કોહલી-રાહુલની અડધી સદી, ભારત 240 રન બનાવી ઓલઆઉટ

World Cup 2023 Final: ઓસ્ટ્રેલિયન બોલરોની શાનદાર બોલિંગ અને દમદાર ફીલ્ડિંગ સામે ભારતીય ટીમ વિશ્વકપ-2023ની ફાઈનલમાં 240 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને વિશ્વ વિજેતા બનવા માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. 

IND vs AUS: કોહલી-રાહુલની અડધી સદી, ભારત 240 રન બનાવી ઓલઆઉટ

અમદાવાદઃ  આઈસીસી વિશ્વકપ-2023ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ તરફથી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. 

ગિલ સસ્તામાં આઉટ, રોહિતે અપાવી સારી શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પાંચમી ઓવરમાં 30 રનના સ્કોર પર શુભમન ગિલ (4) મિચેલ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. પાવરપ્લેમાં રોહિત શર્માએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. રોહિતે 31 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સની સાથે 47 રન બનાવ્યા હતા. રોહિત શર્મા પાવરપ્લેની અંતિમ ઓવરમાં મેક્સવેલનો શિકાર બન્યો હતો. ભારતે પ્રથમ 10 ઓવરમાં 2 વિકેટે 80 રન ફટકાર્યા હતા. 

કોહલીની નવમી અડધી સદી
વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી છે. ફાઈનલમાં પણ કોહલીએ અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટમાં નવમી વખત 50+ રન બનાવ્યા હતા. કોહલી 63 બોલમાં 4 ફોર સાથે 54 રન બનાવી આઉટ થયો હતો. કોહલી ભારતનો સ્કોર 148 રન હતો ત્યારે આઉટ થયો હતો. શ્રેયસ અય્યર માત્ર 4 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. 

રાહુલની સંઘર્ષપૂર્ણ ઈનિંગ
કેએલ રાહુલે વિરાટ કોહલી સાથે ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલે 107 બોલમાં 1 ચોગ્ગા સાથે 66 રન ફટકાર્યા હતા. તે સ્ટાર્કનો શિકાર બન્યો હતો. રવીન્દ્ર જાડેજા 22 બોલમાં 8 રન બનાવી આઉટ થયો હતો. મોહમ્મદ શમી 6 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. જસપ્રીત બુમરાહ 1 રન બનાવી ઝમ્પાની ઓવરમાં આઉટ થયો હતો. 

સૂર્યકુમાર યાદવ 28 બોલમાં 1 ફોર સાથે 18 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવને જોશ હેઝલવુડે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 10 ઓવરમાં 55 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને બે-બે તથા મેક્સવેલ અને ઝમ્પાને એક-એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news